‘સરદાર’નું અસરદાર નેતૃત્વ…..!

પાલવના પડછાયા

વ્યક્તિના વિશેષ પ્રદાન કે અપ્રતિમ યોગદાન માટે ક્યારેક વ્યક્તિનું નામ કોઈ કાર્ય માટે વિશેષણ બની જાય, તો કોઈ ગુણ કે પદ વ્યક્તિ દીપાવી જાણે તો, તે ગુણ કે પદ વ્યક્તિના નામનો પર્યાય બને. જેમકે, ઉચ્ચતમ કક્ષાના પ્રયાસને ‘ભગીરથ’ પ્રયાસ તરીકે લેખાય છે, તો દેવવ્રતની આકરી, ભીષ્મ પ્રતિજ્ઞાએ તેમને ભીષ્મ પિતામહ બનાવ્યા.આધુનિક ભારતમાં આવું જ એક વિશેષણ એટલે ‘સરદાર’. જે વલ્લભભાઈ પટેલના નામનો પર્યાય છે. આવા વિશેષણ એમને એમ મળી જતા નથી. કોઈ કાર્ય કે ગુણ-સંવર્ધન માટે માણસ જાત નિચોવીને, ઉચ્ચતમ કક્ષાનું બલિદાન આપે ત્યારે જ લાગે. વલ્લભભાઈ પટેલને તેમના અપ્રતિમ, અડગ નેતૃત્વ માટે બારડોલી સત્યાગ્રહે ‘સરદાર’ પટેલ બનાવ્યા. જે તેમણે અસરકારક નેતૃત્વ કરી દીપાવ્યુ. આજે પણ સરદાર પટેલ એટલે અડગ અને લોખંડી મનોબળના સ્વામીની છાપ લોકોના માનસમાં સચવાયેલી છે. આવા અડગ મનોબળ અને વિરાટ વ્યક્તિત્વ માટે ગની દહીવાલાના શબ્દો યાદ આવે છે –

“જાે અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.
જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.”

કેટલીક વ્યક્તિ જ એવી હોય,જે તેમની આજુબાજુની આખી હવા બદલી શકે! આવી વ્યક્તિ નેતૃત્વ કરે,ત્યારે પરિસ્થિતિ બદલાઈ શકે અને ઇચ્છિત પરિણામ પણ મળે જ. આઝાદીની ચળવળથી લઈને સ્વતંત્રોતર ભારતમાં સરદાર પટેલનું નેતૃત્વ પણ આવું જ અસરદાર હતું. જ્યાં-જ્યાં, જ્યારે – જ્યારે નેતૃત્વ કર્યું ત્યાં પૂર્ણ નિષ્ઠાથી સમર્પિતભાવથી નિભાવી જાણ્યુ. એટલે આજે પણ નેતૃત્વની વાત આવે ત્યારે સરદાર પટેલનું નામ આદરભાવ સાથે લેવામાં આવે છે. ખેડા સત્યાગ્રહ હોય કે પછી બારડોલીનો, અમદાવાદની સુધરાઇ થી લઈને ભારતના ગૃહપ્રધાન સુધીની જવાબદારી હોય, કે નાગપુર ઝંડા સત્યાગ્રહની હોય, કૉન્ગ્રેસના પ્રમુખ પદની કે રજવાડાના એકીકરણની, આ તમામ જવાબદારી પૂરી નિષ્ઠા, પ્રમાણિકતા અને સમર્પિત ભાવથી નિભાવી. અસરદાર નેતૃત્વનુ ઉદાહરણ આપ્યું. આજે પણ તેમના નેતૃત્વને લોકો યાદ કરે છે. યાદ કરે છે; તેમની સાદગીને, વફાદારીને, પ્રમાણિકતાને, નિષ્ઠાને, નીડરતાને અને દૂરંદેશીતાને. આજે પણ લોકમાનસમાં વસે છેઃ સ્પષ્ટ વક્તા સરદાર, સિદ્ધાંતપ્રિય સરદાર અને ત્યાગમૂર્તિ સરદાર. ભલે તેમના અંતિમ સમયે બેંક બેલેન્સ અઢીસો રૂપિયા જેટલું હતું, પણ એ વિરલ વ્યક્તિએ માણસાઈની મોટી કમાણી કરી, દેશના યુવાનોને નિષ્ઠા અને પ્રમાણિકતાનો માર્ગ ચીંધતા ગયા. જેના માટે જીવન મૂડી ભૌતિક સંપત્તિ નહીં, પણ માણસાઈ અને તેના મૂલ્યો છે, તેવા વલ્લભભાઈ પટેલના વિરલ વ્યક્તિત્વ માટે ઘાયલ સાહેબના શબ્દોમાં કહું તો-

“ નથી બીજું કમાયા કૈ જીવનની એ કમાઈ છે,
અમારે મન જીવનમૂડી અમારી માણસાઈ છે.”

