સિક્કાની બીજી બાજુને સામે મૂકી આપતી કેટલીક કથાઓ ‘સાવજનું કાળજું’

પાલવના પડછાયા

સમાજ જીવનમાં જે નજીકથી નથી ઓળખતા એવા લોકો માટે મીડીયા અને અખબારોએ ઉભી કરેલી એક દબંગ નેતાની છબી પાછળ સિક્કાની બીજી બાજુને સામે લાવીને ઈતિહાસ આલેખતું જીવન જીવી જનાર લોકનેતાની ઉજળી બાજુને ઉજાગર કરતું જીવન ચરિત્ર નહીં પણ તેના થોડા નાનાં નાનાં સંસ્મરણો લોકજીભે અને લોકહૃદયમાં પડેલી સાચુકલી વાતોને આલેખતું પુસ્તક હાથમાં આવે અને તેના પાનાં ફેરવતાં જાવ તેમ સાડા ત્રણ દાયકાના સેવાકાર્યોની સુવાસથી મન ભરાઈ જાય તેવા પુસ્તકની વાત કરવી છે.સાવજનું કાળજું પુસ્તકના લેખક રવજી ગાબાણી ગુજરાત સરકારમાં વહીવટી સેવા નં.૧ ના અધિકારી છે. સાહિત્ય ક્ષેત્રે ૧.ફુલની ફોરમ ર.રે.. ૩. ઝાડની જીવાદોરી જીવાદાદા અને ૪.જીંદગીના સ્ક્રીનશોર્ટસ પુસ્તકોના લેખક તેમજ બાલવિચાર ધ્વનિ જેવા સામાયિકોના તંત્રી અને અંજુ નરસી પારિતોષિક કમીટીના અધ્યક્ષ તરીકે સેવા બજાવી રહ્યા છે.
આ પુસ્તકમાંથી પસાર થતાં તપના સાડા ત્રણ દાયકા શીર્ષકથી ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડીયાએ તેના પિતા સ્વ.વિઠ્ઠલ રાદડીયાએ પોતાના સંસ્મરણો રજૂ કરી ભાવપૂર્ણ શબ્દાંજલી આપવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે જેમાં તેમણે દિવંગત નેતાના કાર્યો અને સામાજીક પ્રવૃત્તિઓની આપણને ઝાંખી કરાવી છે.પ્રાકકથન દ્વારા લેખક રવજીભાઈ ગાબાણીએ આ પુસ્તક લખવા પાછળનું પૂર્યાેજન અને પ્રેરણાની વાત કરી છે તેમજ તેમના આ કાર્યમાં મદદરૂપ થનાર અને વિવિધ રીતે પ્રેરક,પોષક બનનાર વ્યક્તિઓની ખાસ નોંધ લીધી છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી છે.શૌર્યગુણીની આ ટાઈમ કેપ્સ્યુલનું સ્વાગત હે શિર્ષકથી જાણીતા લેખક રજનીકુમાર પંડયાએ પોતાના પ્રતિભાવ પાઠવતાં જણાવ્યું છે કે સ્વ.વિઠ્ઠલભાઈના જીવનના માત્ર એકવીસ પ્રસંગોને સમાવતી આ એક ટ્રેઈલર સરખા પુસ્તકમાં લેખક રસના એક બુંદમાં જીવનની ફીલસુફી અને કાર્યમાં આખા સત્યની છલોછલ પ્યાલીભરી આપણી સમક્ષ ધરી દીધી છે. તે રોહીત પેથાણીએ સ્વ.વિઠ્ઠલ રાદડીયાની અવિચળ લોકચાહના પાછળ તેમના એવા કાર્યો અને અનેક પ્રવૃત્તિઓની આછી ઝલક આપી ‘સૌને સાથે રાખવા અને સૌની સાથે રહેવું’ ની રાજનીતિના મહામંત્રની વાત કરી છે તેમજ અટલબિહારી બાજપાઈજીને પણ તેમના વ્યક્તિત્વે કઈ રીતે આકર્ષાયા હતા તેની વાત કરી છે.
જયારે આ પુસ્તકના પ્રકાશક મનીષ પટેલે પણ ‘સાવજનું કાળજું’ છાપતી વેળાએ શિર્ષકથી પુસ્તકની પહેલી આવૃત્તિમાં એકસઠ હજાર કોપી એક લોટમાં છાપવાની આવી પડેલ ડકારને પોતે કઈ રીતે પહોંચી વળ્યા તેની વાત કરી છે.
સાવજનું કાળજું પુસ્તકમાં કુલ ર૧ પ્રસંગોમાં લેખકે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના બાળપણથી લઈને લોકનેતા સુધીની લાંબી મજલ કાપી તેના જીવંત સંસ્મરણોને પોતાના કલમના કસબથી અદ્‌ભુત રીતે વ્યકત કર્યો છે. જેમાં લેખના શીર્ષકો જોતાં અંદર પડેલી વાતનો અણસાર આવી જાય છે.જેમ કે હું તો નેતા બનવાનો, પહેલું સફળ આંદોલન છે શિક્ષણ તીર્થોની સ્થાપના હવે હું આ બેંકનો ચેરમેન બનીને આવીશ. સાંઢ સામે બાથ ભીડી, ઋણ સ્વીકારની અનોખી રીત, સહકારી ક્ષેત્રના ભીષ્મ,ઘરની લક્ષ્મીનું કન્યાદાન, પરમ સંતોષના આંસુ, ખેડૂતોના મસીહા.
સાવજનું કાળજું પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા થયું તે સાથે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ આવૃત્તિમાં એકસઠ હજાર પુસ્તકો પ્રગટ કરવાનો વિશ્વવિક્રમ સર્જવા બદલ પુસ્તકના લેખક રવજીભાઈ ગાબાણી અને ઝેડ કેડ પબ્લીકેશન અમદાવાદના મનીષ પટેલને અભિનંદન પાઠવું છું અને પુસ્તકને આવકારૂં છું.
સાવજનું કાળજું-સિક્કાની બીજી બાજુ મુકી આપતી કથાઓ) લેખકઃ રવજી ગાબાણી, કિં.રૂા. ૧૬૦, અમદાવાદ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.