ચિંથરું પણ ઘરચોળું બને, એમ પણ બને…..!
કોઈ વ્યક્તિ ‘નાનો’ કે ‘મોટો’ એવું મૂલ્યાંકન, તેની ઉપયોગિતા અને પરિસ્થિતિને આધારે થઈ શકે! કોઈપણ વ્યક્તિની આવડત કે ક્ષમતા બાબતે, તેનું મૂલ્યાંકન પોતાની માપપટ્ટીથી કરવું એ ભૂલ ભરેલું પણ હોઈ શકે! માપનમાં સાધન ત્રુટિ અને વ્યક્તિ ત્રુટિ આવે, તેમ અહીં વ્યક્તિના મૂલ્યાંકનમાં મૂલ્યાંકનકારની દૃષ્ટિત્રુટિ પણ આવી શકે! દરેક વ્યક્તિમાં અલગ અલગ પ્રકારની આવડત, ગુણ અને શક્તિ રહેલી છે. તે પિછાણવા દૃષ્ટિકોણ જાેઈએ. મૂલ્યાંકનકારમાં દૃષ્ટિભેદ આવે તો, વ્યક્તિનું મૂલ્યાંકન યોગ્ય રીતે ન થઈ શકે. મૂલ્યાંકનકારમાં દૃષ્ટિભેદ આવે તો, ક્યારેક ખોટાને મોટો બનાવે, તો ક્યારેક ખરાને નઠારો. ક્યારેય મોટા ખોટા અને તકલાદી નીકળે, તો સાવ સામાન્ય માણસ અસામાન્ય કૌવત અને કૌતુક બતાવી જાય. જેનામાં, બીજમાં રહેલા વૃક્ષને નિહાળવાની દૃષ્ટિ અને ક્ષમતા હોય, તે બીજા વ્યક્તિની ક્ષમતા, સામર્થ્ય અને વ્યક્તિત્વ અંગે કંઈક અંશે યોગ્ય મૂલ્યાંકન કરી શકે.
એક વ્યક્તિમાં કેટલી શક્તિ અને કેટલું સામર્થ્ય છે, કેટલા ગુણ-દોષ છે, તે કહેવું કઠિન છે. એ તો સમય અને પરિસ્થિતિ જ પરખ કરી શકે. ક્યારેક નાનો માણસ જે કામ કરી શકે, તે મોટો ન પણ કરી શકે! જે કામ ગામના તલાટીથી થઈ શકે, તે ક્યારેક જિલ્લા સમાહર્તાથી પણ ન થઈ શકે, એવું પણ બને ! તો, ક્યારેક મોટા ગુનાનો ભેદ એક સામાન્ય કોન્સ્ટેબલ ઉકેલી શકે અને મોટા સાહેબો હવાતિયાં મારતા રહે, એવું પણ બની શકે ! ક્યારેક સામાન્ય ફેમિલી ફિઝિશિયન, જે સારવાર અને નિદાન કરી જણે તેમાં મોટા તજજ્ઞો (સ્પેશિયાલિસ્ટ) ઉણા ઉતરે, એવું પણ બને! તો, પહેલા ધોરણના બાળકને એકડો ઘુંટાવવાની, જે આવડત, ક્ષમતા અને તેના માટે જરૂરી ધીરજ, જે શિક્ષક પાસે હોય તે કદાચ શિક્ષણ જગતના મોટા ખેરખાં પાસે ના પણ હોય, એવું પણ બની શકે! અહીં કોઈને ‘નાનો’ કે ‘મોટો’ ચિતરવાની વાત નથી, પણ વાત છે નાનાની ક્ષમતાની અને મોટાની મર્યાદાની. મૂળ પરિસ્થિતિ અને ઉપયોગિતાના આધારે, માણસ બીજા માટે કેટલો ઘસાય છે, તેના આધારે તે ‘નાનો’ કે ‘મોટો’ બને. માણસની આવડત, કૌશલ્ય, માણસાઈ અને ઉપયોગિતાના આધારે માણસ મોટો બની શકે. તો, ક્યારેય પરિસ્થિતિ એને મોટો બનાવી જાય. મુશ્કેલીના સમયમાં માણસના વ્યક્તિત્વની પરખ થાય. કપરા સમયમાં વ્યક્તિ કેટલી સત્યનિષ્ઠા જાળવે છે, કેટલી ધીરજ રાખે છે, હિંમત ટકાવી રાખે છે કે નાસીપાસ થાય છે?તેના આધારે તે મોટો કે નાનો ચીતરાય. એટલે જ ઘાયલ સાહેબ લખે છે-
“મુસીબતના દહાડા એ કસોટીનાં દહાડા છે,
છે પાણી કેટલું કોનાં મહીં જાેવાઈ જાયે છે.”
