ગાંધીજીની નજરે સામ્યવાદ અને રાષ્ટ્રવાદ

પાલવના પડછાયા

એક તરફ સમગ્ર દેશમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીની શરૂઆત થઇ ચુકી છે. બીજી તરફ ૨૦૧૯ની ચુંટણીઓની પણ તૈયારી જોરશોરથી ચાલુ થઇ ગઈ છે ત્યારે આ વખતની ચુંટણીની લડાઈ એ કોઈ બે રાજકીયપક્ષો વચ્ચેની લડાઈ નથી પરંતુ બે વિપરીત વિચારધારાની લડાઈ છે.એક તરફ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી રાજકીય પાર્ટીઓ તથા રાષ્ટ્રપ્રેમી લોકો એક થઇ રહ્યાં છે. તો બીજી તરફ સામ્યવાદ તરફ જુકાવ ધરાવતાં રાજકીયપક્ષો તથા સામ્યવાદી વિચારધારાને સમર્થન આપતા લોકો એક થઇ રહ્યાં છે. ‘દુશ્મનનો દુશ્મન દોસ્ત’ એ ઉક્તિ મુજબ ભાજપા સામેની લડાઈમાં કોંગ્રસનો સામ્યવાદ તરફનો જુકાવ સ્પષ્ટ દેખાઈ આવે છે.આમ પણ ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવે કે કોંગ્રેસ અને સામ્યવાદીઓનું ગઠબંધન બહુ જુનું છે.૧૯૭૨માં કોંગ્રેસનું વિભાજન થયું અને સામ્યવાદીઓની મદદથી ઇન્દિરા ગાંધીની સતા જળવાઈ રહી હતી.પોતાની સતા ટકાવી રાખવા માટે ઇન્દિરા ગાંધીએ અનેક સરકારી સંસ્થાઓની રચના કરી અને ભારતીય સામ્યવાદીઓને તેમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પણ આપ્યાં હતા.સામ્યવાદી વિચારક નુરૂલ હસનને તો કેન્દ્રીય શિક્ષામંત્રી બનાવવામાં આવ્યાં હતા.
સમયે સમયે ગાંધીજીએ કેટલાંક લેખો,વાર્તાલાપ તથા વક્તવ્યો દ્વારા માર્ક્સવાદ અથવા સામ્યવાદ પ્રત્યેના પોતાનાં વિચારો રજુ કર્યા છે.
‘’મતભેદો પેદા કરવા, અસંતોષને જન્મ આપવો અને હડતાલો કરાવવી, તેને જ સામ્યવાદીઓ પોતાનું સૌથી મોટું કર્તવ્ય અને સેવા માને છે. તેઓ એ નથી જોતાં કે, આ અસંતોષ અને હડતાલોથી અંતમાં કોને નુકશાન જવાનું છે.અધૂરું જ્ઞાન એ સૌથી મોટી ખરાબીઓમાંની એક છે. કેટલાંક લોકો જ્ઞાન અને નિર્દેશો રશિયાથી પ્રાપ્ત કરે છે. આપણાં સામ્યવાદીઓ પણ આ જ દયનીય હાલતમાં જીવે છે. હું તેને શરમજનક ન કહીને દયનીય કહું છું, કેમકે આ લોકોને દોષ દેવાને બદલે મને તેમની અણસમજ પર દયા આવે છે. આ લોકો ભારતની એકતાને ખંડિત કરવાની એ આગને હવા આપવાનું કામ કરે છે જે આગ અંગ્રેજોએ ચાંપી હતી.’’
