‘અરવલ્લી’ ની ઊંચાઈ અને ‘હાઈન્કા’ ના હાર્દ સમી બહુમુખી પ્રતિભાને ઉજાગર કરતો ગ્રંથ
૧ લી એપ્રિલ, જેમનો જન્મદિવસ છે એવા એક સર્જકના જીવન અને કવનને આલેખતા પરિચય માટે તમને કરાવવો છે.
કોઈપણ સર્જક માત્ર એક સરેરાશ વ્યક્તિ નથી. કેટલીયે સંવેદના, ને વેદનાનો એક સમૃધ્ધ ભાવપિંડ હોય છે. તતે જાણ્યા – અજાણ્યા કેટલાય પરિબળોને ચિત્તમાં જીલે છે. સંવેદે છે, સેવે છે, પ્રત્યેક પરિસ્થિતિ અને પરિવેશ વડે અનાયાસ જ પોતાના આંતરસંવિદ્ને સમૃધ્ધ કરતો રહે છે. કેટલીક જન્મદત્ત પ્રતિભા અને કેટલીક મથામણ પછી શબ્દ જન્મતો હોય છે – સર્જનાત્મક શબ્દ. આ રીતને ચળાઈને, રસાઈને, ઘડાઈને, ઘૂંટાઈને આવતો શબ્દ કલા છે. શબ્દ બ્રહ્મ બને છે. તજજન્ય રસાનંદ બ્રહ્માનંદ સહોદર હોય છે આપણે ઉપલબ્ધ શબ્દનો મહિમા કરીએ છીએ. કિન્તુ શબ્દનો સાક્ષાત્કાર કરનાર સર્જકના ચિત્તમાંથી કેટલીક ક્રિ-પ્રક્રિયા પછીની એ પરમ કે ચરમ પરિણતિ હોય છે. આમ તો આપણે કૃતિ કે આકૃતિનો જ મહિમા કરતા હોઈએ છીએ. પરંતુ તદ્ નિમિતે સર્જકના ભાવ વિશ્વના ખંડ-ઉપખંડમાં વિરહવું અત્યંય રોચક બની રહે. કેમ કે સ્રષ્ટા અત્યંત તરલ લવચિક છતાં ભાવ પ્રણવ ઘટન – વિઘટનનો તેજસ્વી પૂંજ છે. સર્જનની પ્રક્રિયાને પૂર્ણતયા સમજાવવી કપરી છે, સર્જકના ચિત્તમાં જીવનશૈલીમાં ઘડતર પ્રાપ્ય પરિવેશમાં, અનીતમાં, અનુભવમાં ડોકીયું કરવાથી કિંચિત એની અડોઅડ આવ્યાનો અહેસાસ થાય પણ ખરો. આ સંદર્ભે સર્જકની વાડ મય પ્રતિમાને એમના જીવન વડે પામવાના પ્રયાસમાંથી બહુ આયામી પરિણામોને પરિમાણો પ્રાપ્ત થાય છે.
છતાં એક સર્જક માટે ‘ગામડું, પાદક, શેરી, વનરાજી, પશુપંખીઓ, તળાવ, શેઢા, ખેતી, તૂટેલા છાપરાંવાળી નિશાળ, ગોઠિયાઓ, ધૂળ-ઢેફાં ને માટીનો અસબાલ.. માનવ ઘડતર માટે આ બધી દુનિયા એને પોતાની અંદર ડોકીયું કરવાની તકો પુરી પાડતી હોય છે.’ એમ જેના વિશે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કહે છે એવા સર્જન ચેતનાના અવિષ્કારની સર્જક પ્રતિભાને શબ્દ પ્રતિભાને નાણવા અને માણવા તેમજ વ્યક્તિ મુદ્રો સમગ્રતયા ઉજાગર કરવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવેલો તેના પરિણામ સ્વરૂપ પ્રગટેલ ગ્રંથ આજે આપણી સામે છે.
‘કિશોરસિંહ સોલંકી શબ્દ અને સર્જક’ ગ્રંથમાં તેના બંને સંપાદકો ૧, નરેશ શુકલ, ર, નિસર્ગ આહિરે કિશોરસિંહ સોલંકીના વિવિધ પુસ્તકો પર થયેલા સમીક્ષા લેખો, અવલોકનો, આસ્વાદો, અને અભિપ્રાયોને પ્રથમ વિભાગમાં સમાવ્યા છે. તો બીજા વિભાગમાં કિશોરસિંહ સોલંકીના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓથી માંડીને ગુજરાતની ખ્યાતનામ હસ્તીઓ તરફથી સાંપડેલ સ્મૃતિખંડો સમાવ્યા છે. આ બધામાં અલગ અલગ કોતરાયેલ કિશોરસિંહની છબિ આ પુસ્તકમાં સમગ્ર રૂપ પામે એવો કંઈક આશય આ સંપાદનનો છે.
