ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ…
આપણને અંગ્રેજાેના સંકજામાંથી મુક્તિ મળી ત્યાર પછી આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. અંગ્રેજાેના શાસન પહેલાં આપણા દેશમા રાજાશાહી હતી. એ સમયે મહાન રાજાઓના શાસનમાં પ્રજા સુખે જીવન ગુજારતી હતી અપવાદ કિસ્સાઓ બાદ કરતાં. શાસનનો બીજાે પડાવ અંગ્રેજાે અને ત્રીજાે પ્રજાસત્તાક જે હાલ કાર્યરત છે, ચલણમાં છે. લોકતંત્રમાં ઇમાનદારીનો સદંતર અભાવ જણાઇ રહ્યો છે. આઝાદી પછીથી આપણે આ પ્રજાતંત્રનું માળખું જાેઇએ તો તેમાં ઘણી બધી જગ્યાએ બદમાશી, બેઇમાની અને હરામખોરી જાેવા મળી રહી છે.
દેશનો સામાન્ય નાગરિક એ આ પ્રજાસત્તાક તંત્રનો એક પાયદુ માત્ર બનીને રહી ગયું છે. આ શતરંજના મોટા ખેલાડીઓ જ્યાં ઇચ્છે તેમ તેનો ઉપયોગ કરી રહ્યા છે. દેશના આગેવાનો ઇમાનદારીની ગુલબાંગો ફુંકતા રહે છે પણ પ્રજાસત્તાક તંત્ર અને ઇમાનદારી એ બન્નેં શબ્દો એક બીજાના વિરુધાર્થી શબ્દ બની પ્રસ્તુત થઇ રહ્યા છે.
હાલ ગુજરાતની ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ યોજાઇ રહી છે તેમા એક નવું સમીકરણ ઉમેરાયું છે અને તે છે ઉમેદવારોની શાંતિનુ અને સમાધાનનું. અગાઉ થતી ચુંટણીઓમાં ઉમેદવારો એક બીજા સામે જાહેરમાં ભયંકર બફાટ તેમજ અનેકો કાવાદાવા કરતાં ખચકાતા ન હતાં પણ આ ૨૦૨૧ની ગ્રામપંચાયતની ચુંટણીઓમા તમામ ઉમેદવારો શાંતિ, સમાધન અને જતું કરવાના પક્ષમા હોય તેમ પ્રસ્તુત થઈ રહ્યા છે. હવે ઉમેદવારો ફોર્મ ભરવા ટાણે ગામ પર ર્નિભર બની રહ્યા છે. ગામની શાંતિનું માહોલ ડોળાય નહીં એની હવે તકેદારી રખાઇ રહી છે. આ વૈચારિક આયામ એ આપણા સુખદ ભવિષ્ય માટે લાભકારી સાબીત થશે.
સરપંચ પદ પર ઘી કેળા કે ક્રીમનું પ્રમાણ હજુ પણ યથાવત છે. આટ-આટલી ટેકનોલોજી વચ્ચે પણ સરપંચ બન્યા પછી ઉમેદવાર બહુ મોટી નોટો છાપી નાખે છે. મારી નજરમાં કેટલાયે એવા લોકો છે જે સાવ સામાન્ય કામકાજ કરતાં પોતાનું જીવનયાપન કરતાં હતાં, તેઓની સ્થિતિ એક સાંધો અને તેર તુટે તેવી હતી પણ સરપંચ બન્યા કે વાત જ બદલાઇ ગઇ. એક સાધો અને તેર સધાય જેવી તેમની મલ્ટીપલ ગ્રોથ થઈ ગઈ. માત્ર એક ટર્મ પછી તેમનું જીવન કોઇ જાગીરદારથી વધુ આસામીવાળુ બની ગયું છે. એક છોકરો અમારી નજર સમક્ષ નિરંતર શિક્ષણ પ્રોજેક્ટમાં પ્રેરક તરીકે કામ લેવા તેની માં સાથે ધક્કા ખાતો હતો. તે સાવ દારુણ ગરીબ વ્યક્તિની પત્ની એ સમયમાં જ અનામત સરપંચ સીટ પર ચુંટાઇ આવી.
