જિંદગી રે જિંદગી…
નાના હતા.રખડવાની મજા આવતી.રોજ કોઈને કોઈ જગ્યા ઝપટે ચડી જતા. ત્યાં પહોંચી જતા અને રમવા માંડતા.વચ્ચે વચ્ચે કોઈ નાની બાબતે વળી રીસાઈ જતા અમારી રીસ આકાશી વાદળ જેવી રહેતી હતી. ઘડીકમાં છવાઈ જાય અને ઘડીકમાં વિખેરાઈ જાય. પાછા બુચ્ચા થઈ જતા. જેમ કિટ્ટા કરવામાં આનંદ હતો એનાથી બેવડો આનંદ બુચ્ચામાં હતો પછી બિલાડી બાગે પહોંચી જતા. અમારા ગામનો એ બાગ બિલાડી બાગના નામે ઓળખાતો હતો જાેકે ત્યાં માંડ એકાદ કોઈ બિલાડી હશે.એ મામલે અમોએ બાગના રખેવાળ એવા માળીને પુછેલુ ‘રાધે શ્યામજી..’ બિલાડી બાગના રખેવાળ માળીનું નામ રાધે શ્યામજી…‘આ બાગનું નામ બિલાડી બાગ કેમ છે.?’ અહીં તો એકેય બિલાડી દેખાતી નથી.કાયમ ગરમ ટોપી પહેરી રાખતો રાધેશ્યામજી હસતો. અમને જવાબ આપતો નહી. પણ એની પત્નિ જાનકી અમોને વઘારેલા મમરા અને ચણા આપતી. પછી કહેતી ‘અબ જાવ..ઝુલે પે જાકર ઝુલો..’ જાનકીએ આપેલા મમરા લઈ ઝુલે હિંચકે જતા અને ઝુલવા માંડતા. જુની થઈ ગયેલી સાંકળો..કડાં..એવા અવાજ કરતા કે આખાય બિલાડી બાગમાં ઘુમરાઈ વળતાં. એ અવાજને સાંભળી રાધેશ્યાનજી એના ખાટલામાં પડ્યો પડ્યો ત્યાંથી જ બુમ પાડતો…સાલે..ગીરોગે…મરોગે…
પણ અમે જીવતા હતા. બિલાડી બાગમાં બે-ત્રણ કલાકની ધમાધમી રહેતી. પછી ઘાસમાં આવતા પંખીઓ જાેતા. ક્યાંક લક્કડખોદ ઝાડના સુકા થડને એની ચાંચથી કાણુ પાડવા પ્રયાસ કરતો તો ન જાેણે ક્યા ઝાડ પરથી તુક..તુક..તુક…તુક..પંખીનો અવાજ આવતો. અમે ઘટાદાર વૃક્ષોમાં નજરના અશ્વને છુટા મુકતા પણ એ અવાજ કરનારું પંખી પકડાતું નથી. બગીચામાં અમે ઘણાય દિવસો સુધી એ પંખીને પકડવાનો પ્રયાસ કર્યો પણ..
પણ કુવારા પાસેના પાણીમાં પાંખો ફફડાવી સ્નાનમાં લિપ્ત થયેલા કબુતર જાેવા મળી જતા. અક્કડ-ફક્કડ એવી કાબર.. અમને કોઈ ધનવાન શેઠાણી જેવી લાગતી. ઘણીવાર કહેતા ‘જાે જાે શેઠાણી આવ્યા છે. અમોને ઠસ્સો જાે જાે…’ અમને કબુતર કરતા કાબર શેઠાણીમાં વધુ રસ પડતો પણ એતો અમારી ભાવનાની પરવા કર્યા વિના જ અમારી કશી નોંધ કર્યા વિના ઉઠી જતી. એની વીંજાતી પાંખોમાંથી ફટ ફટ ફટ અવાજ આવતો અમે ચારે જણ એ ભણી આંગળી કરતા અમે જાેયેલી શેઠાણી તરીકે માનેલી એ કાબર ક્યાંક ખોવાઈ જતી પણ અમને થતુ. આપણે જાે પંખી હોત તો..આમ ઉડી જાત ના નોકરી ની ચીંતા..ના ભણવાની..
