પિતા વિશેના સંવેદનશીલ સંવાદોનો અક્ષરદેહ : પ્રણામ..પપ્પા…!
આપણા માથા પર પપ્પાનો હાથ હુંફ આપે છે કારણ કે પપ્પા તો લીમડાના વૃક્ષ જેવા હોય છે તેના પાંદડાં જરૂર કડવાં હોય છે પણ છાંયડો હંમેશાં ઠંડો આપે છે તેથી જ એમ કહેવાયું છે કે પપ્પા પરમેશ્વરના પુરાણો કરતાં પણ વધુ પ્રેકટીકલ પ્રેરણાદાયી પુસ્તક છે. એવું કયાંક વાંચવામાં આવ્યું છે. પપ્પા વિશે અધધ કહી શકાય તેવા સાભાર સહિત એમની વંદના કરવા માટે સુંદર ઉપક્રમ સર્જી જેને ગ્રંથ કહી શકાય તેવા દળદાર પુસ્તકની વાત કરવી છે..
પ્રણામ..પપ્પા…! નામે પુસ્તકનું સંપાદન કરીને આપણી સામે ડૉ.બિંદુ ત્રિવેદી અને દધિચી ઠાકર દ્વારા મુકવામાં આવ્યું છે.જેમાં વિવિધ ક્ષેત્રની કુલ ૮પ વિભૂતિઓએ એમના જીવનમાં અને વિકાસમાં એમના પીતાનું યોગદાન કેવું અને કેટલું હતું એની રસપ્રદ વાતો કરી છે.પિતાના અપ્રગટ પ્રોત્સાહન અને માર્ગદર્શન ભલે આભારની અપેક્ષા ન રાખે પણ એ વંદનના હક્કદાર તો અવશ્ય છે તેમ માની સંપાદકોએ પિતાની વંદનાનો આ ઉપક્રમ સર્જી આપ્યો છે.
પુસ્તકમાંથી પસાર થતાં માતૃભૂમિના રક્ષણ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર શહીદ પિતાઓને આ પુસ્તક અર્પણ કરાયું છે.તે પણ ખુબ સુચક છે. ઈશા કુંદનિકા તો તેને શક્તિ અને વાત્સલ્યની મીરાત કહી કૃતજ્ઞતા વ્યકત કરે છે તો જાણીતના લેખક ભદ્રાયુ વધરાજાની સંત મોરારી બાપુના શબ્દો ટાંકી કહે છે કે, સૌને એવા બાપુજી મળો કે જે તેના સંતાનને પરમ પિતામાં ભરોસો શીખવે.
સામાન્ય રીતે દરેક બાળકને એના પપ્પાના ખભા ઉપર બેસીને દુનિયા જાેવાનું સૌભાગ્ય મળ્યું જ હોય છે. કયારેક મંદિરની ભીડમાં પપ્પાના ખભા પર બેસીને ભગવાનનાં દર્શન કરતી વખતે આપણે ખુદ ભગવાનના જ ખભા પર બેઠા હતા. તેનો અણસાર થાય છે કેમ કે જેને કોઈ પર્યાય ન હોય જેનો કોઈ વિકલ્પ ન હોય જેને કોઈ ઉપમા ન હોય તે પપ્પા જ હોય. તેથી આ ગ્રંથ વાંચતાં વાચકો અને ભાવકોને પણ પોત પોતાના પપ્પાનું પોતાના જીવનમાં કેવું અણમોલ યોગદાન રહેલું છે તે વાતે તેઓ વિચારતા થઈ જશે. જેનો અનુભવ થશે, સ્મરણ થશે જે કદાચ આ ગ્રંથની સફળતાનો માપદંડ હશે.
પપ્પા વિશે થોડી વાત કરતાં આ પુસ્તકમાં જેમનો સહુથી વધુ ફાળો છે તેવા ડૉ.બિંદુબેન ત્રિવેદી લખે છે કે પપ્પા શબ્દ સાંભળતાંની સાથે જ આંખ સામે તાદ્રશ્ય થાય છે એક એવી વ્યક્તિ જે કુટુંબની સર્વોપરી છે જે કુટુંબના દરેક સભ્યને છત્રછાયા અને સલામતી આપીને બધાને પ્રેમ અને લાગણીના તાંતણે બાંધી રાખે છે. તેઓ જણાવે છે કે, કુંટુંબના આ વડાની વંદના અને ગૌરવ કરવાનો જે વિચાર આવ્યો તેને મુંબઈ દૂરદર્શન પર પ્રણામ..પપ્પા. સલામ.. સીરીયલ દ્વારા અમલમાં મુકેલો.જેમાં વિવિધ ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓની તેમના પિતા માટેની અથવા પિતા તરીકે બાળકો માટેની લાગણીને વણી લેવામાં આવી હતી.આ સીરીયલે જ તેમને શીખવ્યું કે, બાળક જન્મે ત્યારથી જ તેના ભવિષ્ય વિશે જે વિચારે છે તે પિતા છે.પોતાના બાળકો માટે સર્વસ્વ સ્વાર્પણ કરવામાં અને કુટુંબ માટે બધું હારી જવામાં જ પિતા વિજયની લાગણી અનુભવે છે. આ પુસ્તકમાં દરેક કુટુંબ પિતાનું આગવું વ્યક્તિત્વ અને છબી લઈને આપણી સામે આવે છે.કારણ કે દરેક કુટુંબના પોતાના સંસ્કાર,રીતરિવાજ અને પરંપરા જુદી જુદી હોય છે.બાળક પોતાના ઋણાનુબંધને તો સમજે છે ઉપરાંત પિતાનું ગૌરવ જાળવવા માટે લાગણીબદ્ધ પણ રહે છે.
શારીરિક પિતાનું સ્થાન ધરાવતા પાત્રોની સાથે જગત પિતાની આ સૃષ્ટીમાં એવાં પાત્રો પણ મળ્યાં છે જે લોહીની સગાઈથી જ બંધાયા હોય છતાં સમાજમાં વિવિધ ક્ષેત્રે માનવતાના ધોરણે એક પિતાની જેમ બાળકોના સંરક્ષણ, સલામતી અને છત્રછાયા આપે છે. સાથોસાથ લાગણીથી પણ જાેડાયેલાં રહે છે. જેમાં અહીં વન્ય પ્રાણીઓની સંભાળ રાખતી રેસ્કયુ ઓફિસર એવી ‘રસીલા વાછેર’ નું ઉદાહરણ મળે છે.તે ઉપરાંત એશિયામાં પ્રથમ ટેસ્ટ ટયુબ બેબી બનાવી ર૦,૦૦૦ થી વધુ દંપતિઓને માતા પિતા બનવાનું સુખ આપનાર ડૉ.ઈન્દીરા હિંદુજા પણ જગત પિતાની જવાબદારીનું યોગદાન આપનાર તરીકે એક વિશિષ્ઠ દાખલો છે જે અનોખો લાગે છે.
અહીં વાત ખરેખર તો માત્ર પપ્પાની જ થવી જાેઈએ પરંતુ ઘણી વખત એવું બને છે કે ઘણા કુટુંબોને પરંપરા પ્રમાણે પિતા હોવા છતાં દાદાજી પાસેથી બાળકોને દાદા ઉપરાંત પિતાનો પણ પ્રેમ મળે છે.