૨૫ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ મહાત્મા ગાંધીએ કહેલા ઉપરોક્ત વિધાનો આજે પણ એકદમ યથાર્થ લાગે છે. આજે પણ કેટલાંક રાજકીય પક્ષો સામ્યવાદીઓ સાથે મળી આ પ્રકારના કૃત્યો કરતા નજરે પડે છે.સામ્યવાદની જેમ જ ગાંધીજી સમાજવાદનાં પણ પ્રચલિત આધુનિક અર્થથી સંતુષ્ટ નહોતા. તેમનું માનવું હતું કે, ‘’ પશ્ચિમનો સમાજવાદ તથા સામ્યવાદ અમુક એવાં સિદ્ધાંતો પર આધારિત છે, જે આપણાં ભારતથી ભિન્ન છે. જેમ કે તેમનો એક સિધ્ધાંત છે કે, માનવ સ્વભાવ મૂળભૂત રીતે સ્વાર્થી હોવામાં જ વિશ્વાસ ધરાવે છે.’’ ૧૯૩૪માં જયારે જવાહરલાલ નેહરુ કોંગ્રેસને સમાજવાદ તરફ વાળવા માંગતા હતા ત્યારે નેહરુએ ગાંધીજીને સમજાવવા માટે લખ્યું હતું કે ‘’ અંગ્રેજી ભાષામાં સમાજવાદનો અર્થ બિલકુલ સ્પષ્ટ છે ’’ ત્યારે ગાંધીજીએ જવાબમાં લખ્યું હતું કે ‘’ મેં શબ્દકોષ જોઈ લીધો છે.પરંતુ મારી સમજણમાં વધારો નથી થયો તેથી જણાવો કે તેનો અર્થ સમજવા માટે હવે હું શું વાંચું ?’’ ગાંધીજી આધુનિક સમાજવાદ કરતા માનવવાદને ઉચ્ચ માન્યતા આપતા હતા.ગાંધીજીએ હંમેશા સત્ય,અહિંસા અને પ્રેમનો માર્ગ બતાવ્યો છે. જયારે માર્કસે વ્યક્તિ તથા જનસમુહને હિંસા,ધ્રુણા તથા દ્વેષનો માર્ગ બતાવ્યો છે.ગાંધીજીના જીવનનો સંદેશ પ્રેમની શક્તિનું પ્રદર્શન છે, જયારે માર્ક્સવાદનો ઉદેશ્ય ધ્રુણાનું પ્રદર્શન રહ્યો છે.
સામ્યવાદીઓમાં સમાજસેવાનો ભાવ પણ પ્રેમ કે સદભાવનાની પ્રેરણાથી નહીં પરંતુ ધૃણા અને બદલાની ભાવના સાથે જોડાયેલ હોય છે. માર્કસવાદીઓ પોતાનાં ઈરાદાઓ પાર પાડવા માટે હિંસા, છલ-કપટ, કાનૂની-ગૈરકાનૂની એમ દરેક પ્રકારનાં રસ્તાઓ અપનાવવા જરૂરી તેમજ ઉચિત માને છે. પરંતુ ગાંધીજી ભ્રષ્ટ સાધનો અને હિંસાના માર્ગને ઉચિત માનતા નહોતા.ગાંધીજી કહેતાં કે કોઈ પણ વસ્તુ જે નૈતીકરૂપથી અનુચિત છે તે રાજનૈતિક દ્રષ્ટિથી પણ અનુચિત છે. સામ્યવાદી વિચારધારકો ગમે તેમ,ગમે તે રીતે તેનાં લક્ષ્યની પ્રાપ્તિ ઈચ્છે છે,જયારે ગાંધીજી લક્ષ્ય પ્રાપ્તિની સાથે સાથે સાધનની પવિત્રતા પર પણ ભાર મુકે છે.માર્કસના મૂળ સિદ્ધાંતોમાં આધારભૂત વર્ગસંઘર્ષ છે. સામ્યવાદનો ઢાંચો તેના પર જ અવલંબિત છે.વિભિન્ન વર્ગોમાં ટકરાવ, વૈમનસ્ય તેમજ વાદ-વિવાદ પેદા કરાવવો તે જ તેની ઉન્નતીનો માપદંડ છે. જયારે ગાંધીજીનાં ચિંતનમાં વર્ગ વિગ્રહને કોઈ સ્થાન નથી.
તે જ રીતે ગાંધીજીનાં શબ્દોમાં રાષ્ટ્રવાદ એટલે, ‘’વ્યક્તિ પોતાના કુટુંબ માટે મરવા તૈયાર હોય,કુટુંબ પોતાના ગામ માટે,ગામ પોતાના પ્રાંત માટે અને પ્રાંત પોતાના દેશ માટે મરવા પણ તૈયાર થાય તે જ સાચો રાષ્ટ્રપ્રેમ છે.રાષ્ટ્રીય બન્યા સિવાય કોઈ આંતરરાષ્ટ્રીય બની શકે નહીં.
