ચાલોને, હિંમત કરીને આપણે રોલમોડલ બદલી નાંખીએ

પાલવના પડછાયા

આપણે જેવું જાેઈએ છીએ, એવું વિચારીએ છીએ. જેવું વિચારીએ છીએ એવું કરવા પછીથી પ્રેરિત થઈએ છીએ. નાનપણથી શરુ થયેલો આ ક્રમ જીવનના અંતિમ પડાવ સુધી ચાલ્યાં કરે છે. એનો અર્થ એવો થયો કે આપણું પરિસર અને એને અવલોકવાની આપણી દૃષ્ટિ ભવિષ્યનો આપણો દૃષ્ટિકોણ નક્કી કરે છે.

મોહનદાસ “રાજા હરિષચંદ્ર” ફિલ્મ જુએ છે અને આપણને મોહનદાસમાંથી ‘મહાત્મા’ મળે છે.ગાંધીજીના જીવન ઉપર આ ફિલ્મનો જબ્બર પ્રભાવ પડેલો. આ એક ફિલ્મે એમના જીવનના દૃષ્ટિકોણને સમૂળગો બદલી નાંખેલો.નાનપણમાં ખાધેલું અને નાનપણમાં (આપણી અંદર) વાવેલું આગળ જતાં કામમાં આવતું હોય છે અર્થાત ઊગી નીકળતું હોય છે.એટલે આપણો ઉછેર જે રીતે ને જે માહોલમાં થયો હોય છે, એવા આપણે બનતા હોઈએ છીએ.

મોહનદાસના માટે આ ફિલ્મમાં રાજા હરિષચંદ્રનું પાત્ર ભજવનાર નહીં, પણ મૂળ પાત્ર રાજા હરિષચંદ્ર હીરો હતા.પરિણામ સ્વરૂપ આપણને સત્યનિષ્ઠ ગાંધીજી સાંપડ્યા. એમણે સત્ય માટેના રાજા હરિષચંદ્રના મૂળ ચરિત્ર અને એના સત્યનિષ્ઠ સમર્પણભાવને બરાબર પકડ્યો.ગાંધીજી પછીથી એને અનુસર્યાં એટલે એમણે જીવ્યાં ત્યાં સુધી પછી સત્યને છોડ્યું નહીં.
આપણા માટે ખાટલે મોટી ખોટ એ છે કે આપણે મૂળ પાત્રને નહીં, પણ પાત્ર ભજવનારને હીરો કે રોલમોડલ માની બેસીએ છીએ. મૂળ ચરિત્ર આપણે જાેતાં જ નથી.ભજવાયેલું પાત્ર આપણા માટે ગૌણ બની જાય છે.ભજવનાર પાત્ર આપણા મનમાં ફીટ થઈ જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે કહેવું પડે છે કે, “રેસ તણા ઘોડા આજે વરઘોડે ફરે છે.”

રેસ માટે સર્જાયેલા ઘોડા બિચારા આજકાલ વરઘોડે ફરવાના કામમાં જ લેવાય છે. આપણા સાચૂકલા હીરો રેસના મજબૂત ઘોડા જેવા જાતવાન અને પાણીદાર હતા, જેનો ઉપયોગ કરી ને આજકાલ અભિનેતાઓ માલામાલ થાય છે. દુઃખની વાત એ છે કે,સાચૂકલા હીરલાઓનો ઉપયોગ વરઘોડા પૂરતો સ્વલાભ માટે સીમિત થઈ ગયો છે.જે આપણા રોલમોડલ બનવા જાેઈએ એ નથી બની શકતા. એની જગ્યાએ એના પાત્રને ભજવનાર બેસી જાય છે. આપણી વૈચારિક પામરતાને લીધે આવું થઈ રહ્યું છે. વખત આવી ગયો છે કે, આપણે આપણા રોલમોડલ બદલી નાંખીએ.ફિલ્મ જાેઈએ તો ફિલ્મના મુખ્ય પાત્ર કે મૂળ ચરિત્ર અને એની સારપને પામવાનો આપણે પ્રયત્ન કરવો જાેઈએ. એને ભજવનાર કોઈકાળે આપણો આદર્શ હોય જ ન શકે!!!

