બાળ સાહિત્યમાં વૈવિધ્યસભર, મૌલિક, વિશિષ્ટ શિશુકથાઓ જીજ્ઞાસાપ્રેરક અને આનંદ આપનારી નિવડે તેવી છે
બાળકો માટે સર્જાતું સાહિત્ય તે બાળસાહિત્ય, તેમાં જુદા જુદા વય જુથને ધ્યાનમાં લઈ બાળવાર્તાઓ લખાતી અને વંચાતી રહી છે. બાળ કાવ્યો ગાતાં બાળકોને જાેઈ રોમાંચ થઈ આવે.
આમ જોઈએ તો બાળવાર્તાની શરૂઆત તો પહેલાના સમયમાં દાદા- દાદી દ્વારા કહેવાતી વાતો હતી. તેમાં નાના નાના પ્રસંગો, ઘટનાઓ જેમાં કલ્પનાશીલતા, સાહસ, શૌર્ય, અને સંસ્કારપ્રેરક વાતો બાળકોને ગમે તેવી સહજ, સરળ અને સંસ્કાર પ્રેરનારી પ્રસંગ કથાઓ રૂપે કહેવામાં આવતી તે પછી લેખિત સ્વરૂપમાં બાળસાહિત્ય આવ્યું. બાળ સાહિત્યના પુસ્તકો અને સામયિકોમાં બાળવાર્તા, બાળકાવ્યો, જાેડકણાં, પિરામીડ, હાસ્ય વિભાગ, વ્યંગતરંગ કહેવતોની સાથે સાથે ચિત્ર કથાઓ આવવા લાગી. જે બાળકોમાં ખુબ જ પસંદગી પામી. પરંતુ ત્યારપછી ટેલિવિઝનનો યુગ શરૂ થતાં કાર્ટૂન ફિલ્મો અને બાળફિલ્મોએ બાળકોને આકર્ષયા. તેથી વાંચનને બદલે બાળકો પ્રેક્ષક અને શ્રોતા બની ગયા.
બાળકોમાં વાંચનનું પ્રમાણ જાળવવા અને કંઈક નવું આપવાની જે જરૂરિયાત ઊભી થઈ તેમાંથી શિશુ કથા નામે એક નવું જ સ્વરૂપ આવ્યું. તે ફક્ત બાળકો માટે ન હતું પરંતુ બાળકના માતાપિતા પણ તે વાંચીને તેમાંથી પ્રસંગ કથા કે શિખામણ કથા બાળકને કહી શકે તે પ્રકારે પણ લેખન થવા લાગ્યું. જેમાં એકાદ પાનાંની નાનકડી સુંદર શિશુ કથા લખાવા લાગી. આવી શિશુ કથાના લેખકોમાં એક આગળ પડતું નામ એટલે નટવર આહલપરા.
‘ખિલખિલાટ’ નામે શિશુ કથાઓનો પ્રથમ સંગ્રહ આપતા પોતાના શૈશવાળમાં ખોવાઈ જતા લેખકે પુસ્તકની શરૂઆતમાં પોતાની શૈશવ સૃષ્ટિને યાદ કરી લગભગ આઠ પાના સુધીનો એક મોટો લેખ લખ્યો છે. જેમાં શાળામાં પ્રવેશ મેળવ્યો ત્યારથી લઈ ગ્રામ્ય જીવન સાથે ઓતપ્રોત થયેલ બાળકના બચપણના પ્રસંગોને ખુબ જ વિસ્તૃત રીતે લેખકે આલેખ્યા છે.
તેમાંથી લેખકના બાળ સંસ્કારોનું ચિત્ર આપણને મળે છે. અને એ વાતનો ખ્યાલ પણ આવે છે કે લેખકે બાળકો માટેની આ શિશુકથાઓ કેમ સર્જી હશે. શિક્ષકોએ કહેલી રસ તરબોળ કરતી વાર્તાઓ, ગીતો, બાળપણના ખટમીઠ્ઠાં સંસ્મરણો, જીવનના સોનેરી કુમળા રવિકિરણો સમા સુરખી ભર્યા શૈશવની યાદ, રંગ રંગની ધજાપતાકાથી રમતા ટીલારામ, ઘરની રેલ્વે સ્ટેશન સુધી સેકામાં (બળદગાડામાં), બેસીને જતાં થતો આનંદ, રિસેસમાં જાંબુડા ખાઈને મિત્રોની સામે જાંબલી રંગની જીભ કાઢીને સૌને ડરાવવાની મજા, આમળીના કાતરા પાડીને ખાતા લેખકનો પ્રકૃતિ પ્રત્યેનો લગાવ, સંવેદનશીલતા, વૃક્ષના ખામણાં સાફ કરી પાંદડા વીણી પાણી પીવાની અને વૃક્ષ નીચે બેસી વાંચવામાં આવતો આનંદ. વર્ષાઋતુમાં ખુતામણી દાવની રમત હોય કે પછી હોળી પર્વ પર આવતાં જતાં લોકો પાસે ગોઠ માંગવાનો પ્રસંગ છાણાં ભેગા કરતાં કે હોળીમાં નારીયેળને આખી રાત આંખે પાટા બાંધી નારીયેળ શેકરવાની રમત, બત્રીસ પુતળીઓનો ખેલ, ઘરમાં પહેલાં સાયકલના ટાયરને હાથમાં લાકડાનો દાંડિયો લઈ ફેરવવાની મજા, મોઈ દાંડિયાની રમત હોય કે પછી, કબ્બડ્ડી, ખો… ખો.. લંગડી અને લાઠીદાવ તે ઉપરાંત, મેગ્નિફાઈન ગ્લાસ અને પુઠાંના પ્રોજેક્ટરની વાત વાંચતાં લેખકે માણેલું બાળપણ આપણી સમક્ષ તાદૃશ્ય થાય છે. તેમની એ અનુભવોના નિચોડ સમી શિશુ કથાઓ બાળકો અને વાલીઓને ગમી જાય તેવી છે.
