શિવશક્તિની સાચી આરાધના ઃ સ્ત્રી શક્તિનું સન્માન
માતાજીના નવલા દિવસો ચાલી રહ્યા છે.જગતજનનીની આરાધનાથી જીવનના દરેક સંકટો જોજનો દૂર રહે છે તન, મન અને આત્મામાં અલગ જ પ્રકારની હેલી ફરી વળે છે અને મનમાં શાંતિનો અનહદ અનુભવ થાય છે. ચંડીપાઠના તેરે તેર અધ્યાયમાં દેવીની શક્તિનો અનેરો ભાવ અને પરાક્રમ પ્રગટ થાય છે, એક શક્તિ ધારે તો શું શું કરી શકે, તેની ગરિમાનું અદ્ભૂત વર્ણન કરવામાં આવ્યું છે, ખુદ દેવતાઓ ઘ્વારા માતાજીની સ્તુતિ કરવામાં આવી છે, મહીસાસુર નામના અસુરે દેવલોકમાં હાહાકર મચાવ્યો હતો, ત્યારે દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે જઈને રક્ષાની માંગણી કરી રહ્યા હતા ત્યારે ત્રણેય ભગવાન ખુદ અચબામાં પડી ગયા કે આ અસુરનો કઈ રીતે વધ કરવો, ત્યારે વિષ્ણુ ભગવાનની નાભિમાં તેજ બહાર આવ્યું અને તેનો આકાર સ્ત્રી જેવો હતો, અને માતાજીએ સ્વયં પ્રગટ થઇને અસુરનો નાશ કરવાનું વચન આપ્યું, અને અંતમાં દેવીના પ્રકોપ અને ક્રોધ અને શક્તિથી મહિસા સુર જેવા અસુરનો વધ થયો.
સ્ત્રીશક્તિમાં એટલી તાકાત છે કે જે જગતના કરી શકે તે સ્ત્રી કરી શકે, એક દિવસ ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કરવાનું વિચાર્યું, પણ તેમને વિચાર્યું કે એવુ કયું તત્વ બનાવવું જે સહનશીલ પણ હોય, શક્તિમાન પણ હોય, જે એક જીવમાંથી બીજો જીવ સરળતાથી ઉત્પન્ન કરી શકે અને તે પણ હસતા મોઢે, અને આ જગતને એક આધારરૂપ તત્વ મળી રહે, જગતનું સંચાલન કરી શકે, જે પોતે ખોરાક બનાવવામાં નિપુણ હોય, જેનામાં દયા, પ્રેમ, લાગણીના ગુણો સિંચાએલ હોય, અલગ અલગ સ્વરૂપે તે દુનિયાને જાણી શકે, સમજી શકે, સાચવી શકે, અને તે અલગ જ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતું હોય, અને તેનામાં આખી આકર્ષકતા હોય, કે જેના દ્વારા તે કોઈ પણ વ્યક્તિને સાચા રસ્તા પર લાવી શકે, આટલા વિચારો પછી ઈશ્વરએ ભેગા થઇને સ્ત્રી શક્તિનું નિર્માણ કરવાનું વિચાર્યું.
પરંતુ અફસોસની વાત એ છે કે આપણે સ્ત્રીને સ્ત્રી તરીકે ક્યારેય સ્વીકારી જ નથી, પરંતુ હંમેશા આપણે તેની ફરજોને જ જોઈ છે, સ્વીકારી છે, આ તો તેને જ કરવું જોઈએ, જેવી જડ માનસિકતા એ આપણને વ્યક્તિ મટીને જાનવર જેવા બનાવી દીધા છે, આપણે ક્યારેય તેના સમર્પણને પોતાનું માન્યું જ છે, એમાં શું એ તો બધા કરે જ છે, શું તમે તમારી જાતને પૂછો, ક્યાય એક રાતવાસો પણ કર્યો છે? આખી જગ્યાએ પગ વધુ સમય રોકાયો છે, મોટાભાગના પુરુષોનો જવાબ હશે ના, તો તમે કઈ રીતે એક સ્ત્રીને મુલવી શકો, તમે ખુદ જે વસ્તુ થોડા ટાઈમ માટે નથી કરી શકતા તો તે આખી જિંદગી પોતાના લોકોને છોડીને તમારી પાસે આવે છે, બદલામાં તમારી પાસે એ શું અપેક્ષા રાખે છે થોડા પ્રેમ, આદર અને સત્કારની જ ને!
અફસોસ !એ આપણાથી નહિ થાય, તેમાં આપણો કોઈ જ વાંક નથી આપણી સમાજવ્યવસ્થા એ મુદ્દે જવાબદાર છે, સ્ત્રીને હંમેશા વિવિધ પાત્રોમાં એવી રીતે ડુબાડી દીધી છે, કે તેને પોતાના રંગની જ ખબર નથી, તે રંગીન તો છે, પરંતુ તેનો પોતાનો કોઈ સ્વતંત્ર રંગ ખરો? સ્ત્રી સુરક્ષિત પણ નથી જ નરાધમોં દ્વારા તેને નોચી નાખવામાં આવે, તેના શરીર સાથે તેની ઈચ્છા વિરુદ્ધ કૃત્યો કરવામાં આવે, પૈસાની અને ઈજ્જત ની લાલચમાં તેને એટલી મજબૂર બનાવી દેવામાં આવે કે તે કોઈને કઈ જ કહી ના શકે,તેની મોત સામે લડીને જે સંતાનોને જન્મ આપે તે સંતાનો મોટા થઇને તેમની સામે ગમે તેવું વર્તન કરે, તો પણ સ્ત્રી હસતા મોઢે સહન કરે, કેમ કે તેને શક્તિ કહેવામાં આવી છે, ફક્ત કહેવા ખાતર બાકી સ્ત્રી લોકો માટે હરતું ફરતું એવુ પ્રાણી છે, જે મૂંગું છે જેને જેમ નચાવે તેમ નાચે અપેક્ષા વગર જ,..
સ્ત્રીશક્તિને સન્માન ના આપી શકતા હોય તો માં ની ભક્તિના ખોટા દેખાવ બંધ કરો, માં ત્યાં જ વસે છે, જ્યાં સ્ત્રીશક્તિનું સન્માન છે.