ખાસ કરીને આજની યુવા પેઢીએ આ બાબતે ખૂબ જ મંથન કરવાની જરૂર છે. યુવા પેઢી આપણું ભવિષ્ય છે. એ સારું જાેશે, સારું વિચારશે તો દેશને જેની જરૂર છે એ વૈચારિક તાકાત મોટાપાયે ઊભી થશે અને રાષ્ર્ટ્રનિર્માણ માટે બહુ મોટું કાર્ય થશે.
આપણાં માટે,આપણાં યુવકો અને યુવતીઓ માટે ફિલ્મમાં વલ્ગારિટી ફેલાવતા ગંદા સીન, કલાના નામે પીરસનાર કઈ રીતે આદર્શ હોય શકે!!!બહુ બહુ તો એના સારા અભિનયને બિરદાવવાનો હોય. સ્વતંત્ર વિચારો અને બોલ્ડનેસના નામે ગંદી ગાળો પીરસનારને જાેવા આપણે હજાર રૂપિયાની ટિકિટ લેતા ખચકાતા નથી. બીજી બાજુ આપણી આસપાસના જીવનમાં દેશ માટે, સમાજ માટે કે પ્રજાની સુખાકારી માટે જાત ઘસી નાંખનાર રિયલ હીરો પડ્યા હોય છે એની આપણને કશી જ પડી નથી હોતી. આ કરુણતા આપણાં માટે નુકસાનકર્તા છે.

ભારતવર્ષનો ઈતિહાસ હજારો ગૌરવવંતા રોલમોડલોથી ભરેલો છે. ત્યાં આપણે દૃષ્ટિ કરવાની જરૂર છે. સિદ્ધ પુરુષો,ઋષિમુનિઓ, મહાન પરાક્રમી રાજાઓ, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, લેખકો, કવિઓ અને બીજા ઘણા બધાએ ભારતીય સંસ્કૃતિની મહાન ગાથા આલેખેલી છે. આપણે ત્યાં ડોકિયું નથી કરતા. આપણા માટે કૃષ્ણ અને રામ રોલમોડલ નથી.વેદવ્યાસ આર્યભટ્ટ, ગાર્ગી, અપાલા, લોપમુદ્રા, સમ્રાટ અશોક, ચાણક્ય, કાલિદાસ, લોકમાન્ય તિલક,ગાંધીજી, નહેરુ,સરદાર, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, જગદીશચંદ્ર બોઝ, સી. વી. રામન, હોમીભાભા, અબ્દુલ કલામ, મેજર ધ્યાનચંદ, અહલ્યાબાઈ, લતા મંગેશકર વગેરે ક્યારેય બહુધા લોકોના રોલમોડલ નથી રહ્યાં.

ફિલ્મના હીરો – હિરોઈન મનફાવે એવા રોલ કરે, નિજી જિંદગીથી પણ ઉત્તમ જીવનનો દાખલો પૂરો ન પાડે, છતાં એ જ આપણા આદર્શ!!! બહુ અચરજની વાત છે કે ગણ્યા ગાંઠ્‌યા લોકોને બાદ કરતા આવા લોકો અભિનય સિવાય બીજી કોઈ સારી પ્રવૃત્તિઓ કરતા ન હોવા છતાં આપણા માનીતા છે.કેટલાક કલાકારો કલાના નામે અને વાણી સ્વાતંત્ર્યને નામે સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવે છે. જેની બહુ ખરાબ અસર આપણા બાળકો અને યુવાધન ઉપર પડે છે. નાસમજ બાળકો, કિશોરો અને યુવાનો કાચી ઉંમરના કારણે ગેરમાર્ગે દોરવાયને અવળે રસ્તે ચડી જાય છે.