‘ખિલખિલાટ’ ની શિશુકથાઓને આવકારતાં સ્વ. રાહી ઓધારીયાએ લખ્યું છે કે ‘સાંપ્રત સમયમાં સાત વર્ષના બાળકોને અને માતપિતાને વાંચવી સાંભળવી ગમશે. ઉપરાંત માતાપિતા તેમનાં બાળકોને હોંશે હોંશે વાંચી સંભળાવશે. તેવી નાની પણ સરસ છે. તો જાણીતા બાળ સાહિત્યકાર યશવંત મહેતા અને શિશુ કથાઓ સાથે પ્રસંગ કથાઓ અને શિખામણ કથાઓ અંગે લખે છે કે આ પ્રકારનું વાંચન જેમને ખપમાં અને તેમાં કિશોરથી માંડીને પ્રૌઢ વાચકો સુધી પહોંચે તો સાર્થક થશે.’
‘ખિલખિલાટ’ સંગ્રહમાં ટચુકડી એવી ૮૦ જેટલી શિશુ કથાઓ છે. જેમાં પ્રસંગ કથાઓ અને શિખામણ કથાઓ આવી જાય છે.
કથાઓની સાથે બાળકોને આકર્ષે તેવાં નાનકડાં પણ સુંદર સુરેખ રેખાચિત્રો પણ મોટા ભાગની દરેક વાર્તાની સાથે મુકવામાં આવ્યાં છે. જે વાંચવા માટે પ્રેરકબળ પુરૂં પાડે તેવાં છે. વળી તેના શિર્ષકો પણ ખુબ આકર્ષક અને ગમી જાય તેવાં છે. જેમ કે, સોનપરી, બુધ્ધિશાલી વાંદરી, મારી વ્હાલી બિલ્લી રાણી, ચાંદામામા, બાળવાટિકા, ખિસકોલીની ચતુરાઈ, ડાહ્યું સસલું, ચતુર ગલુડીયું, વૃક્ષ દેવતા, ચંચળ ચંદ્રિકા વગેરે ગણાવી શકાય.
‘ખિલખિલાટ’ સંગ્રહમાં લેખકનો પરિચય ‘પરોષ ઓળખાણ પ્રત્યક્ષ જેવી થઈ ગઈ’ એમ લખીને ડૉ. મોહનભાઈ પંચાલે આપ્યો છે. લેખકે આ સંગ્રહ વરિષ્ઠ બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા ઉપરાંત મોરારિબાપુ, માનભાઈ ભટ્ટ, શંભુભાઈ યોગી અને કૈલાસબેન પટેલ જેવા મહાનુભાવોને અર્પણ કર્યો છે. પરી ગુંજન આહલપરાની આવરણ તસ્વીરથી શોભતું ‘ખિલખિલાટ’ પુસ્તક ગમી જાય તેવું છે.
‘ખિલખિલાટ’ ના લેખક નટવર આહલપરા વિવેકશીલ, વ્યવહારૂં, સત્યપ્રિય અને ઋજુ હૃદયતા માણસ છે. પુસ્તકનાં પાનં.૧૧ પર તેમનો વિસ્તૃત પરિચય મળે છે. જેમાં તેમનું પ્રદાન, હોદ્દો, પારિતોષિક, કટાર લેખન, સન્માન અને પ્રકાશન થયેલા પુસ્તકો તેમજ હવે પછી પ્રગટ થનારાં પુસ્તકો અને પુસ્તકના પ્રકાશક વિજય ભાવસારે પરિચય આપ્યો છે. લેખકના આ પુસ્તકને ખિલખિલચાટ સાથે આપણે સૌ આવકારીએ.