જિંદગી : સમયનો સથવારો….!
જિંદગીને વ્યાખ્યાયિત કરવી હોય તો, દુનિયામાં જેટલા વ્યક્તિ તેટલી જિંદગીની વ્યાખ્યા મળે. પણ, સમયના પરિમાણમાં જાેઈએ તો, જિંદગી એટલે વ્યક્તિને મળેલા જીવનનો કાળ એવો સાદો અર્થ મળે.માણસની જિંદગી એ વ્યક્તિને મળેલ ચોક્કસ સમય જ છે ને! એ સમયનો માણસ કેવો ઉપયોગ કરે, એના આધારે દરેક વ્યક્તિએ જિંદગીની વ્યાખ્યા બદલાઈ શકે. બાકી જિંદગીએ સમયના સથવારાથી વિશેષ કંઈ નથી. સમય હાથમાંથી સરકતી રેતી જેવો છે, એમ જીંદગી પણ ક્યારે સરકી જાય છે, એ માણસને ખબર પણ પડતી નથી. એટલે જ સમયના સથવારે દરિયાના મોજાંની જેમ ઉછાળા મારતી જિંદગી માટે કોઈ કવિએ યથાર્થ થયું છે-
“ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ,
ભરતી પછી ઓટ છે, ને ઓટ પછી જુવાળ.”
માનવ જિંદગીમાં સમય ક્યારે કેવો આવે છે, તે કળવું કઠિન છે. જિંદગીમાં ક્યારેક ભરતી,તો ક્યારેક ઓટ. તો ક્યારેય મોટી ઓટ પછી ભરતીનો મોટો જુવાળ. આટલી જિંદગી અને સમયની અનિશ્ચિતતા હોવા છતાં,પણ માણસ સમય સાથે હરીફાઈ કરે છે.તે જિંદગી અને સમય પર હાવી થવાનો પ્રયત્ન કરે છે.માણસ સમયને નાથી શકતો નથી, કે નથી જિંદગીના અશ્વને લગામ પહેરાવી શકતો. છતાં, સમયને નાથવા અને જિંદગીના અશ્વને લગામ ચડાવવાના ચક્કરમાં, ક્યારેક જિંદગી માણસને લગામ પહેરાવીને માણસ પર સવાર થઈ જાય છે,જેની માણસને ઘણી મોડી ખબર પડે છે. પરપોટા જેવા માનવ અવતારમાં સમય ક્યારે કેવા તેવર બતાવે છે, તે કળવું અઘરું છે. સમયની અનિશ્ચિતતા માણસના ભાવિ આયોજનો પર પાણી ફેરવી દે છે, તો ક્યારેક આફતમાં અવસરનુ સર્જન કરે! સમયને સથવારે ચાલતી જિંદગીના અશ્વ પર માણસ સવાર થાય છે, કે પછી સમયની થપાટે જિંદગી માણસ પર સવાર થાય ?સમયના સથવારે બદલાતા જિંદગીના અભિગમ અને અંદાજને, કવિ રઈશ મણિયાર માર્મિક રીતે રજૂ કરે છે-
“સાવ પરપોટા જેવો આ અવતાર છે
ને સમયની સપાટી અણીદાર છે
જિંદગી, જિંદગી ! આપણાં બે મહીં
કોણ છે અશ્વ ને કોણ અસવાર છે ?”
સમયના સથવારે ચાલતી જીંદગીમાં, માણસ સમય સાથે હરીફાઈમાં ઉતરે તો, ઉણો ઉતરે જ. હા, ચોક્કસ સમયને નિયંત્રિત કરનાર કોઈનો સાથ મળે તો અલગ વાત છે! કૃષ્ણનો સાથ હોય તો જ, સમય સાથે હરિફાઇ કરીને જયદ્રથનો વધ થઈ શકે.બાકી સમય સાથે હરીફાઈ કરવી મુશ્કેલ છે. સમય સાથેની હરીફાઈ એ માનવ અને કુદરત વચ્ચેનો સંઘર્ષ જ છે. જેમાં માણસ હંમેશાં વામણો સાબિત થાય છે. સમય ઉંમરની દ્રષ્ટિએ માણસ કરતાં અનુભવી છે. માણસે સમય પાસેથી, પળે પળે અને રોજે રોજ કંઇક નવું શીખવાનું જ રહે. સમય અનિશ્ચિતતાનું મોટું પોટલું છે. ક્યારે કયો જાદુ કરે તે કળવું કઠિન છે. જિંદગીની લગામ તેના હાથમાં છે. તે માનવ જીવનનો નિયંત્રક છે, એટલે સમય સાથેની હરિફાઇ માણસને મોંઘી જ પડે. પળે પળે રોજ રંગરૂપ બદલતો સમય માણસને પરેશાન કરી શકે! માણસને થપાટ મારી શકે, પણ માણસ સમયને નહીં. એ તો વહે જ જાય છે… વહે જ જાય છે.. પાણીની જેમ, હાથમાંથી સરકતી રેતની જેમ . એમને એમ ક્યારેક સમયના સથવારે ચાલતી જિંદગીમાં શ્વાસનું ઘર ખાલી કરવાનો સમય પણ આવીને ઊભો રહી જાય છે, ને માણસ કશુંય કરી શકતો નથી.સમય સામેની આ માનવ મર્યાદાને કવિ પીયૂષ ચાવડાએ સરસ રીતે રજૂ કરી છે-
“રોજ પજવે અવનવી રીતે,કરું હું શું ખુલાસો?