આપણે એમના જેવા વાળ રખાવીએ છીએ, એમના જેવી સ્ટાઈલ મારીએ છીએ.એ ખોટો સંદેશો જાય એવું જીવન જીવતા હોય તો પણ આપણા પેટનું પાણી નથી હલતું.આપણે સ્ટાઈલ અપનાવવાની હોય કે ઉત્તમ વિચાર અપનાવવાના હોય !? યુવાનોએ આદર્શ લોકોના આદર્શ વિચારોને અપનાવી એમના પગલે ચાલવા પ્રયત્ન કરવો જાેઈએ, નહીં કે ફિલ્મ,ઓટીટી કે બીજા પ્લેટફોર્મ પરથી ગંદકી પીરસનાર લોકોનું ચમકદમકભર્યું જીવન જાેઈ ને એમના પગલે ચાલતા શીખવું.
તાજેતરના વર્ષોમાં નશીલા પદાર્થોના સેવનની વાત ખૂબ ચર્ચામાં છે ત્યારે, આપણી શાળા કોલેજાેના વિદ્યાર્થીઓએ એ અંગે ખૂબ જ સભાનતા રાખવી જરૂરી બની છે.

આપણી સામાજિક વ્યવસ્થા અને વૈચારિક ઘડતરમાં ક્યાંક ઉણપ રહેવાના લીધે અસામાજિક લોકો અને બે નંબરના ધંધાર્થીઓ આવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરે છે.એનાથી આપણે સજાગ રહેવું પડશે.

જેટલું ઉપરથી સારું દેખાય છે,એટલું આજકાલ હેમખેમ નથી. આપણા યુવાધનના બહુ મોટાં વર્ગ સુધી આ પ્રકારની ઊધઈ પહોંચી ગઈ છે. ઊધઈ લાગેલું લાકડું બહારથી તો સારું દેખાય, પણ અંદરથી ખવાઈ ગયું હોય છે. બસ, અત્યારે આપણા આવા જ હાલ છે.આપણને અંદરથી ખવાય ગયેલું લાકડું દેખાતું નથી અથવા આપણે સીફતપૂર્વક આંખ આડા કાન કરીએ છીએ.

આપણી યુવાન પેઢીએ ખાસ આ સદર્ભે ચિંતન – મનન કરવાની જરૂર છે. આપણો ગોલ શું છે? એને પામવા આપણા પ્રયત્નો કેવા છે? અને એ માટે આપણું જાત સાથેનું કમિટમેન્ટ કેવું છે? એ બહુ મહત્વનું બની જાય છે. ટૂંકા રસ્તા ક્યારેય ચિરંજીવ સફળતા અપાવી શકતા નથી. ક્ષણિક આવેશોથી બચી, નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચવાનો સો ટકા કમિટમેન્ટ સાથે કરેલો પ્રયાસ જ યાદગાર સફળતા અપાવી શકે છે.

હોસ્ટેલમાં રહી કૉલેજ કરતા વિદ્યાર્થીના રૂમમાં વલ્ગર ફિલ્મો ભજવનાર હીરો -હિરોઈનના ફોટા ચિપકાવેલા હોય ત્યારે શું સમજવાનું!? અહીં કોઈ રીતે નવી પેઢીને ભાંડવાની વાત બિલકુલ નથી. ફક્ત અરીસો ધરવાની વાત છે. રોલમોડલ બદલવા વિચારવાની વાત છે.

એક કહેવત છે ને કે, “વાન ન આવે તોય સાન તો આવે જ.” એ ન્યાયે સારા વિચારો અને સારા વ્યક્તિઓનો સંગ કરવાની વાત છે. એમને અનુસરવાની વાત છે. એમનામાંથી પ્રેરણા લેવાની વાત છે.
ચાલો, એક પ્રયોગો કરીએ. એકાદ દસકા માટે પણ આપણે આપણાં રોલમોડલ બદલી નાંખીએ.મને વિશ્વાસ છે કે, જરૂર નવો ઈતિહાસ રચાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.