રાષ્ટ્રભાષા પ્રત્યે આચરેલા કાવાદાવાનું તટસ્થ મુલ્યાંકન રજુ કરતું રાષ્ટ્રભાષા પ્રચારકના અનુભવના નીચોડ સમું પુસ્તક
દરેક દેશને પોતાની આગવી રાષ્ટ્રભાષા હોય છે ને રાષ્ટ્રભાષા જ રાષ્ટ્રના વિકાસની ધોરી નસ છે. દેશની સંસ્કૃતિના વૈભવને વહન કરવાનું સૌથી શક્તિશાળી બળ રાષ્ટ્રભાષા છે. તે દેશની કરોડરજ્જુ છે. જે દેશની પાસે પોતાની આગવી રાષ્ટ્ર ભાષા નથી. તે દેશનું નૈતિક મોરલ વિશ્વમાં કયારેય ઉભું થતું નથી. ઈઝરાયલે મૃતપ્રાયઃ બનેલી હિબ્રુને પોતાની રાષ્ટ્રભાષા બનાવી એ જ રીતે ફ્રાન્સ, જર્મની, રશિયા, ચીન, જાપાન વગેરે દેશો પોતાની રાષ્ટ્રભાષાના બળે જ વિશ્વફલક ઉપર આગવું સ્થાન શોભાવી રહ્યા છે પણ આઝાદી પછી આપણા દેશની એક રાષ્ટ્રભાષા પ્રસ્થાપિત કરવાની જે પ્રથમ અનિવાર્યતા હતી તેમાં કેટલાક રાજકીય કારણોવશાત્ મુઠ્ઠીભર રાજકારણીઓએ પોતાના સ્વાર્થી હોદાઓના કારણે હિંદીને રાષ્ટ્રભાષા બનાવી નહીં. આજે પણ આપણે હજુ સુધી હિંદીને રાષ્ટ્રભાષાના શિખર ઉપર બેસાડી શકયા નથી ત્યારે રાષ્ટ્રભાષા પ્રત્યે આચરાયેલા કાવાદાવાનું તટસ્થ મૂલ્યાંકન કરતું એક પુસ્તક મને મળ્યું છે તેની વાત આજેમારે તમને કરવી છે. ‘રાષ્ટ્રભાષા તરફ એક નજર પુસ્તક’ ના લેખક ડૉ. અતુલભાઈ પાઠકજી છે. આ પુસ્તકમાંથી પસાર થતાં આપણને ૩૩ પ્રકરણોમાં રાષ્ટ્રભાષાનું ગૌરવ વધારવા હવે આપણે શું કરવું જાેઈએ તેની સુંદર ચર્ચા કરી છે. ગુજરાતમાં આઝાદી પહેલાં અને પછી રાષ્ટ્રભાષાનો પ્રચાર પ્રસાર થયો તેનો ઈતિહાસ આ પુસ્તકનો હાર્દ રહ્યો છે. શરૂઆતમાં લેખક રાષ્ટ્રભાષાનો પ્રશ્ન અને રાષ્ટ્રભાષાનું શિક્ષણ અંગે વિગતે પ્રકાશ પાડયો છે. તે સાથે ગુજરાતના વિવિધ ભાગોમાં હિંદીએ જે સ્થાન જમાવ્યું હતું તે હિંદીને ઉચ્ચ સ્થાનેથી રાજકારણીઓએ કેવી રીતે ખસેડીને નીચે જમીન પર ભોંયરામાં ગોઠવી દીધી તેની વાત કોઈની પણ શેહશરમ રાખ્યા વિના નીડરતાથી લેખકે કરી છે. જે સરકારી વહીવટમાં રાષ્ટ્રભાષાનું ઘટતું મહત્વ, હિંદીનું મહત્વ ઘટાડવા થઈ રહેલા અખતરા, વૈશ્વિકરણ પછી રાષ્ટ્રભાષા હિંદીની પરીસ્થિતિ જેવાં પ્રકરણો ખુબ રસપ્રદ રીતે વાતને રજુ કરવામાં આવી છે. આજે હિંદીને રાષ્ટ્રભાષા સ્વરૂપે જાેવા મળતી નથી. રાષ્ટ્રે એક રાણીને દાસી બનાવી દીધી છે. વર્ષો સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં હીંદી અનિવાર્ય રીતે શીખવવામાં આવતી હતી તે આજે મરજીયાત બની ગઈ છે. અંગ્રેજીભાષા જે આપણી માસી હતી તે હવે માંના સ્થાને બેસી ગઈ છે.