હું સમયના ગાલ પર મારી નથી શકતો તમાચો.
એક પળમાં માલિકે ખાલી કરાવ્યું શ્વાસ નું ઘર,
સાથમાં પણ લઈ શક્યો નહીં,વિસ્તરેલો મુજ લબાચો.”
જિંદગી એ સમયની સાથે મળેલો સથવારો છે.તેની સાથે ચાલવુ એ વ્યવહારિક અભિગમ છે. જે સમય મળ્યો છે,તે કિંમતી છે. આવો કિંમતી સમય જ્યારે જ્યારે , જ્યાં જ્યાં પસાર કર્યો છે, તે જીવન મૂડી છે.તે ફરી મળવાનો નથી. જે કંઈ સમય મળે તેનો યોગ્ય ઉપયોગ, એ જ માણસની જીવન કમાણી. માણસને મળેલા સમયનો કેવો ઉપયોગ કરવો અને જિંદગીને કેવો વળાંક આપવો એ પોતાના હાથની વાત છે. જિંદગીમાં સમયને સાચવી લેવો, એ જિંદગીની સફળતા. તો,જિંદગીમાં સફળતા પણ સમયને સાચવવાથી જ. એટલે જ, કવિ હિતેન આનંદપરા કહે છે-
“એ જ લોકો આખરે ફાવી ગયા,
જે સમયસર બીજને વાવી ગયા.”
સમયના સથવારે ચાલવામાં જીવન માણી શકાય છે. પાછળ રહી જવાથી સમયના વહેણમાં તણાવવાનું થાય. જેમાં વ્યક્તિની સ્વતંત્રતા, ઇચ્છા, દિશા કે પસંદગીનુ કોઈ સ્થાન ન હોઈ શકે. તો યોગ્ય આયોજન અને સમજણથી સમયની આગળ ચાલવામાં આવે તો, જીવનને અનન્ય કે શ્રેષ્ટ બનાવી શકાય. તો સામે, તત્કાલીન સમાજ વ્યવસ્થા સાથે તાલમેલ મેળવવામાં મુશ્કેલી પણ પડે.અંગત જીવન, શોખ અને રસ-રુચિનો ભોગ પણ આપવો પડે. આવી જિંદગી જુજ લોકો જ જીવે છે. જે પણ જીવે છે તે વિશિષ્ટ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે. વર્ષોથી ચાલતી આવતી અંધશ્રદ્ધા કે પ્રથાનો અંત લાવવા કે નવી શરૂઆત કરવા કોઈ વ્યક્તિએ સમય કરતાં આગળ વધી શરૂઆત કરવી પડે. પછી તો આખો સમૂહ તેની પાછળ દોરવાય છે. ઇતિહાસમાં આવા લોકોની નોંધ લેવાતી હોય છે. એક દિવસ સમય પણ આવા વ્યક્તિના મારગ પર ચાલતો હોય છે,ને પાછલી પેઢી એને જાેતી હોય છે. આવી દૂરંદેશી વ્યક્તિત્વ માટે કહી શકાય – ‘જીના ઇસી કા નામ હૈ’.ૃતો, આચાર્ય ચાણક્ય ભૂતકાળને ભૂલીને, ભવિષ્યની ચિંતા ન કરનાર અને વર્તમાનમાં જીવનારને વિચક્ષણ તરીકે બિરદાવે છે –
(ચાલ્યું ગયું તેનું શોક ન કરવો જાેઈએ, ભવિષ્ય વિશે વિચાર ન કરવો જાેઈએ, વર્તમાનકાળમાં જે રહે છે તે જ વિચક્ષણ છે.)
સમયનો સથવારો એ જ જિંદગી. એની સાથેનો તાલમેલ એ જીવન સાફલ્ય.