ઈંટ તોડીને ઢેખાળા ન કર…!
જીવનમાં મોટા બનવાની અને મોટાઈ પ્રાપ્ત કરવાની એષણા દરેકને હોય! કોઈપણ ક્ષેત્રમાં મોટાઈ અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા વ્યક્તિ હંમેશા પ્રયત્નશીલ હોય છે. દરેકને કોઈને કોઈ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મળે તેવી ઝંખના પણ હોય. ક્યારેક આવી મોટાઈ કે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા જાણે હરીફાઈ ન હોય, તેવું લાગે! મોટા થવા દરેક વ્યક્તિ મથામણ કરતો હોય છે. ક્યારેક તો મોટા થવાની બિમારીમાં માણસ એવો સપડાય છે કે, તે બીજાને હલકો કે નાનો ચિતરવાની મથામણમાંથી ઊંચો આવતો નથી. બીજાને નાનો ચિતરી મોટો થવા પ્રયત્ન કરતો માણસ પોતે જગતના કેનવાસ પર વામણો ચિતરાતો હોય છે. આવા સંકુચિત મન અને હૃદયવાળા મોટા પણ ખોટા માણસ માટે કવિ ઉમાશંકર જાેશી યથાર્થ કહે છે –
“મોટાઓની અલ્પતા જાેઈ થાક્યો,
નાનાની મોટાઈ જાેઈ જીવું છું.”
માણસે આત્મરક્ષણ અને સ્વવિકાસ માટે પોતાની શક્તિ અને સામર્થ્ય થકી પોતાની શ્રેષ્ઠતા બતાવી જાેઈએ. પોતાની લીટી લાંબી કરવી એ દરેક માણસનો અધિકાર છે. અહીંયા અન્ય વ્યક્તિને કોઈ વાંધા સરખું ન હોઈ શકે! પણ પોતાની લીટી લાંબી કરવાની ત્રેવડ ન હોય ત્યારે, બીજાની લીટીને ટૂંકી કરવામાં આવે ત્યારે, બીજાે વાંધો પણ લે અને તમારી લીટીને ટૂંકી પણ કરે. પોતાની લીટી લાંબી કરવાને બદલે માણસ દ્વેષ પ્રેરિત થઈને અન્યની લીટી ટૂંકી કરવા મથામણ કરે છે ત્યારે, એ પોતાનું સ્વાભિમાન, સામર્થ્ય અને વિવેક ગુમાવે છે. આવી વ્યક્તિને સારા-નરસાનો વિવેક રહેતો નથી. આવી સ્થિતિમાં વ્યક્તિ બીજાની લીટી ટૂંકી કરે તે પહેલાં પોતાની જાતને નુકશાન વધુ કરે છે.આવી મનોસ્થિતીમાં માણસ શાંત જળમાં પથ્થર ફેંકીને કારણ વગર વમળો પેદા કરે છે, અને ઈંટ તોડીને ઢેખાળા કરે છે.આ વાતને કવિ ખલિલ ધનતેજવી એ સરસ રજૂ કરી છે-
“સ્થિર જળ સાથે અટકચાળા ન કર, કાંકરા નાખીને કૂંડાળા ન કર.
ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે, ઈંટ તોડીને ઢેખાળા ન કર!”
બીજાને નાનો ચિતરવાની વ્યક્તિ મોટો ન બની શકે. બીજાને દોષી ઠેરવવાથી પોતાના દોષ ક્યારેય દુર ના થાય. બીજાને ભ્રષ્ટાચારી કહેવાથી પોતાની જાતને પ્રમાણિક સાબિત ન કરી શકાય. વ્યક્તિએ મોટા બનવા બીજાના દોષ શોધવાને બદલે પોતાનામાં રહેલા અહમ, વહેમ અને દોષને જાણવા પડે. તે દૂર કરવા માટે પહેલાં ભીતરમાં ડોકિયું કરવું પડે. એટલે કવિ ભગવતીકુમાર શર્મા કહે છે –
“ છે તરણા સમ અન્યના દોષ કિન્તુ, શિલા જેવુ તારું અહમ તું નીરખને!
અટકશે કશું પણ ન તારા વિના યે; ગતિનો સનાતન નિયમ તુ નીરખને.”
વ્યક્તિએ મોટાઈ અને શ્રેષ્ઠતા પામવા, બીજાના ગુણ-દોષમાં પડ્યા વિના પોતાના ગુણ-દોષને નીરખવાની દૃષ્ટિ કેળવવી જાેઇએ. બીજા સાથે સરખામણી કે દ્વેષ કર્યા વિના, પોતાની ક્ષમતા પ્રમાણે સંજાેગ મુજબ યત્ન કરવો એ લીટીને લાંબી કરવાનો ઉત્તમ વિકલ્પ છે.મૂળ સવાલ છે દૃષ્ટિકોણનો અને યોગ્ય રાહની પસંદગીનો. પોતાની જાતને બદલાવવા કરતાં, બીજાને હલકો ચિતરી પોતે મોટા થવાનો રાહ ટૂંકો છે, પણ શ્રેષ્ઠ તો નથી જ. જીવનમાં મોટા થવાની અને શ્રેષ્ઠ બનવાની સ્પર્ધામાં પ્રમાણિકતા એ પાયાની આવશ્યકતા છે. ઓછા નામે જાત સાથે તો પ્રમાણિક બનવું. બીજું છે ખેલદિલી. દુશ્મનના પણ બે સારા ગુણ દેખાય તો, મુક્ત મને એની પ્રશંસા કરવી.આ બે ગુણ જગતમાં આપો આપ મોટાઈ અપાવશે! પોતાની લીટી લાંબી કરશે! પોતાની ખામીઓ પ્રમાણિકપણે જાેવી અને દૂર કરવી, પછી બીજાની. આ માટે પહેલી સ્પર્ધા જાત સાથે કરવી પડે.હાર કે જીત, મોટાઈ કે નાનપ પછીની વાત છે, પણ પહેલાં જાત સાથે પ્રમાણિકતા અને સ્પર્ધક સાથે ખેલદિલી હોવી જાેઈએ.તો સ્પર્ધાની પણ કંઈક મજા. બાકી કપટથી મેળવેલ બહુમાન શુ કામનું ? એટલે, કવિ દીપકસિંહ સોલંકી કહે છે-
“જાત સાથે જાતને,ચાલો લડાવી જાેઈએ ! એજ બાણે એજ,અર્જુનને હરાવી જાેઈએ !
હારશું કે જીતશું, શું ફર્ક પડશે એ કહો ? ખેલદિલીથી રમત સાચી રમાવી જાેઈએ !”
સ્પર્ધામાં સફળતા કે નિષ્ફળતા મળે,પણ મહત્વનુ છે એમાં નીતિ-નિયમનું પાલન કેવું થયું એ. એમ, જીવનમાં મોટાઈ મળે કે ના મળે,પણ મહત્વનું છે જીવનમાં સિધ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતા. બીજાની લીટી ટૂંકી કરીને પોતાની લીટી લાંબી કરવી એ વિકાસ નથી,પ્રગતિ નથી, કે નથી મોટાઈ. એ ભ્રમ છે. લીટી મોટી થયાનો ભ્રમ મનને સાંત્વના આપી શકે, પણ સમાધાન નહીં. એવા દ્વેષ પ્રેરિત બનીને, મોટા થવાની એવી હરીફાઈ ન કરવી કે, જેથી ઈંટ જેવું નક્કર વ્યક્તિત્વ તોડીને જીવતરમાં ઢેખાળા કરવા પડે!