આપણે જાણે પોતાના મકાનમાં પણ ભાડુઆત બની ગયા છીએ. રાષ્ટ્રભાષાનું ગૌરવ આપણે નહીં સાચવીએ તો ભાવીમાં આપણો રાષ્ટ્રીય વારસો, આપણી સંસ્કૃતિ, આપણો આંતરીક વૈભવ જે ભાષા સાથે જાેડાયેલો છે તે ખતમ થઈ જશે. ભારતીય માનવી તરીકે વિશ્વફલક પર આપણી જે છાપ છે તે સાવ ભુંસાઈ જશે ને છેલ્લે તો બધું ગુમાવીને રડવાના જ દિવસો આવશે. ભાષા ગઈ તો બધું ગયું.
માત્ર હાડપીંજર બચવાનું આ બધી વાત લેખકે પ્રસ્તુત પુસ્તકમાં કરી છે. રાષ્ટ્રભાષાહિંદીનું મહત્વ વધારવા માટે મોટાં મોટાં પોસ્ટરો લગાડવામાં આવે છે પણ હિંદીનું દેશમાં મહત્વ વધે એવાં કોઈ પગલાં લેવામાં આવતાં નથી. તેના સચોટ પુરાવાઓ સહીતની માહિતીલેખકે આપણને અહીં ઉપલબ્ધ કરાવી આપી છે.ભારત એક ગૌરવશાળી દેશ રહ્યો છે. હજારો વર્ષોનો ઈતિહાસ તપાસીએ તો આ દેશની સંસ્કૃતિના પાયામાં સંસ્કૃત ભાષા રહી છે. સંસ્કૃતિમાં જે ગ્રંથો લખાયા છે તે ગ્રંથોમાં જ જ્ઞાન રહેલું છેે એવું ઉત્તમોત્તમ જ્ઞાનની ગરીમા વિશ્વમાં એક પણ ભાષામાં જાેવા નહીં મળે. ગુપ્તકાળ સુધી સંસ્કૃત ભાષા લોકભાષા તરીકે સચવાઈને તમામ વ્યવહાર વર્ષો સુધી સંસ્કૃત ભાષામાં ચાલ્યો અને આજે પણ ભારતીય સંસ્કૃતિના પાયામાં સંસ્કૃત ભાષા અવર્ણનીય સક્રીય ભૂમિકા ભજવી રહી છે. આ સંસ્કૃત ભાષા જ આપણી રાષ્ટ્રભાષાની માતા છે. હિંદી સંસ્કૃતિની જ પુત્રી છે.
આપણે સંસ્કૃત ભાષાને દેવભાષા તરીકે વર્ષોથી સ્વીકારીએ છીએ પણ હિંદીને પણ કોઈ રીતે ભુલાવી જાેઈએ નહીં. હીંદી એક સમૃદ્ધ ભાષા છે કરોડોની સંખ્યામાં હિંદીમાં અનેક વિષયોનું જ્ઞાન ઉપલબ્ધ છે. આપણે અંગ્રેજીને રાષ્ટ્રભાષા તરીકે મુકી શકીએ નહીં. કેમ કે રાષ્ટ્રભાષા તો રાષ્ટ્રભાષા જ હોય. જ્યાં સુધી આપણે આપણી રાષ્ટ્રભાષાને ગૌરવભર્યા સ્થાન પર નહીં મુકીએ ત્યાં સુધી આપણો વિકાસ અધુરો રહેવાનો છે. રાષ્ટ્રભાષા તરફ એક નજર પુસ્તકમાં રાષ્ટ્રભાષાના પ્રચાર અને તેના મહત્વ અંગેની બાબતોને જે ચર્ચા લેખકે કરી છે તે માત્ર ચર્ચા નથી પણ લેખકના જીવનના અનુભવોનો નીચોડ છે. કારણ કે ડૉ. અતુલભાઈ પાઠકજી ઈ.સ.૧૯૬૪ થી હિંદી પ્રચારના કાર્ય સાથે સંકળાયેલા છે. તેઓ ઈ.સ.૧૯૯૧ થી રાષ્ટ્રભાષા પ્રચારક મંડળ સુરતમાં અધ્યક્ષ પદે છે. ગુજરાતના પ્રાંતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની કાર્યવાહક સમિતિમાં ઈ.સ.ર૦૦૪ થી સભ્ય છે. તેમણે સાહીત્ય ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. તેમણે લખેલા પુસ્તકોમાં ગોપાલકોં કી સમસ્યા, ભારત સોવીયત મૈત્રી, રોબર્ટ કોક નીડર છેલભાઈ, રશિયા અને ધર્મ જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે. વિશ્વમાં સૌથી વધુ જાહેર સંસ્થાઓમાં હોદ્દેદાર તરીકે રહેવા બદલ લેખકને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મળી ૯૦ જેટલા પ્રતિષ્ઠીત સન્માનો અને એવોર્ડસ ખિતાબો પ્રાપ્ત થયા છે.