અમને ચારે જણને ભણવાનું જરાય ગમતું ન હતું.અમને થતુ અમારા ચાલે તો ભણવાની બધી ચોપડીઓ ગામમાં આવેલા ધૂણપું તળાવમાં પધરાવી આવત એ પછી કિનારે બેસીને શોક કરત..બિલકુલ સ્મશાનમાં કોઈ ખેલ કરે છે એવો પણ એતો અમારી રોજની કલ્પના હતી.ભણવાની બાબત પર ગુસ્સો..ચોપડીઓની જળસમાધી પછી નિશાળનો એ સમય યાદ આવી જતો ના માઈક ના ઢોલ કે ના કોઈ હોર્મોનિયમ..પ્રાર્થના ગવાતી વંદે માતરમ ગવાતુ.શાળાના રઈબહેન પટેલ સમાચારની ચાર લાઈનો કહેતા. બાદમાં શિસ્તબધ્ધ રીતે દાદરેથી ઉપર જતા. આ દરમિયાન કોઈ કાંઈ શરારત કરતું નહીં.જાે શરારત કરી હોય તો દેવાની બહેન શાહની ચશ્માની બીજા પારે આવેલી ચકોર આંખ પકડી પાડતી અને ગુનેગારને બે ફુટપટ્ટીનો માર હાથ પર ઝીલવો પડતો. ચુપચાપ વર્ગમાં જઈને જગ્યા નિર્ધારિત હોય ત્યાં બેસી જતા.
શાળામાં રઘલો પ્રાર્થનાઓ સરસ ગાતો તેથી અમને તેની પર અદેખાઈ આવતી.ક્યાંક એેને સાઈકલની ટ્યુબે મારવાની ઈચ્છાઓ જાગી આવતી પણ એકતો એ સાહેબોનો પ્યારો હતો. સાહેબોને જી જી કરતો રહેતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં રઘલો છવાઈ જતો. આચાર્ય સાહેબની ખુરશી પાસે એને ઉભા રહેવા મળતુું. ગાવા મળતું. અમે ચારે એને જાેઈને દાઝે બળતા પણ પણ કશું વળતું નહી. અમને મારનો ડર હતો.એમાંય દેવયાની બહેનનો તો ખાસ, અમે તો એમને જાેતા કે જાણે આઘાપાછા થઈ જતા.
શાળા જીવનમાં અમારી છાપ રેઢીયાળની હતી.વર્ગમાં કશુંક આડું અવળું થાય તો સીધી જ આંગળી અમારી સામે આવતી. અમારી સચ્ચાઈની પરખ વગર જ વહેયારે માર રૂપી નફો મળતો અમારા ચાર પૈકીનો જૈતિયો વાસ્તવમાં એનું નામ જ્યંતી હતું અમે જેંતિયો કહેતા એ અમને કહેતો “આ શાળાના એક એક માસ્તરના ટાંટીયા તોડી નાખીશ…” અમે એની સામે જાેતા. એના ચહેરા ઉપર ઉભી થયેલી આક્રોશની આંધી અમે બરોબર રીતે પામી જતા પણ..આભમાં ઉભી થયેલી આંધી-કુદરતી રીતે જ વિખેરાઈ જાય છે એમ જૈંતિયામાં ઉભી થયેલી આંધી વિખેરાઈ જતી.
અમારી શાળાના એક એક સાહેબ અમને બરાબરના ધોતા.ધૂણયું તળાવના પથ્થર પર કોઈ ધોબી મેલાં કપડાનો મેલ કાઢવા પછાડતો હોય એમજ..અમને ધોબી ..જેને અમે ધોબો કહેતા હતા અને અમારા સાહેબોમાં કશો ફેર લાગતો નહી.ધોબી જેમ એની દાઝ કપડા પર કાઢતો. સાહેબો અમારી પર..પણ અમે રીઢા ગુનેગાર બની ગયા હતા. માર મારવો સાહેબને મન આનંદ હતો. અમારી મજબુરી અમારાથી ના શરારત છુટતી ના અમે માર ખાવામાંથી બચતા..અઠવાડિયામાં ગમે ત્યારે અમારામાંથી ગમે તેનો નંબર આવી જતો.
