ચૈત્રી નવલાં નોરતાંને મૉ અંબાની આજ્ઞાને ગાથા

પાલવના પડછાયા

ચૈત્રી નવલાં નોરતાંને શરૂ થવામાં હવે ગણ્યા ગાંઠ્‌યા દિવસો છે ત્યારે આપણે ઘણા સમયથી રાજભોગ પ્રસાદ મોહનથાળને બદલે માઇ ભકતોને સીગદાણાની ચિકકી આપવાની શરૂઆત પછી વિવાદનો વંટોળ ઊભો થયો ને મને કમને થોડું ઝુકીને મોહનથાળ ચિકકી બંને પ્રસાદ ચાલુ કરાતા વિવાદ સમ્યો છે ત્યારે આજે આપણે મૉ અંબાના ગુણગાન ગાઇએ. માતાજીના ચાચરચોકમાં પ્રસાદ વેચાતો હતો ચિકકી આવતા ભકતોને માતાજીએ એવી બુદ્ધિ આપી કે પ્રસાદ આગ્રહભેર વહેચવામાં આવ્યો બસ માતાજી કંઈક આવુ જ સ્વીકારવા તૈયાર છે કે મારા પ્રસાદનો વેપલો નહીં પ્રેમથી આવનાર ભકતોને વહેચો.. પ્રસાદ તો પ્રસાદ જ હોય છે.. આ ઠગભગતોને કયાંથી સમજાય પણ માતાજી એ સમજાવવા પ્રયત્ન કર્યો છે જાે સાચા ભકતો માતાજીની આ આજ્ઞાને અનુસરે તો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લીના ડુંગર હારમાળા પર અંબાજી મંદિર આવેલું છે. આ મંદિર દેશના સૌથી જૂના અને પવિત્ર શક્તિ તીર્થ સ્થાનોમાંથી એક છે. આ શક્તિની દેવી સતીને સમર્પિત ૫૧ શક્તિપીઠોમાંથી એક છે.

અંબાજીનું મંદિર ગુજરાત-રાજસ્થાન સીમા નજીક અરાવલી શ્રૃંખલાના આરાસુર પર્વત ઉપર સ્થિત છે, જે દેશનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે. સફેદ આરસપહાણથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર ૧૦૩ ફૂટ ઊંચું છે. શિખર સોનાથી બનેલું છે. જે મંદિરની સુંદરતા વધારે છે. અહીં વિદેશોથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. તે ૫૧ શક્તિપીઠમાંથી એક છે, જ્યાં માતા સતીનું હ્રદય પડ્યું હતું.

આ મંદિર પણ શક્તિપીઠ છે પરંતુ તે અન્ય મંદિરોથી થોડું અલગ છે. આ મંદિરમાં માતા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધનાથી થાય છે જે સીધી આંખથી જાેઇ શકાતું નથી. અહીંના પૂજારી આ શ્રીયંત્રનો શ્રૃંગાર એટલો અદભૂત કરે છે કે શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત વિરાજમાન છે. તેમની પાસે જ પવિત્ર અખંડ જ્યોતિ પ્રગટે છે, જેના અંગે કહેવાય છે કે તે ક્યારેય ઓલવાઇ નથી.
માન્યતા છે કે, આ મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું છે. અંબાજીના મંદિરથી ૩ કિલોમીટર દૂર ગબ્બર પહાડ પણ માતા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. માતાના દર્શન કરનાર ભક્તો આ પર્વત ઉપર પથ્થર ઉપર બનેલાં માતાના પગલાંના અને માતાના રથના નિશાન જાેવા માટે જરૂર આવે છે. .

આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણથીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જાે આ દંતકથાઓને છોડીને પૌરાણિક પુરાવાઓ તપાસીએ તો, માનસરોવર ના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ.સ. ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯)નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સન. ૧૬૦૧નો લેખ છે.તેમાં રાવ ભારમલ્લીની રાણી એ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે, તે ૧૬મા શતકના છે. એક બીજા સન ૧૭૭૯ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. અર્થાત કે ઈ.સ. ૧૪મા શતકથી તો આરાસરનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીયા કરીને એક ગામ છે. આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે. આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ સ્થાન પર વિમળ શાહે ૩૬૦ દેરાસરો બંધાવ્યા, પણ માતાજીએ પૂછ્યું કે આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી? ત્યારે વિમળ શાહે ઉત્તર આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ ઉત્તર થી ક્રોધિત થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા અને માત્ર પાંચ રહેવા દીધા.

દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની સહાયતા માંગી. ભગવાન શિવે સહાયતા માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં માં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.

બીજી એક કથા પ્રમાણ સીતાજીની શોધ કરતાં શ્રી રામ અને શ્રી લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. શ્રી રામ અને શ્રી લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી શ્રી રામે રાવણનો નાશ કર્યો.
દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા માં અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.
ચૈત્રી નવલાં નોરતાં શરૂ થાય તે પહેલાં મૉ શકિત જગજનનીને વંદન સહ..
યશપાલસિંહ ટી વાઘેલા શ્રી ઓગડ વિધા મંદિર થરા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.