થાય અપેક્ષાની સમીક્ષા….!
માનવીને સંબંધ અને કર્મફળ બંનેમાં અપેક્ષા હોય.અહીં વધુ પડતી અપેક્ષા માનવીના દુઃખનું કારણ બની શકે! દુઃખનાં કારણો પૈકીનું એક છે,- વધુ પડતી અપેક્ષા. અપેક્ષાને જીવનમાં દુઃખનું મૂળ માનવામાં આવે છે. ભગવાન બુદ્ધના ચાર આર્ય સત્ય પૈકી એક આ પણ છે.
અપેક્ષા વિનાનું જીવન આધ્યાત્મની ફળશ્રુતિ છે.અપેક્ષા રહિત પ્રેમ, અપેક્ષા રહિત સબંધ અને અપેક્ષા રહિત કર્મ આધ્યાત્મિક ઉપલબ્ધિ હોઇ શકે! અન્યથા નહીં.
માણસ તેના જીવનમાં અપેક્ષા બે પ્રકારે રાખે.એક પોતાના કર્મોના ફળ પર અને બીજાે છે અન્ય વ્યક્તિ કે સંબંધીઓ પર. જેને તે કોઈ સંબંધનું નામ આપીને ઓળખતો હોય તેના પર. વ્યક્તિ તેના કર્મફળ માટે એના યત્ન અને સમર્પણ પ્રમાણે અપેક્ષા રાખે તો કંઈ વાંધા સરખું ન હોઈ શકે! પણ, કંઇ કર્યું જ ના હોય અને પ્રથમ નંબરની અપેક્ષા હોય તો દુઃખ આપે!ખુરશી એને જ મળે, જેણે તેના માટે ભોગ આપેલ હોય .બાકી કશું જ કર્યા વગર ખુરશીની અપેક્ષા દુઃખી કરી જાય. આ છે વધુ પડતી અપેક્ષાથી ઉદ્ભવતા દુઃખની વાત. તો, સંબંધોમાં પણ અપેક્ષાનું પલ્લુ લાગણી કરતાં ભારે થાય ત્યારે લાગણીના સંબંધો લણણીના સંબંધો બને! એમાં માત્ર ફળની અપેક્ષા જ હોય.આવા સંબંધમાં યોગ્ય ફળ ન મળે, અપેક્ષા પ્રમાણે લાભ ના થાય, ત્યારે આ અપેક્ષાયુક્ત સંબંધ દુઃખ આપે. આજે સંબંધના વર્તુળમાં અપેક્ષાની ત્રિજ્યા મોટી બની છે,જે દુઃખ અને કડવાશનું કારણ છે. સંબંધના વર્તુળમાં જેટલી અપેક્ષાની ત્રિજ્યા નાની એટલો માણસ માણસથી નજીક. પણ, જેટલી ત્રિજ્યા મોટી એટલું અંતરથી અંતરનું અંતર વધારે. ભલે! નાની ત્રિજયાવાળું વર્તુળ બને,પણ અપેક્ષા વગરનું, આભાસી સંબંધ વગરનું બને. આજે અપેક્ષાની ત્રિજ્યા મોટી થતાં, વધતા જતા આભાસી સંબંધોના વ્યાપને લઇ કવિતા ચૈતન્ય જાેશી કહે છે-
“ત્રિજ્યા અપેક્ષાની સીમિત થાય તો સારું,
વધતો જતો વ્યાપ અટકી જાય તો સારું.”
એવું નથી કે અપેક્ષા માત્ર દુઃખ જ આપે છે. ક્યારેક સુખ પણ આપે. કર્મફળમાં રાખવામાં આવતી અપેક્ષા માણસને સુખ અને દુઃખ બંને આપે. જાે અપેક્ષાને ધ્યાને રાખી,ચોક્કસ લક્ષ્ય બનાવવામાં આવે, તેને હાંસલ કરવા સમર્પિતભાવથી મહેનત કરવામાં આવે, અને ધ્યેયને પાર પાડી શકાય, તો અપેક્ષા સુખદ અનુભવ કરાવે. પણ, જ્યારે અપેક્ષા પ્રમાણે મહેનત પણ કરી હોય અને પરિણામ વિપરીત આવે, ત્યારે તે દુઃખ આપે. સુખ અને દુઃખ બંનેના મૂળમાં રહેલી અપેક્ષા વિશે કવિ ચૈતન્ય જાેશી લખે છે-
“સુખ અને દુઃખના મૂળમાં અપેક્ષા હોવાની,
સનાતન સત્ય કોઈને હવે સમજાય તો સારું.”
