જિંદગી જીવાય છે, આવતીકાલની આશામાં…..!
જિંદગીમાં સફળતા-નિષ્ફળતા, સુખ-દુઃખ, ચડતી-પડતીની ભરતી-ઓટ આવ્યા કરે. સફળતા, સુખ અને ચડતીના દાહડા માણસને ટૂંકા લાગે, પણ નિષ્ફળતા, દુઃખ અને પડતીના દાહડા ઘણા લાંબા લાગે! વિષમ પરિસ્થિતિમાં માણસ પાસે ટકી રહેવાનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો, તે છે આશાવાદ અને હકારાત્મક અભિગમ. આમ તો, પુરુષાર્થ પણ જાેઈએ. પણ, હકારાત્મક અભિગમ અને આશા વગરનો પુરુષાર્થ, આવી પરિસ્થિતિમાં માણસને વેઠ લાગે છે,
તે માણસને થકવીને તોડી નાખે. તો, આશાવાદ અને હકારાત્મક અભિગમ સાથે, ધૈર્ય રાખીને વિષમ પરિસ્થિતિમાં કરેલો પુરુષાર્થ થાક આપતો નથી, પણ પ્રસન્નતા આપી જાય છે. વિષમ પરિસ્થિતિમાં નકારાત્મકતા સાથે નિરાશાવાદી માણસ ઉતાવળમાં ઉકેલનો માર્ગ શોધી શકતો નથી.પરિણામે, હતાશ બની જાય છે. પણ, હકારાત્મક અભિગમ ધરાવતા ધૈર્યવાન અને આશાવાદીને કાળા વાદળ વચ્ચે પણ આશાનું કિરણ દેખાઈ શકે! નકારાત્મક વલણ સાથે મન અને બુદ્ધિનાં બારણાં બંધ કરવામાં આવે તો, શક્યતાનો પ્રકાશ ક્યાંથી આવી શકે?
આવી શક્યતાનુ ઉજળુ કિરણ જાેવા અને અજવાસને અનુભવવા, મન અને બુદ્ધિનાં બારણાં ખુલ્લાં રાખવાં પડે! હિંમત, ધૈર્ય અને હકારાત્મક વલણ સાથે આશા હોય તો જ અજવાશને માણી શકાય.બાકી, અંધારું ધોર.એટલે, કવિ હર્ષા દવે લખે છે –
“એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનુ દ્વાર છે;
આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારા વાર છે.”
દુઃખના દાહડા માં માણસ નિરાશ બની જાય તો, તેનું દુઃખ કંઈ દૂર થવાનું નથી. નિરાશા એ દુઃખ કે વિષમ પરિસ્થિતિનો ઉકેલ નથી. કપરા સમયમાં અને નિષ્ફળતામાં આવેલી નિરાશા મનને દુર્બળ બનાવે છે. માણસમાં હિનતા, લઘુતાગ્રંથિ અને ભય પેદા કરે છે.જે માણસને તોડી નાખે છે. જ્યારે, આશા માણસને આશ્વાસન આપી, હિંમત પૂરી પાડીને પુરુષાર્થ કરવા પ્રેરે છે. આશા મનને મજબૂત બનાવે છે.
તે શક્યતાઓની શોધ કરી આપી મનને ટોનિક પૂરું પાડે છે. ‘આજે નહીં તો, આવતીકાલે પરિસ્થિતિ બદલાશે’ અથવા તો ‘ વો સુબહ આયેગી’ની આશા જીવવા માટેનુ બળ પુરૂ પાડે. આવો આશાવાદી ભાવ મનને મજબૂત કરે છે અને માણસને સંઘર્ષ સામે લડવાની હિંમત પૂરી પાડે છે. જિંદગીના સંઘર્ષો આશાના આ હોંકારાથી લડી શકાય, અને જીંદગી પણ જીવાઈ જાય છે. આવી આવતીકાલ સુધરશે એ આશા માટે કવિ ચૈતન્ય જાેષી લખે છે-
“કાલે આરો આવશે, એમ માની જિંદગી જીવી ગયા,
કિસ્મત કદીક ફરશે, એમ માની જિંદગી જીવી ગયા.
કઠિન પ્રારબ્ધના દિવસો, કરી સંઘર્ષ વિતાવી દીધા,
દીકરા ઉજાળશે, એમ માની જિંદગી જીવી ગયા.
સમય સાથે અમે પણ સમાધાન ઘણું બધું કરી લીધું,
સમો કેટલો તાવશે? એમ માની જિંદગી જીવી ગયા.
હતું એક આશ્વાસન જબ્બર, ઈશના ભરોસા તણુ,
ક્યારેક એ વરસશે, એમ માની જિંદગી જીવી ગયા.
અર્થની દોડધામમાં શરીરને ના સાચવી શક્યા આખરે,
નિવૃત્તિમાં સુધરશે, એમ માની જિંદગી જીવી ગયા.”
ક્યારેક માણસ ખોટી આશામાં ગૂંચવાઈ જાય છે, જે તેને તકલીફ આપે છે. આશા કોના પ્રતિ રાખવી તે પણ મહત્વની બાબત છે. એવી વ્યક્તિ, પરિસ્થિતિ કે કોઈપણ બાબત પર આશા કે ભરોસો ન રાખવો, કે જેથી કરીને ‘ભરોસાની ભેંસ પાડો જણે’ એવો ઘાટ ઘડાય,ને દુઃખી થવું પડે. ખોટી વ્યક્તિ, પરિસ્થિતિ કે અન્ય બાબતોમાં રાખેલી ખોટી આશા નિરાશા જ આપે. આવી ખોટી આશા ન રાખવાની વાત કરતાં, કવિ રમણલાલ સોની કહે છે-
‘”ન રાખું આશા કદી કોઈ પાસ,
પછી કરે કોણ મને નિરાશ ? “
તો આશા ક્યાં રાખવી? આશા રાખવી ઈશ-નિષ્ઠ સત્ય સિદ્ધાંતોમાં, પોતાની જાતમાં, પોતાની આવડત અને પોતાની મહેનતમાં.આવી આશા અને શ્રદ્ધા હોય તો, કોઈ પણ પરિસ્થિતિમાં પણ રસ્તો મળી જાય છે. બાકી, ખોટી આશા રાખવાથી, નિરાશ થવાથી કે મૂંઝાવાથી કોઈ રસ્તો મળતો નથી.પોતાની મહેનત અને ઈશશ્રદ્ધાએ રાખેલ હકારાત્મક અભિગમ અને આશા વિષમતાઓ વચ્ચે માર્ગ કરી આપે. તે ક્યારેય ઠગારી ન નીવડે. આવી હિંમત અને આત્મવિશ્વાસ સાથેની આશા માટે કવિ અમૃત ઘાયલ પણ કહે છે-
“ રસ્તો નહિ જડે તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ, મનમાં મરી જવાના.
અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના.”
નિરાશાથી વિષમ પરિસ્થિતિ બદલાવાની નથી, કે તેનાથી દુઃખના દાહડા પણ ટુંકા થવાના નથી?. તે મનને દુર્બળ બનાવે છે.તો જીંદગી જીવી જાય છે આવતીકાલની સોનેરી આશામાં. આશા રાખવામાં કંઈ ગુમાવવાનું આવતું નથી