સ્મરણને અજવાળે યુગાંતરનું અવતરણ

પાલવના પડછાયા

ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાઓ બહુ ઓછી લખાઈ છે.જાનપદી નવલકથામાં કોઈ એક કથા નાયક, એકાદ કથાનાયિકા અને એકાદ પ્રતિનાયક છે કે જેને ખલનાયક કહીએ છીએ તે હોતા નથી. તેમાં આખું જનપદ સમગ્‌્ર ગ્રામ વિસ્તાર તેના નાયક તરીકે હોય છે. ત્યાંની આપણી ગ્રામપ્રજા તેના કેન્દ્રમાં હોય છે અને તેના મુખ્ય સ્ત્રી પુરૂષ પાત્રોની આસપાસ કથા ગુંથાતી જાય છે.આના સમગ્ર પરીવેશને વાસ્તવિકતાના સંસ્પર્શથી જીવંત કરવાનો હોવાથી ભારે સર્જન કૌશલ્ય માંગી લે છેતેમાં પણ કોઈ પાત્ર પ્રત્યે, કોઈ જ્ઞાતિ પ્રત્યે ઢળી ન જવાય,અહોભાવથી પક્ષપાત ન થઈ જાય તે જાેવાનું રહે છે.દોરડા પર ચાલતા નટની પેડે લેખકે સતત સંતુલન જળવાતું પડે છે ત્યારે એક નહીં પણ ત્રણ પેઢીની જાનપદી કથા આલેખવી તે ખુબ હિંમતભર્યું અને સાહસભર્યું કામ છે એવું મને લાગે છે.તેથી કદાચ પ્રથમ વખત આવી જાનપદી નવલકથા વાંચવા મળી છે તેની વાત મારે તમને કરવી જ રહી.
યુગાંતર આપણા ખુબ જ જાણીતા લોકપ્રિય અને લબ્ધ પ્રતિષ્ઠીત કવિ,લેખક માધવ રામાનુજની ત્રણ પેઢીની સ્મરણયાત્રા દ્વારા આલેખાયેલી જાનપદી કથા છે.જે ૩૬ પ્રકરણોમાં ૪૧૬ પાનામાં દળદાર કદમાં આપણને પ્રાપ્ત થઈ છે.તેને જ્ઞાનપીઠથી પુરસ્કૃત શ્રી રઘુવીર ચૌધરી જેવા ગુજરાતી ભાષાના બહુશ્રુત વિદ્વાનનનો સદભાવ પ્રસ્તાવના રૂપે પ્રાપ્ત થયો છે.
યુગાંતર નવલકથામાંથી પસાર થતાં તે લેખકના વતન વિસ્તાર ભાલપ્રીયના હડાળા સ્ટેશન અને પચ્છમ તળાવનું આકર્ષણ આ કથા આલેખવામાં પ્રેરક બન્યું છે.અહીં લેખકના વતનનાં અત્યંત ગમતાં સ્થળોની માનસયાત્રા વાચકને કરવા મળે છે.સો દોઢસો વર્ષ પહેલાનું એ વિસ્તારનું જીવન કેવું કઠણાઈઓથી ભરેલું હતું તેની વાત કથાની પ્રસ્તાવનામાં રઘુવીરભાઈએ આખી પરીસ્થિતિને એક જ વાકયમાં સુંદર રીતે વ્યકત કરી છે.‘ગઈકાલ સુધી’ આ વિસ્તારનાં ગામ તળાવને પાણીયારા જેમ સાચવતાં આ કથાના કેન્દ્રમાં રામજી મંદિર છે.તેના પૂજારી બાપજીનું મુળ નામ લક્ષ્મીરામ, એમનાં પત્ની દયાબા, પુત્ર દર્શન અને પુત્રી જાનકીનાં પાત્રો કથાની શરૂઆતથી પોતાનું વ્યક્તિત્વ ધારણ કરે છે.
બાપજીના કુટુંબની સમાંતર બીજા બ્રાહ્મણ જમીનદાર પ્રભાશંકર અને ત્યાંના રજવાડાનું કુટુંબ છે.એકાદ સદી સુધી આ પરિવારોની ત્રણ પેઢીના માણસોનું જીવન યુગાંતરમાં સામે આવે છે. ધોળકા અને ભાવનગરથી આવતી ગાડીઓ હડાળા સ્ટેશને બે પરિવારને મેળવે છે એ જમાનામાં રામજીમંદિરની પૂજા કરવાની અનુકુળતા અનાયાસ ઉભી થતાં બાપજી કનકપુરના રહેવાસી બને છે.
ગામના ક્ષત્રિયો, પટેલો અને અન્ય બહુ જ્ઞાતિઓએ તેમને આદરથી અપનાવ્યા છે.એ રીતે ઠરીઠામ થયા તે વીતેલા યુગની માનવતાનાં દર્શન કરાવે છે.લેખકે આ વિસ્તારના સો દોઢસો વર્ષ પહેલાના સમયમાં કથાના પાત્રોને મૂકયાં છે એ રીતે સમય, સ્થળ અને સ્મરણોને અજવાળે ‘યુગાંતર’ નું અવતરણ થયું છે.લેખક પોતે એક ઉત્તમ કવિ છે તેનો લાભ પણ આ કથાને સારી પેઠે જાણ્યો છે. સવાર સાંજના સમયે પાણી અને પ્રકૃતિની શોભાકથામાં અનેક જગ્યાએ વર્ણવાઈ છે.લેખકનો આયુર્વેદ પ્રત્યેનો પ્રેમ અને જાણકારી અહોભાવ જગાવે છે.પ્રેમની લાગણીઓનું ખુબ સંવેદનાપૂર્ણ નિરૂપણ મળે છે.જાેકે વાસ્તવિક દ્રષ્ટીએ જાેઈએ તો આ જાનપદી નવલકથામાં વર્ણવાયેલ સૌરાષ્ટ્રના ગામોમાં અહીં બનાવ્યો છે તેનો સંવાદ, બધી જ્ઞાતિઓ વચ્ચે ભાઈચારો અને સ્વચ્છતાની વાત લેખકની નિજી નીપજ લાગે.અહીં અંગત પળોને ઘણો અવકાશ મળ્યો હોય તેમ પણ લાગ્યા વિના રહેતું નથી.
યુગાંતર ત્રણ પેઢીના સમયના સરવૈયા રૂપે મળતી ગુજરાતી સાહિત્યની દીર્ઘકૃતિ લેખકને અભિનંદનના અધિકારી બનાવે છે જેને ખુબ જ સુંદર રીતે ગુર્જર સાહીત્ય ભવન અમદાવાદ દ્વારા આપણી સમક્ષ મૂકવામાં આવી છે જે ધન્યવાદને પાત્ર છે.
યુગાંતરઃત્રણ પેઢીની જાનપદી કથા, લેખક ઃ માધવ રામાનુજ,પ્રથમ આવૃત્તિઃ ર૦ર૧, કિં.રૂા.૪પ૦


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.