અમે ચારે જણા રેઢીયાળ કહેવાતા. માર ખાવાના માસ્ટર પીશ હતા. શરારતમાં અમારું નામ અવ્વલ હતું. શાળા છુટે એટલે ઝાંપો પહેલા પાર કરી દેવામાં શિવાજી હતા. રઘલો જ્યારે પ્રાર્થના ગાતો હોય ત્યારે એક આંખ ખોલીને પડખેના છોકરાની દશા જાેવી જાણે અનિવાર્ય હતી.ગુનો કરીને પકડાતા…ક્યાંક આચાર્ય સાહેબ પાસે જતા તોેે… હા સાહેબ…હા..સાહેબ કહીને માથુ નમાવાના તો અમે બેતાજ બાદશાહ હતા. અમારા આચાર્ય સાહેબ કહેતા આમને કંઈ કહેવાનો, શિખામણ આપવાનો કશો અર્થ નથી. પથ્થર પર પાણી ત્યાર બાદ આચાર્ય સાહેબના ઓરડામાંથી જેવા બહાર આવતા કે પટાવાળો શંકરીયો અમારી સામે કતરાતા કતરાતા કહેતો ‘મારું ચાલે તો મારી મારીને ગધેડો બનાવીને ઓરડામાં પુરી દઉ…’
શંકરિયો અમારો વેરી હતો.પહેલા વેરી અમારા સાહેબો, બીજાે વેરી શંકરિયો..એ ઘણીવાર અમારી ચડ્ડીના ખિસ્સા પર રેડ પાડતો એમાંથી કોઠા પકડાતા, કાતરા પકડાતા, લખોટીઓ તો ઓલ ટાઈમ ખીસ્સામાં રહેતી.વળી લખોટીઓ અમને પ્રાણપ્રિય હતી.શંકરિયો ક્યાંક અમારી લખોટીઓ પણ ચંપત કરી જતો. કોઈ વાઘ પોતાના ઢોરને ઉપાડીને લઈ જતો હોય…ભરવાડ જાેઈ રહેતો હોય એવી અમારી દશા થતી ઉપરથી શંકરિયો એના ડોળા કાઢતો અમે ચાલ્યા જતા.
અમને યાદ છે ઢોરોનું દવાખાનું ધૂણયું તળાવ પાસે આવેલું.ઢોરોના દવાખાનામાં દિવસે નામ માત્રના ઢોર આવતા એમાં એક ડોક્ટર..એક કંપાઉન્ડર અને ચોકીદાર રહેતા હતા.કંપાઉન્ડમાં ત્યાં આંબલીના ખુબ ઝાડ હતા.એના પર કાતરા લટકતા જાેતા. ખાવાનું મન તો રોજ થતું અને પ્રયાસ કરતા આંબલીના ઝાડ અને રસ્તા વચ્ચે સહેજ ઉંચી પાળ હતી.ક્યાંક પાળે ચડીને તો ક્યાંક રસ્તા પરથી આંબલી ઝાડ પર પથ્થર ફેંકતા કાતરા નીચે પડી પડતા પણ એ કાતરા કંપાઉન્ડમાં પડ્યા હોય અને અમે આ તરફ.. જાે કે કશોય ડર રાખ્યા વગર પાળી ચડીને અંદર પડી કાતરા લઈ આવતા પણ …
પણ એક દિવસ ભારે થઈ પથ્થરો ફેંક્યા, કાતરા પડ્યા એ લેવા જવા અંદર પડ્યા કે ન જાણે વીજળીનો મોટો ગોળો ભમ કરતો ફુટ્યો કે અમે ભટક્યા ભાગવા ગયા એ પહેલા જ ચોકીદાર આવી ગયો.અમને પકડી લીધા.પછી ચોકીદાર કહે ‘સાલે..તુમરી રોજાણી આદત હો ગઈ હૈ, અબ તો મૈ પુલીસ બુલાઉંગા ઔર દંડે મરવાકર જેલ ભેજુંગા…’
પોલીસ અને સાથે જેલ શબ્દને સાંભળી અમે ફફડી ગયા હતા.શિકારીએ કોઈ પંખીને પકડ્યુ હોય અને એ ધ્રુજતું હોય એવી દશા હતી.પણ નશીબ પાંસરુ કે પટાવાળો શંકરિયો બહારના રોડ પરથી સાઈકલ પર જતો હતો. એ અમને જાેઈ ગયેલો..સાઈકલ ઉભી રાખીને પુછી બેઠેલો ‘ઐલા જૈંતિયા હું થયું ?’
અને એને જાણ થયેલી પહેલા તો ત્યાંજ ગુસ્સો કરતા કહેલું ‘હાહરા ઓ, આંય આગળ પણ હખણા રહેતા નથી…’
પણ શંકરિયોએ અમને છોડાવ્યા હતા..એ દિવસે અમને એ શંકરિયો નહી પણ શંકરભાઈ લાગ્યો હતો.