રાષ્ટ્રીયતા હકીકત બને એટલે કે,જુદાજુદા ધર્મ, જુદીજુદી જ્ઞાતિ-જાતિ કે સંપ્રદાય ના લોકો તથા જુદાજુદા પ્રાંતના લોકો સંગઠીત થાય,એક સંપ બને અને માનવીની જેમ વર્તે તે જ સાચી રાષ્ટ્રીયતા.રાષ્ટ્રપ્રેમ એ પાપ નથી પરંતુ સ્વાર્થ, સંકીર્ણતા, એકલવાયાપણું જે વર્તમાન પ્રજાઓ વચ્ચે ઝઘડાઓનું કારણ છે, તે પાપ છે. દરેક બીજાના ભોગે લાભ લેવા ઈચ્છે છે.
બીજાની પાયમાલી કરીને આગળ વધવા માંગે છે. તે પાપ છે. સમગ્ર માનવસમાજની સેવા અને માનવતાના લાભ માટે જ સંગઠીત થવું અને પોતાની શક્તિનો પુરેપુરો ઉપયોગ રાષ્ટ્રના વિકાસ માટે કરવો તે જ સાચો રાષ્ટ્રવાદ છે.’’
અધિકારો અને હકની મોટી મોટી વાતો કરનારા લોકો માટે પણ ગાંધીજીએ કહ્યું હતું કે ‘’સમાજને પીડારૂપ એક મોટા અનિષ્ટ વિષે મારે આજે વિવેચન કરવું છે. મૂડીવાળા અને જમીનદારો પોતપોતાના અધિકાર અથવા હકની વાતો કરે છે.બીજી બાજુ મજુરો પણ પોતાના હકની વાતો ચલાવે છે.રજવાડાના રાજાઓ પોતાના રાજ્ય ચલાવવાના ઈશ્વર તરફથી મળેલા અધિકારોની વાતો કરે છે અને તેમની રૈયત તેમનો પ્રતિકાર કરવાના પોતાના હકની વાતો ચલાવે છે.આમ,દરેક જણ અને દરેક વર્ગ કેવળ પોતપોતાના અધિકાર અથવા હક વિષે આગ્રહ રાખે કે મમત પકડે અને રાષ્ટ્ર પ્રત્યેના પોતપોતાના ધર્મ અથવા ફરજનો વિચાર સરખો પણ ન કરે તો આખરે ભારે ગોટાળો ને અંધેર સર્જાય છે.’’
ગાંધીજીનાં ઉપરોક્ત વિચારો આજની સાંપ્રત પરિસ્થિતિ માટે પણ એટલાંજ સચોટ છે.આજે દેશમાં દરેક વર્ગને, દરેક સમાજને અને દરેક ધર્મ કે સંપ્રદાયના લોકોને જુદાં જુદાં રાજકીયપક્ષો દ્વારા પોતાના અધિકારોના નામે ઉશ્કેરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. માનવતા, સદભાવના,રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ વિર્કાસની વાતો કરનારાઓને વેદિયા ગણાવી તેની મજાક ઉડાડવામાં આવે છે.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતીની ઉજવણી ત્યારે જ સાર્થક ગણાશે, જયારે આપણે બધાં આપણાં રોજબરોજના જીવનમાં ગાંધીજીનાં વિચારોને આત્મસાત કરી તે પ્રમાણે જીવન જીવીએ.
સતાલાલચી રાજકીય પક્ષોને આપણે રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે આપણી એકતા અને સમજદારી દ્વારા સાચો પાઠ ભણાવીએ અને સાચી લોકશાહીના જતન માટે તેમજ દેશનાં સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રહિતાર્થે કાર્યરત શક્તિઓને સાથ આપી ગાંધીજીનાં સપનાનાં ભારતના નિર્માણમાં સહયોગી બનીએ તે જ અભ્યર્થના. ભારત માતા કી જય – વન્દેમાતરમ.
પ્રશાંત વાળા,
મો.૯૯૨૪૨૦૯૧૯૧


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.