વ્યક્તિની કિંમત તેની જરૂરિયાત અને ઉપયોગિતાને લઈને થાય, તો ક્યારેક તેના ગુણ અને સ્વભાવના કારણે પણ થાય. તરસા માણસને દરિયા કરતાં મીઠા જળનો લોટો મોટો લાગે. તો નાના છોડ પર ખિલતો ગલગોટો કે ગુલાબ મોટા ઊંચા તાડ પર ન મળે. એટલે માણસની મોટાઈ તેની બીજાના ખપમાં આપવાની વૃત્તિ અને સદગુણોથી થાય. એટલે જ કવિ પ્રેમશંકર ભટ્ટ કહે છે-
“તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જાેટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો”
વ્યક્તિ પોતાની સમજણ અને આવડતથી અનન્ય બની શકે. વૈયક્તિક મૂલ્યોથી પોતાની જાતને શ્રેષ્ઠ બનાવી શકે. ક્યારેક મોટુ ટોળુ ન કરી શકે એવું કામ એક સામાન્ય માણસ પણ કરી શકે. તો ક્યારેક મોટા ટોળાને એક શક્તિશાળી પણ ભારે પડી શકે,જેમ ચકલીઓના ટોળાંને એક બાજ ભારે પડે એમ. વ્યક્તિનું મૂલ્યાંકન કરવુ, તેની શક્તિનો અંદાજ કાઢવો એ બહુ અઘરું કામ છે. ક્યારેક આખું ટોળું તમાશો દેખતું હોય ને મજા લેતુ હોય એવા સમયે એક વ્યક્તિ મદદ કરવા હાથ લંબાવે, ત્યારે અસરગ્રસ્તને મદદગાર વ્યક્તિ ટોળું લાગે છે, ને ટોળું તુચ્છ લાગે છે. વ્યક્તિ કે વસ્તુ જ્યારે વ્યક્તિને ખપમાં આવે, તેની લાજ જાળવે, તેના માટે ઘસાય, ત્યારે જ વ્યક્તિને તેની કિંમત. બીજા માટે ભલે ને કરોડોની રહીં, પણ પોતાના ખપમાં ન આવે, ઉપયોગમાં ન આવે તે વ્યક્તિ કે વસ્તુની કોઈ કિંમત ન હોઈ શકે.વસ્તુ કે વ્યક્તિ માણસ માટે ઉપયોગી છે, કામમાં આવે છે, પોતાના માટે ઘસાય છે, તે માણસ માટે અતિ મૂલ્યવાન અને આદરપાત્ર બની રહે. લાખો રૂપિયાની કિંમતના હીરા-રત્નો જડિત વસ્ત્રો, જ્યારે વ્યક્તિની લાજ ઢાંકવા કામ ન આવે, તો વ્યક્તિ માટે તેની કોઈ કિંમત ન હોઈ શકે! પણ, ગરીબ સ્ત્રીની લાજ રાખતુ ચિંથરું પણ ઘરચોળું બને, તો નવાઈ નહીં! એટલે કવિ ધુની માંડલિયા કહે છે-
“એક વ્યક્તિ પણ ટોળું બને, એમ પણ બને!
ચિંથરું પણ ઘરચોળું બને, એમ પણ બને!”
જુદા જુદા માપદંડને આધારે માણસનુ મૂલ્યાંકન અલગ અલગ રીતે થઈ શકે. તો અલગ અલગ પરિસ્થિતિમાં પણ તેનું મૂલ્યાંકન બદલાય. જેની જરૂરિયાત છે, ત્યાં તેની કિંમત છે, તેનું માન છે. જે ઘસાય છે તેની કિંમત છે. તો માણસની મોટાઈ છે, એના વિચાર અને આચારથી. જેનુ મન નાનું તે નાનો,જેનું મન મોટું તે મોટો.
ડૉ. ભારમલ પટેલ