નેતૃત્વ અને શાસક માટે છેક રાજા ભર્તુહરિ અને ભીષ્મપિતામહથી લઈ આચાર્ય ચાણક્ય અને હાલના આધુનિક વ્યવસ્થાપન-ગુરુઓ જુદા જુદા ગુણોનુ વર્ણન કરે છે. પણ, સરદાર પટેલના નેતૃત્વમાં આંખે ઊડીને વળગે તેવા ગુણો એટલે – સિદ્ધાંત પ્રિયતા, તટસ્થતા, ત્યાગ,સાદગી, સ્વાર્થ રહિત જીવન, અડગ મનોબળ, નીડરતા, સત્યનિષ્ઠા, સ્પષ્ટવક્તાપણું, દીઘદ્રર્ષ્ટિ અને દૂરંદેશીપણુ.
સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવી અને પોતાના વિરોધીને પણ પોતાનો કાસ્ટીંગ વોટ આપવો, એ સરદાર જ કરી શકે. ઘર અને સમાજ, અંગત જીવન અને ફરજ વચ્ચે તટસ્થતા જાળવી અને સિદ્ધાંતો ટકાવી રાખી, જવાબદારી નિભાવવી એ સરદાર પટેલના નેતૃત્વ માંથી શીખવા જેવી બાબત છે. ચાલુ કોર્ટે પત્નીના મૃત્યુના સમાચાર સાંભળી વિચલિત થયા વિના, ફરજ ચૂક ન થવું, એ સરદાર પટેલ જ કરી શકે, કે કોઇ સ્થિતપ્રજ્ઞ થકી જ બની શકે!

પ્રજાહિત માટે નેતૃત્વ સ્વીકારનારે સ્વાર્થ ત્યાગી, બલિદાન આપવાની તૈયારી રાખવી પડે. જાે સ્વાર્થની ગંધ આવતી હોય તો, અસરકારક નેતૃત્વ ન કરી શકાય. સ્વાર્થથી ચણેલી નેતૃત્વની ઇમારત ક્યારેય બુલંદ ન બની શકે! જનકલ્યાણ માટે નેતૃત્વ સ્વીકારનાર વ્યક્તિએ ભોગયુક્ત જીવનશૈલીનો ત્યાગ કરી, અંગત જીવનમાં સાદગી અને ત્યાગને અપનાવવા પડે. આ કામ અડગ મનોબળ અને બહાદુર જ કરી શકે. ગાંધીજીના પ્રભાવથી વલ્લભભાઈ પટેલે પોતાની પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવી જીવનશૈલી આગમાં હોમી, સાદગી વ્હોરી લીધી. જે ત્યાગીને ભોગવી જાણે, એ જ અસરદાર નેતૃત્વ કરી શકે. વલ્લભભાઈ પટેલ જેવા નિસ્વાર્થી ક્યાં મળવાના? પોતાના પુત્ર-પૌત્રોને કહે – ‘રોટલો ન મળે તો જ દિલ્હી આવજાે. જ્યાં સુધી હું દિલ્હી છું ત્યાં સુધી દિલ્હીથી બાર ગાઉ છેટા રહેજાે.” બાકી ,આજે તો ગગો ચાલતાં જ માંડ શીખ્યો હોય ને બાપ નેતા બનાવવાના વેત કરવા માંડે. આવા માઠા નેતા શુ નેતૃત્વ કરી શકે? દઢ મનોબળ અને નીડરતાનો પર્યાય એટલે વલ્લભભાઈ પટેલ. જે બાળક નાનપણમાં જ કારણ વગર લેશન આપનાર શિક્ષક સામે ન્યાય માટે મોરચો માંડી શકે, તે જ ભવિષ્યમાં અખંડ ભારતનું સર્જન કરી શકે. અખંડ ભારતનું નિર્માણ અને રજવાડાઓનું એકીકરણ વલ્લભભાઈ પટેલના મનોબળ અને નીડરતા નું પરિણામ છે. દઢ મનોબળ અને નીડરતાના એમના જ દેશી શબ્દોમાં – ‘ડગલું ભર્યુ કે ના હઠવુ.

સ્પષ્ટ વક્તાપણું એ સરદારની અને તેમના નેતૃત્વની એક આગવી ઓળખ છે. સત્ય પ્રતિ તેમની નિષ્ઠા અને સ્પષ્ટવક્તાપણું ઘણા લોકોને કઠતુ. નીડરતાથી ગમે તેને રોકડું પારખાવી દેવાની તેમની હિંમત, તેમને ખરા અર્થમાં ‘સરદાર’ અને ‘લોખંડી પુરુષ’ બનાવે છે. બ્રિટિશ મેજિસ્ટ્રેટ હોય કે પછી વાઇસરોય, કે પછી કોઈ મહારાજા હોય, કોંગ્રેસનો કોઈ નેતા હોય કે વિરોધી દળનો કોઈ નેતા તેને મોઢામોઢ રોકડું ચોપડાવી દેતા. હૈદ્રાબાદના નિઝામને પણ અનુભવ કરાવેલો. તેમની સત્ય-નિષ્ઠા અને સ્પષ્ટવક્તાપણું એમના શબ્દોમાં –

“ કાળજું સિંહનું રાખો,સાચું બોલવાની હિંમત રાખો, અન્યાય સામે અવિરત લડાઈ ચાલુ રાખો,અને ઘરની વાત ઘરમાં રાખો.
ઘરની વાત ઘરમાં રાખવી એ સરદાર પટેલની દૂરંદેશીતા હતી. કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં ન લઈ જવા સ્પષ્ટ સલાહ, એ એમની દૂરંદેશીતા હતી. સિવીલ સેવા હોય કે મુક્ત વેપારની વાત, એ પણ તેમની દીઘદ્રર્ષ્ટિનું પરિણામ છે.તેમની દૂરંદેશીતા માટે માઉન્ટબેટન પણ કબૂલ કરતા કે- ‘ કોંગ્રેસમાં ઓછું બોલીને પ્રભાવ ધરાવનાર આ નેતાની બહુ લાંબે સુધી નજર પહોંચે છે.’

સરદાર પટેલની સાદગી, ત્યાગ, દૂરંદેશીતા,નીડરતા, નિષ્ઠા, પ્રામાણિકતા અને સ્પષ્ટવકતાપણા સાથેનુ નેતૃત્વ ભવિષ્યના નેતૃત્વ માટે પણ માર્ગદર્શક બની રહેશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.