બંધન : કાયદાથી લાદેલું કે સમજણથી સ્વીકારેલું ?….!
માનવ અને નિયમ (કાયદો) એકબીજા સાથે જાેડાયેલા છે. માનવ માટે નિયમો છે, તો નિયમો માનવ બનાવે છે. માનવ અને નિયમમાં, માનવનો જન્મ પહેલાં થયો હશે તે નિર્વિવાદિત છે. પણ સુસંસ્કૃત માનવ કે સભ્ય નાગરિક માટે નિયમો કે કાયદા તેના જન્મ પહેલાં અને મૃત્યુ પછી મહત્વનો ભાગ ભજવે છે. કાયદા અને નિયમના બંધનથકી માણસ સભ્ય નાગરિક અને સુસંસ્કૃત બને છે. આ કાયદા અને નિયમો પ્રત્યેની પ્રતિબદ્ધતા માણસાઈને ઉજાગર કરી, તેને નૈતિકતા તરફ લઈ જાય છે.
વ્યક્તિના આચાર-વિચાર અને વર્તન તેના કુટુંબ, સમાજ, ધર્મ અને પ્રવર્તમાન શાસન-વ્યવસ્થાના નીતિ-નિયમોને અનુરૂપ બને તેને નૈતિકતા કહેવાય. ઘણીવાર વ્યક્તિ, ઈચ્છા વિરુદ્ધ આ નિયમનોને સ્વીકારે છે, તેને બાહ્ય નૈતિકતા કહેવાય. જ્યારે માણસ સમજણથી, રાજીખુશીથી આવા નીતિનિયમો સ્વીકારે એ સાચી આંતરિક નૈતિકતા. આવા કુટુંબ, સમાજ, ધર્મ કે શાસનના નીતિનિયમો પ્રત્યેની પ્રતિબદ્ધતા કે નિષ્ઠા માણસને મૂઠી ઉંચેરો માનવી બનાવે છે.
હવે પ્રશ્ન એ આવે છે કે, આ નિયમન કે બંધન કાયદાથી લાદેલા હોવા જાેઈએ, કે સમજણ થી સ્વીકારેલા? લાદેલા નિયમ અને નિયમનોથી માણસ દબાઈને કુંઠિત બની જાય, તો સમજણથી સ્વીકારેલા નિયમોથી માણસ ખીલે! ધર્મનું બંધન હોય કે કાયદાનુ નિયમન, વ્યક્તિ સમજણથી, સરળતાથી, સહજતાથી સ્વીકારીને પાલન કરે તો, વ્યક્તિ અને સમાજમાં ઈચ્છિત પરિણામ આવી શકે.વ્યક્તિ સ્વતંત્ર સમજણથકી બંધન સ્વીકારે તે અંગત જીવનમાં પ્રસન્નતા લાવે અને પ્રગતિકારક બની રહે.
પણ, બીજા દ્વારા તલવારની ધારે લાદેલા ધર્મના બંધન કે કાયદાના નિયમનથી વ્યક્તિ વિકાસ કે સમાજ વિકાસ શક્ય નથી; છે તો વિધાયક નથી. જિંદગી પોતાની સમજણથી, પોતાની રીતે અને પોતાના બાવડાના બળથી જીવવી જાેઈએ. પરાયા બળ કે બીજાના લાદેલા નિયમોથી નહીં.ધર્મપાલન પણ સહજ હોય,જેનાથી માણસ ખીલે.બીજાના ડરથી પાલન કરવું પડે, કે દેખાવડો કરવો પડે એવુ નહીં.આવા ધર્મ પાલન, નિયમ અને બંધન માટે કુતુબ આઝાદ કહે છે-
“સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જાેઈએ.
‘આઝાદ’ જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,
આ જિંદગી પરાયે સહારે ન જાેઈએ.”
બાહ્ય લાદેલા નિયમો માણસને ભારરૂપ છે.ક્યારેક તેનો સ્વીકાર અને પાલન કરવા મજબૂર બનવું પડે છે. એમાંથી છટકવા માણસ અવનવી પ્રયુક્તિ પણ કરે. જ્યારે સ્વયં શિસ્તથી સ્વીકારેલા નિયમો વ્યક્તિ સભાનતાપૂર્વક પાલન કરે છે.જ્યારે આખા સમાજમાં આવુ સ્વયં શિસ્તથી નિયમોનું પાલન થાય એ જ રામરાજ્ય. રામરાજ્ય એટલે કાયદા અને નિયમો શાસનના નહીં, પણ સ્વયંના. તેનું પાલન વ્યક્તિ પોતે કરે, રાજ્ય અને સમાજનો હસ્તક્ષેપ ઓછો હોય, વ્યક્તિ પોતાનું અન્વેષણ કરે.