એમ ચાર જણામાં એક જૈંતિયો હતો, બીજાે જય કિચન, ત્રીજાે હું અને ચોથો દિનેશ હતો. જય કિશન જે જેકલો..દિનેશને દિનીયો એ પછી હું બારોટ એટલે મને બારી કહેતા પણ એનો કોઈ રંજ ન હતો.
અમારી ટોળકી જે કહો તે… રખડવામાં શરારત કરવામાં અવ્વલ હતી. જાણે અમને કોઈ સારું કામ સૂઝતું નહી.
સમયને પાંખે જિંદગીમાં આગળ વધતા હતા. પણ શરારતમાં સહેજે ફેર પડ્યો ન હતો. ઘરવાળાનું આસપડોશીનું, શાળાના સાહેબોનું કહેવું માનવું નહી એ જાણે અમારો જન્મસિધ્ધ હક બની ગયો હતો.
એક દિવસ હા, રામદેવપીરજીનો મેળો હતો. ચારે જણા મેળે જવા નીકળ્યા. જૈંતિયો કહે મારા કપડામાંથી યાર ખુબ વાસ મારે છે. હું હમણા તળાવમાં ડૂબકી મારીને આવું છું…અમે એને કોઈ કહીએ એ પહેલા જ જૈંતિયો એક ભેખડ પર ચઢ્યો અને તળાવના તળાવના પાણીમાં મગર છુપાઈને બેઠો હતો. જેવો જૈંતિયો પડ્યો કે એણે પગ પકડીને ખેંચ્યો, જૈંતિયાથી રાડ નીકળી ગઈ. ઓ બાપા રે..અમે એનો વવલાટ જાેઈ રહ્યા. ગામમાં ગયા અને ખબર આપી પણ બધું પુરું થઈ ગયું હતું. એક મિત્ર ગયો.
બીજા મહિને જયકિશન સાઈકલ ચલાવતો હતો.. એય પાછો છુટા હાથેેે..એનું બેલેન્સ ગયુ રસ્તા પર પટકાયો, પથ્થર બરાબર માથામાં વાગ્યો, પેસી પણ ગયો એને દવાખાને લઈ ગયા પણ ડોક્ટરોએ હાથ અધ્ધર કરી દીધા. ચાર મિત્રોમાંથી એની બાદબાકી થઈ ગઈ.
બે રહ્યા.
એક દિવસ દિનેશે આવીને કહ્યુ, ‘મારા મામા મને શાળાએથી ઉઠાડી મુકીને બીજે ગામ મોકલવા વાત કરી. દિનેશ કશુંય કરી ન શક્યો. હું એને રેલ્વે સ્ટેશને મુકવા ગયો. ગાડી ઉપડે ત્યાં સુધી અમે બે ખામોશ રહ્યા. છેક આગળ જ્યાં એંન્જિન ઉભું હતું. ત્યાની લાલ લાઈટ લીલી થઈ. ખખડી ગયેલા એન્જિનની વિચિત્ર વ્હીસલ સંભળાઈ. દિનેશ ડબ્બામાં ગયો ધીમો એક ધક્કો આવ્યો.
ગાડી ઉપડી.
‘લે..નયન..હવે..’
આમતો એ મને કાયમ બારી કહેતો, પણ એ દિવસે મારા નામથી બોલાવ્યો. એ રડી પડ્યો.
હું રડી પડ્યો.
ગાડી ગતિમાં આવી ગઈ હતી.
જાેત જાેતામાં છેલ્લો ડબ્બો આવી ગયો.
ગાડી છુટી ગઈ.પ્લેટફોર્મ પરની ચહલપહલ ઓછી થઈ ગઈ હું એકલો રહ્યો.જિંદગી હતી, અમે ચાર હતા. પણ..પણ.. વરસાદ છે, વાદળ છે, પવન છે, વિજળીનાં તોફાન છે, ધુણયું તળાવ છે, આંબલીના લીલા કાતરા છે, આંખોમાં એ યાદો છે.
પરંતુ એ બાળપણ નથી. મારા પુત્રો ઘણીવાર કહે છે ‘પપ્પા તમારી વાત કહોને..’
મારી પત્ની રેણું કહે છે ‘કહોને…’
પણ…
રેણુ વિષ્ણુકુમાર બારોટ
અમદાવાદ