સંબંધોમાં પણ ક્યારેક આવું બની શકે! જેના પ્રત્યે કોઈ જ અપેક્ષા ન હોય, તે એવો બદલો આપે જે સુખદાયક હોય. મૂળ સુખ અને દુઃખ અપેક્ષા સાથે જાેડાયેલા છે. સુખ તો બધાને ગમે છે, પણ અપેક્ષાથી ઉદ્ભવતા દુઃખ અને નિરાશા માણસને સ્વીકાર્ય નથી. પણ, વ્યવહારિક જીવનમાં અપેક્ષાશૂન્ય બનવું મુશ્કેલ હોય છે. એટલે, માણસે અપેક્ષાની સામે જે મળ્યું છે, તેને માણી સુખી રહેવું જાેઈએ. આ વાતને રજૂ કરતાં કવિ ચૈતન્ય જાેશી કહે છે-
“નથી શક્ય માનવી કદી અપેક્ષાશૂન્ય હોય જે,
કિન્તુ મળેલાને મબલખ માની જવાય તો સારુ.”
જીવનમાં અપેક્ષા તો રહેવાની જ. સંબંધ અને કર્મફળ બંનેમાં. તે દુઃખ પણ આપી શકે. અપેક્ષાથી ઉદ્ભવતા દુઃખના નિવારણનો ઉપાય છે- અપેક્ષાની સમીક્ષા.છેઙ્ઘૈંી અર્ેિ ીટॅીષ્ઠંટ્ઠંર્ૈહજ. સંબંધ અને કર્મફળમાં, જે અપેક્ષા રાખવામાં આવે તેનુ જાતે અન્વેષણ કરો. સમીક્ષા કરો કે, મેં રાખેલી અપેક્ષા કેટલી યોગ્ય છે? બસ, આટલું જાણી લો, તેનો સ્વીકાર કરી લો. એટલે અપેક્ષા દુઃખ ન આપે. કરેલા યત્ન અને સમર્પણ સાથે અપેક્ષિત કર્મફળને ચકાસો. તો, સંબંધોમાં સામી વ્યક્તિની સમજણ, તેનું ગજુ, તેનું વલણ, તેનો સ્વભાવ, તેની સગવડતા-અગવડતાને ધ્યાને લઇ અપેક્ષા રાખો.સાથે સમયને ના ભૂલશો. આ સાથે રાખેલી અપેક્ષાની સમીક્ષા કરો, પછી યોગ્ય અપેક્ષા રાખો.જે દુઃખ નહિ આપે, ક્યારેક આપે તો પણ ઓછું આપશે. આનાથી પણ આગળની વાત છે કે, અપેક્ષા ન રાખવાની મજા. જે મળે એ માણુ લેવાનું. ન મળ્યાનું દુઃખનું પાનું? એ માટે જાેઇએ સો મણનો સંતોષ. અપેક્ષાની ભૂખ ક્યારેય ન પૂરી શકાય, ત્યારે મળે તેને માણી લઈ સંતોષનો ઓડકાર ખાઈ, પ્રસન્ન ચિત્ રાખવાની વાત કરતાં કવિ મેહુલ ભટ્ટ કહે છે-
“ મૂકી ઘડી દુઃખ ની ક્ષણો આઘી,
સુખી ક્ષણોને ગાંઠે કરીએ,
જે મળ્યું છે તેને માણી લઈએ,
નાં મળ્યાનો ના મલાલ કરીએ.”
અપેક્ષાની સમીક્ષા થાય તો, અપેક્ષા દુઃખનું કારણ ન બને ! પણ, વ્યક્તિના કર્મફળ માટે સફળતાની સીડી બને, અને સંબંધમાંથી આભાસીપણું દૂર થાય. તો, બદલાની અપેક્ષા વગર સંબંધ કે વ્યવહારમાં કરેલા સત્કર્મનું ફળ સારું જ મળે. એટલે, કવિ રવિશંકર ઉપાધ્યાય ‘રવિ કહે છે-
“બદલાની અપેક્ષા વિના સત્કર્મ જાે કરો,
પત્થરના દેવને ક્દી પ્રગટી જવું પડે.”
ડૉ.ભારમલ પટેલ
(પાલનપુર)