આર્ત્મનિભરઃ તન, મન અને ધનથી….!
વ્યક્તિના અંગત જીવનમાં અને તેની સફળતામાં, જેનું યોગદાન હોય, જેનુ આધારભૂત પીઠબળ હોય તેવા જન, સ્વજન, મિત્ર કે સાગરિત માટે વ્યક્તિ ‘પોતાનો ડાબો હાથ’ એવા વિશેષણનો ઉપયોગ કરે છે. આવી વ્યક્તિ જ્યારે તેના જીવનમાંથી ચાલી જાય ત્યારે, પોતાનો ડાબો હાથ કપાઈ ગયાની લાગણી પણ વ્યક્ત કરે. કેમ ડાબો હાથ? જમણો કેમ નહીં? ડાબો હાથ સહકાર, સહયોગ અને મદદનો પ્રયાય છે. તો, જમણો હાથ એટલે વ્યક્તિ પોતે. જમણો હાથ એટલે આર્ત્મનિભરતા, આત્મગૌરવ, સ્વાભિમાન અને સ્વાવલંબન. ‘ કર લો દુનિયા મુઠી મેં’- બોલતી વખતે પણ સ્વાભાવિક રીતે જમણા હાથની મુઠ્ઠી બંધ થાય.જમણા હાથની તાકાત એ વ્યક્તિની પોતાની તાકાત છે. તેમાં ડાબા હાથની મદદ અને સહકાર મળે તો, વ્યક્તિ સરળતાથી ઇચ્છિત પરિણામ મેળવી શકે! પણ, જમણો હાથ જ પાણીમાં બેસી જાય તો ? એકલો ડાબો કશું ના કરી શકે. જમણા હાથના કૌવત અને કૌશલ્ય પર ભરોસો અને શ્રદ્ધા એ જ મનની આર્ત્મનિભરતા !
આર્ત્મનિભરતા એટલે પંડમાં ભરોસો અને વિશ્વાસ, પોતાનામાં શ્રદ્ધા. આજકાલ ‘આર્ત્મનિભરતા’ શબ્દ વ્યાપક પ્રમાણમાં વપરાય છે. ઑક્સફર્ડ ડીક્ષનરીએ ‘આર્ત્મનિભરતા’ ને ?’હિન્દી વર્ડ ઑફ ધ યર- ૨૦૨૦’ જાહેર કર્યો હતો. પણ, મોટાભાગે તેનું અર્થઘટન જનમાનસમાં આર્થિક આર્ત્મનિભરતા પૂરતું જ મર્યાદિત છે. જાતે પગભર બનવું, જાતે કમાવવું અને બાપના પૈસે લેર ન કરવી એટલે આર્ત્મનિભર – આવી સમજણ કંઈક લોકોમાં પ્રવર્તે છે. માત્ર આર્થિક ર્નિભરતા એટલે આર્ત્મનિભર એ અધૂરો ખ્યાલ છે. આર્ત્મનિભરતા તન, મન અને ધનથી હોય તો તે પૂર્ણ. આમ તો, સ્વસ્થ વ્યક્તિ તનથી તો આર્ત્મનિભર હોય જ. પણ ક્યાંક પ્રદૂષિત ખ્યાલ અને વટ પાડવાના હેતુથી તંદુરસ્ત વ્યક્તિ પણ આર્ત્મનિભરતા ગુમાવે છે. સામાન્ય પાણી પીવા માટે પણ અન્ય વ્યક્તિનો આશરો લેવો પડે, અથવા તો પોતાની આળસને કારણે પોતાના કામો અન્ય વ્યક્તિ પાસે કરાવે તે તનનુ પરાવલંબન તો ખરું ને !
