ભારતીય સંસ્કૃતિમાં નારી એ કુદરતની અનુપમ ભેટ અને સદગુણોથી સજ્જિત ઈશ્વરની રચના
પરમાત્માની આરાધનામાં પહેલું સ્થાન માતાનું હોય છે. જેમ કે, ”ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ.” વાસ્તવમાં ભારતીય સંસ્કૃતિમાં નારી એ કુદરતની અનુપમ ભેટ અને સદગુણોથી સજ્જિત ઈશ્વરની રચના છે. સ્ત્રી સમાજનું અડધું અંગ છે. ભાવ સંવેદનાનો સ્ત્રોત છે. પુરુષે પણ તેના પ્રત્યે પ્રેમ પવિત્રતા અને પૂજ્યભાવ રાખવાં જોઈએ. ઘરની બધી જ નારીઓને સુશિક્ષિત, વિકસિત તથા સંસ્કારી બનાવવા માટે પ્રયાસ કરવો જોઈએ. સંસારમાં સ્ત્રી સમાન કોઈ બંધુ નથી. ધર્મના માર્ગે ચાલવામાં સ્ત્રી સમાન બીજો કોઈ સહાયક નથી. નારીને ગૃહલક્ષ્મી માનવામાં આવી છે. આદિ કાવ્ય રામાયણના રચયિતા મહાકવિ વાલ્મીકિએ કહ્યું મનુષ્યના ચરિત્રનું નિર્માણ માતા જ કરે છે.
આદિ શંકરાચાર્યે પોતાની જનનીને શ્રધ્ધાંજલિ આપતાં જે કહ્યું હતું કે પ્રસૂતિ વખતે માતા જે પીડા ભોગવે છે તેને છોડી દઈએ તો પણ મેં દુગ્ધપાન દ્વારા માતાના શરીરનું શોષણ કર્યું છે. વર્ષો સુધી તેણે મારાં મળમૂત્ર સાફ કર્યા છે, માતાએ ગર્ભાવસ્થા દરમ્યાન મારુ પોષણ કર્યું છે અને મારા ભારનું વહન કર્યું છે. એવા અનેક ઋણ મારી પર છે. માતાનાં આટલાં બધાં ઋણમાંથી એકાદ ઋણમાંથી મુક્ત થવા માટે પણ હું અસમર્થ છું. એ માતાને મારા નમસ્કાર.
શ્રી રામ શર્મા આચાર્યજીએ એકવીસમી સદીને નારીઓની સદી કહી છે. આપણા વેદો અનુસાર નારી વિધાતાની સર્વશ્રેષ્ઠ રચના છે. નારી સર્જનની દેવી છે. ઋગ્વેદ અનુસાર પતિ પત્ની વગર એકલો યજ્ઞા કરવાનો અધિકાર નથી આમ, નારી પતિની સહધર્મિણી તથા જીવનસંગિની છે. પત્ની વગર કોઈપણ શુભકાર્યને કે અનુષ્ઠાનને અધૂરુ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન અત્યંત ગૌરવપૂર્ણ છે. જ્યાં સુધી તેના પ્રત્યે પૂજ્ય ભાવ જીવંત રહ્યો, સમાજમાં ઉચ્ચ ભાવના રહી ત્યાં સુધી ભારત વિશ્વગુરુ રહ્યો.
સ્ત્રી ઘરની શોભા છે અને શાન છે. ઘરનો પ્રાણ છે. સ્ત્રી માનવજીવનનો સ્ત્રોત છે. પુરુષની શક્તિ છે. દુઃખમાંથી મુક્ત થવા માટેનો સહારો પત્ની જ છે. પત્ની સાથે જ પતિની શોભા હોય છે. પ્રિય બોલનારી પત્નીઓ મિત્રનું કામ કરે છે. ધાર્મિક કાર્યોમાં તે પિતાની જેમ સલાહ આપે છે અને દુખી તથા બીમાર પુરુષની માતાની જેમ સેવા કરે છે. પુરુષની સૌથી મોટી સંપત્તિ પત્ની છે. શતપથ બ્રાહ્મણમાં માતાને સૌથી પ્રથમ ગુરુ કહેવામાં આવી છે.