બાકી બંધન વગર વ્યક્તિ કે સમાજનો વિકાસ કેવો? સભ્ય નાગરિક જીવનનો ખ્યાલ બંધન વિના શક્ય નથી. આપણે હાલ આઝાદી અને હક્કો ભોગવીએ છીએ એ પ્રજાસત્તાક ભારતના સ્વીકારેલા બંધારણથી જ ને.બાકી લાદેલુ બંધારણ અફ્ઘાનિસ્તાનમાં જાેઈએ છીએ ને ! સ્વીકારેલુ બંધન વ્યક્તિને આઝાદી આપે છે, લાદેલુ નહીં. નદીએ પણ કિનારાનું બંધન સ્વીકાર્યું છે, એટલે આગળ વધે છે ને લોકોપયોગી બને છે, ને પૂજાય છે. આવા સમજણપૂર્વક સ્વીકારેલા બંધન માટે કવિ વિવેક મનહર ટેલર લખે છે-
“ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જાે વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?”
ભારતનું બંધારણ એ પ્રજાસત્તાકતંત્રમાં પ્રજા દ્વારા સામૂહિક રીતે સ્વીકાર કરવામાં આવેલ છે. જે બંધારણમાં ‘આમુખ’ દ્વારા પ્રસ્તુત થાય છે. ‘અમે ભારતના લોકો,…… પોતાની જાતને અર્પિત કરીએ છીએ.’- આ બંધારણની પ્રજા દ્વારા સામૂહિક સમજણથી સ્વીકાવાની વાત છે. એટલે, એના પ્રતિ વફાદારી એ નાગરિક ધર્મ છે. સરકાર અને ન્યાયતંત્ર દ્વારા તેનું રક્ષણ કરવામાં આવે છે. જે વ્યક્તિ નાગરિક ધર્મમાં માને છે, તેના માટે બંધારણ બંધન નથી. પણ જેને નાગરિક ધર્મ વિરુદ્ધ કૃત્ય કરવું હોય તેને બંધારણ બંધન લાગે જ!
એક સમયે દેશમાં કોઇ લેખિત સ્વરૂપનું બંધારણ ન હતું,
ત્યારે પણ વ્યક્તિ અને સમાજમાં, એક પ્રકારની સમજણથી સ્વીકારેલું બંધન હતુ. જેના પાલન માટે વ્યક્તિ સ્વયં જાગૃત રહેતી. વ્યક્તિ પોતાના કર્મોનુ નિરીક્ષણ અને અન્વેષણ જાતે કરી, ખુદ તેને યોગ્ય કે અયોગ્ય ઠેરવતા. ભાવનગર મહારાજ વજેસંગ અને બહારવટીયા જાેગીદાસ ખુમાણ વચ્ચે ક્યાં લેખિત બંધારણ હતું? છતાંય, પોતાના વ્યક્તિગત નિયમોથકી તેમણે કરેલો વ્યવહાર તેમના વ્યક્તિત્વને ઉજાળુ બનાવે છે,મુઠ્ઠી ઉંચેરા માનવી બનાવે છે. બાકી, આજે લખેલા કરાર ફોક કરીને, પાછા કોર્ટે પણ ચડે! ત્યારે બીજી બાજુ સ્વપ્નમાં પણ આપેલ વચન માટે રાજપાટ છોડનાર પણ આ ભૂમિની વિભૂતિઓ છે. જેમણે લાદેલા નહીં પણ સ્વીકારેલા બંધનથી માનવીય મૂલ્યોને ઉજાગર કર્યા છે.
વ્યક્તિ વિકાસ અને સમાજ વિકાસ માટે બંધન જરૂરી છે. તે સ્વયં શિસ્ત અને સમજણથી સ્વીકારેલું. વ્યક્તિએ પોતાના ભીતરને પૂછવુ જાેઈએ. પોતાના દિલ અને દિમાગને આચાર, વિચાર અને વર્તન અનુકૂળ છે કે કેમ? તે બાબતે વ્યક્તિએ જાતે અન્વેષણ કરવું જાેઈએ. એટલે વડનગરના સંત ડૉ.વસંત પરીખ કહે છે-
“આપણે જે કરીએ છીએ એ ધંધો છે, કે ધર્મ?
આપણે જેમાંથી રળીએ છીએ, તેમાં ફીટ, મિસફીટ કે અનફિટ છીએ?
એ વળગણ છે, કે વ્રત?
એ લાચારી છે, કે વફાદારી?
એ સમજણનું સગપણ છે, કે પૈસા નું વળગણ ?
એ કર્તવ્યની યાત્રા છે,કે વેઠ ગઠરિયાની ચાલ ?
ભીતરમાં પડેલું છે તેને પોષીએ છીએ, શોષીએ છીએ ?
આપણી શૈલીને શીલના લગ્ન થયા છે, કે શૈલીને દિલના? મૂળ સવાલ દિલનો છે, દિલ દઈને કામ કરવાનો.”
વ્યક્તિ પોતાના આચાર, વિચાર અને વ્યવહારના અન્વેષણથકી નક્કી કરી શકે કે, બંધન લાદેલું છે કે સ્વીકારેલું? લાદેલાનો ભાર, એટલે જ સમજણથી સ્વીકારવામાં છે સાર.