તનથી આર્ત્મનિભર બનવા વ્યક્તિએ સ્વસ્થ રહીને, શક્ય એટલા અંગત કામો જાતે કરવા જાેઈએ. ભલે બીજાે કરી આપે, પણ જાતે કરેલા કામ જેવી મજા તો ન જ આવે. ખણ ખણવાની જે મજા જાતે આવે તે અને બીજાે ખણે એમાં ફરક તો રહેવાનો જ. ધનથી આર્ત્મનિભર બનવું જ પડે. બાકી નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ.બીજાે કેટલા દિવસ ચલાવી આપે ? એની મજા પણ શું? આર્થિક રીતે પરાવલંબન એટલે જ ગરીબ. આર્થિક રીતે આર્ત્મનિભર બનવા વ્યક્તિએ પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. પોતાની મહેનત અને આવડત પર ભરોસો રાખી કરેલ પુરુષાર્થ આર્થિક પ્રગતિની સાથે સામાજિક ઉન્નતિના દ્વાર ખોલી આપે. પણ, બીજા પરનો ભરોસો ક્યારેક નિરાશા આપી જાય. પોતાની મહેનત અને આવડતમાં, શ્રદ્ધા રાખીને કાર્ય કરનાર વ્યક્તિ આર્ત્મનિભર તો બને છે, સાથે સાથે એને નિરાશ થવાનો વારો નથી આવતો. પોતાની મહેનત અને ભરોસાની કવિ પ્રહલાદ પારેખે સરસ વાત કરી છે-
“આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેર્રુ
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી.
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, -હો ભેર્રુ
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર :
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, -હો ભેર્રુ
રહીં વાત મનની આર્ત્મનિભરતાની. મનથી આર્ત્મનિભર બનવું એટલે જાતમાં ભરોસો અને વિશ્વાસ કેળવવો. આજે માણસ ક્યાંક સરખામણી, તો ક્યાંક લુચ્ચાઈ, તો ક્યાંક શંકા અને અવિશ્વાસના કારણે, તો ક્યાંક લોભ અને લાલચના કારણે, તો ક્યાંક સ્વાર્થ અને ખોટા ડરના કારણે માનસિક દુર્બળ બન્યો છે. જેના કારણે તે પોતાની જાતમાં શ્રદ્ધા અને વિશ્વાસ ગુમાવી બેઠો છે. આવા સમયે જરૂર છે મનની આર્ત્મનિભરતાની. માણસ મનથી આર્ત્મનિભર બનશે તો, તન અને ધનની આર્ત્મનિભરતા આડપેદાશ તરીકે આપોઆપ આવી જશે. પણ મનથી પરાવલંબી હોઈશું તો, તન અને ધનની આર્ત્મનિભરતા બહુ દૂરની વાત બની જાય, એમાં નવાઇ જેવું કશું નથી!
આજે માણસ બીજા સાથે સરખામણી કરીને મોટા થવા ખોટા અનુકરણ કરવા ઉછીના ટેકા લઈ રહ્યો છે. આવા ટેકાથી તે કેટલો ચાલી શકે? કોયલ અને મોર આવા ઉછીના રાગ લેવા જાય તો, ક્યાંથી આર્ત્મનિભર બની શકે? માણસે તેની ક્ષમતા અને આવડત પ્રમાણે ચાદરમાં ઓઢીને પછી પગ લાંબા કરવા. બીજાની ભલે ને લાંબી રહી, આપણે શું કામની?
એ ખ્યાલ રાખી વ્યક્તિ પોતાની ક્ષમતા, પરિસ્થિતિ અને ઉપલબ્ધતાને ધ્યાને લઈ, બીજાના ટેકાની અપેક્ષા વગર જાતે કાર્ય પાર પાડવા, હતાશ થયા વિના હિંમતથી મથામણ કરે, તે મનની આર્ત્મનિભરતા. બીજાની પાસે ભલે ને રૂપાળી હોડી હોય, પણ મારી પાસે તુંબડું તો છે ને. એના સહારે હું તરી જઇશ. આવી ભાવના વ્યક્તિને માનસિક આર્ત્મનિભર બનાવે.આવી મનની આર્ત્મનિભરતા થકી હૈયાની વાત કરતાં સાંઈ કવિ મકરંદ દવે કહે છે –
“કોયલ તો કોઈનો ટહુકો ન માંગે ને
મોરલો કોઈની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા ?
રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના ?
પોતાને તુંબડે તરીએપ.
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ”
પર્યાવરણ પ્રદૂષણની સાથે સાથે મનનું પ્રદુષણ પણ એટલું જ વ્યાપક બન્યુ છે. માનસિક દુર્બળતા વધી છે. તેના કારણે માણસમાં આત્મવિશ્વાસ અને યુયુત્સૂવૃત્તિનો અભાવ છે. આજે વ્યક્તિને ખોટું અને અન્યાય સહન કરવાની આદત પડી ગઈ છે. માણસ સાથે ખોટું થાય કે અન્યાય લાગે તો, તરત જ વ્યક્તિ કહે કે – ‘કોણ માથાકૂટ કરે યાર જવા દો ને’. પણ, ખોટાને સહન કરવું એ માનસિક દુર્બળતા છે. નૈતિક હિંમતના અભાવે આજે વ્યક્તિ અન્યાય સામે પોતે લડતો નથી, સાથે સહન પણ કરી શકતો નથી. એ એમ વિચારે છે કે આને માટે કોઈ બીજાે લડે. પોતાને થયેલા અન્યાય અને પોતાનો હક મેળવવા માટે બીજાનો આશરો શોધે છે. ક્યારેક તે શાસનમાં શોધે છે, તો ક્યારેક કોઈક નેતા કે ફરીસ્તામાં, તો ક્યારેક કોઈ ચોથી જાગીર પાસે. પણ તેને પોતાની જાતમાં નથી ભરોસો રહ્યો, કે નથી જાતે લડવાની હિંમત. આજે દરેકને પ્રમાણિકતા જાેઈએ છે, ભ્રષ્ટાચાર મુક્ત વાતાવરણ જાેઈએ છે, પણ તેની શરૂઆત બીજાથી થાય એવી અભિલાષા છે. પોતાનાથી શરૂઆત કરવી દરેકને કઠે છે. આ છે માનસિક પરાવલંબન. આજે વ્યક્તિ હિંમતના અભાવે કે પછી સલામત રહેવા બીજાના ખભે બંદૂક ફોડવી કે પારકા સાંથે વાડ કરાવવામાં ઉસ્તાદ બન્યો છે.
આ માનસિક પરાવલંબન નહી તો બીજું શું ? પોતાના અન્યાય માટે વ્યક્તિએ પોતે જ લડવું પડે. તો જ એની મજા. બાકી તો, ધોની રમે અને ત્રાબોટા જ પાડવાના! મનથી આર્ત્મનિભર થવા વ્યક્તિએ પોતાના અન્યાય માટે, પોતાના હક માટે અને સત્યનિષ્ઠા માટે લડવા ની હિંમત કેળવવી જાેઈએ.જરૂર લાગે ત્યાં બોલવું પણ પડે, અને પડકાર ફેંકવો પડે. આવી તન, મન અને ધનની આર્ત્મનિભરતા માટે કવિ ચૈતન્ય જાેશી લખે છે-
“આપ મુવા વિના સ્વર્ગે જવાય નહીં, બીજાના અનુભવે આગે ધપાય નહીં.
આપણું કામ આપણે જ કરવાનું છે, અવરના ભરોસે બેસી રહેવાય નહીં.
બીજાની મહેનતે આપણી સફળતા, બીજાના ખંભે બંદૂક રાખી ફોડાય નહીં.
સ્વાવલંબનને આર્ત્મનિભર છે પર્યાય, એ વિના ભવસાગર પાર ઉતરાય નહીં.
જાત મહેનત ઝિંદાબાદ અનુસરવાનું પારકા પગે ચાલી આગળ વધાયનહીં.”
આર્ત્મનિભરતા એટલે જાત પર ભરોસો, પોતાની મહેનત અને આવડત પર ભરોસો, પોતાના કૌશલ્ય અને કૌવત પર સો ટકાનો વિશ્વાસ.