બીજા જ વર્ષે એ છોકરાની જીવનશૈલી સાવ બદલાઇ ગઇ. કોઇ બીઝનેશમેન પરિવારનો નબીરો હોય તેવું તેનો જીવન લાગતું હતું.
શહેરમાં બે ચાર દુકાનો ખરીદાઇ ગઈ. ફોર્ચયુનર ગાડી આવી ગઈ અને તેનું એકવડીયું કુપોષિત શરીર પણ નવપલ્લવિત થઈ ગયું. સરપંચ પદની એક ટર્મ પછી જ એક એક રુપિયા માટે તરસતા લોકોને ઘરે રૂપિયાની ટંકશાળ લાગી જતી હોય છે. આવી છે મલાઇદાર સરપંચની ખુરશી. કોઇ ઉમેદવારોથી અન્યાય ન થાય અને શાંતિ અને સુમેળથી ચુંટણી થઈ શકે તે માટે ચુંટણીપંચ દ્વારા બહુજ સારી કામગીરી કરવામાં આવે છે. સારી એવી તકેદારીઓ રખાય છે.
ગુજરાતની સરપંચ ચુંટણી સંગ્રામમા અમારા થરાદ તાલુકાની કુલ ૬૨ બેઠકો પર ફોર્મ ભરાયાં હતાં જેમા અમુક ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. જે ગ્રામ પંચાયતોમાં ચુંટણી થવાની છે તેમાં પણ ઘણા બધા વોર્ડ મેમ્બર્સ પણ બિનહરીફ બન્યા છે. જે બહુજ સારી બાબતો છે. આ ચૂંટણીઓ માટે ગત તારીખ -૧/૧૨/૨૦૨૧થી ૫/૧૨/૨૦૨૧ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાના શરુ કરવામાં આવ્યા હતા. તારીખ ૬/૧૨/૨૦૨૧ના ફોર્મસની ચકાસણીઓ થઈ હતી તેમા બહુજ ઓછા પ્રમાણમાં ફોર્મ રદ થયાં હતાં. જ્યાં જ્યાં અને જે જે ફોર્મ રદ થયા તેમાં ખાસ સને ૨૦૦૬ પછીના બે બાળકના રુલસનો ઉલંઘન કે અનામત સીટ માટે જાતિના દાખલા જેવા મુખ્ય કારણો જ સામે આવ્યા હતાં. આ દરમિયાન ૬ તેમજ ૭ તારીખોમા ખાસા બધાં ફોર્મ પરત પણ ખેંચાયા હતાં. આ ગ્રામ પંચાયતની ચુંટણીમાં થરાદના આંતરોલના એક વ્યકિતનો વિવાદ પણ નજરે આવ્યો હતો. તેઓને ચુંટણી લડવાની હતી પણ મતદાર યાદીમાંથી તેમનુ નામ રદ થયેલું હતું. આ બાબતે આ લોકોએ બેત્રણ દિવસ સળંગ મહેનત કરી પણ કોઇ પરિણામ આવ્યું ન હતું. એક ઉમેદવાર જે શારીરિક સ્વસ્થ હતાં તેઓ થરાદ મામલતદાર કચેરીએ પોતાનું ફોર્મ ભરી પરત ફરતા હતા તે સમયે મામલતદાર કચેરી બહાર જ પગે ઠેસ લાગવાથી પડી જતાં તેઓનુ મૃત્યુ થયું હતું. એક આશાભર્યા જીવનનો દીપ અહીં અચાનક બુઝાઇ ગયો હતો.
આશા રાખીએ કે આદિકાળથી માનવ સભ્યતાના વિકાસમાં જે રીતે સુખદ પરિવર્તન થતાં રહ્યાં છે તેમજ ભવિષ્યમાં પ્રજાતંત્રમા કોઇ નવાજ પરિમાણો ઉમેરાય, સતા અને શાસન માટે કોઇ નવીજ સીસ્ટમ આવી જાય કે જ્યાં નાગરિકોના તમામ લાભો, હકો અને સુવિધાઓ અબોટ રીતે તેમના સુધી પહોંચે. – દશરથદાન ગઢવી