આમેય, માનવજાત યુગોથી મથી રહી છે. માનવ જાતને સુખી કરવા અને એટલે જ અનેક માનવો સતત કશુંક શોધવા, કશુંક નવું કરવા મથ્યે જતાં હોય છે. એમાંથી કોઈ મોટા માથારૂપે ઉભરી આવે તો કોઈની નોંદ લેવાની રહી પણ જાય… પણ એથી પેલા ભુલાઈ ગયેલાનું મૂલ્ય ઘટતું તો નથી જ. આવા ‘માનવ’ માટે કલાના માધ્યમથી મથેલા કિશોરસિંહના કાર્યની સમીક્ષા થાય, મર્યાદાઓ અને વિશેષતાઓ બને ઊભરી આવે અને પરિપાક રૂપે એક નાનકડું સત્ય પણ સિધ્ધ થાય તો આખોય પુરૂષાર્થ સાર્થક નિવડે છે.
ઝાડનું ગીત, ગામ, ઋતુ વગેરે કૃતિઓથી આરંભાયેલી કિશોરસિંહની શબ્દ યાત્રા – સર્જન યાત્રા આજે કવિતા, નવલકથા, નવકિલા, નિબંધ, પ્રવાસ, લેખન, વિવેચન ને સંપાદન એમ વિવિધ પરિપાટીમાં પુસ્તકો રૂપ ઉપલબ્ધ છે. શબ્દાર્થને અને પ્રમાણ્યો છે. ગ્રામ જીવનના તળપદા જીવન રંગોથી માંડીને મહાનગરની કૃતક અને આભાસી જીવન શૈલી અને વિદેશ પ્રવાસની નિપજ રૂપ માનવ વૈવિધ્ય, ભિન્ન ભિન્ન સ્વરૂપે તેમના સર્જન પાશમાં બંધાતા રહ્યા છે. તેમણે જનસભા, સંદેશ, ગુજરાત સમાચાર જેવા ખ્યાતનામ દૈનિકોમાં કટાર લખી છે ને પ્રતિષ્ઠિત સામાયિકોમાં સાહિત્ય પ્રગટ થતું રહે છે. વર્તમાન સમયમાં પણ ‘સંદેશ’ દૈનિકમાં તેઓ ‘શબ્દસર’ નામની કોલમ લખે જ છે. પારિતોષિક ઈત્યાદિની આંધળી ખેવનાથી તેઓ દૂર રહ્યા છે. આમ છતાં ‘ક્રિટીક્સ એવોર્ડ’ અને બ.ક.ઠાકોર પારિતોષિક થી તેમને નવાજવામાં આવ્યા છે.
સમગ્રયતા સાહિત્યકાર કિશોરસિંહ સોલંકીના જન્મથી માંડીને અદ્યાપિપર્યત જીવનકાળમાં ડોકીયું કરીશું તો વૈવિધ્યથી ભરેલી એક સમૃધ્ધ આંતર સંપદા હાથ લાગશે. નિજી અનુભવો, બ્રાહ્મ પરિબળો, જનપરિવેસ, જાહેર જીવનની અનુભૂતિ, દેશ – વિદેશના પ્રવાસનો પ્રભાવ, સાહિત્યનું પરિશીલન, બદલાયે જતી તાસીર પરત્વેનું મનોમંથન આ બધું સાથે મુક્તા એક મંથન મગ્નને બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક પ્રત્યક્ષ થાય છે. જાે કે જીવાયે જવા જીવન પરત્વેનો તેમનો અભિગમ ગંભીર નથી. તેઓ હળવાશથી પ્રાપ્ય સંજાેગોને જીવી જાણે છે. તેમને મળતાં એક પારંપરિક કલ્પના ગત સર્જનની નહિ, જીવનરસથી છલોછલ વ્યક્તિને મળ્યાનો અહેસાસ થાય છે. તેઓ સૌમ્ય, મૃદુને મિતભાષી, આત્મીય લાગે તેવા માણસ છે. રાજકારણમાં સક્રિય હોવા છતાં રાજકારણીની પ્રચલિત એવી રૂક્ષ છાપ તેમને મળતાં જ ખોટી પડે.
મતલબ કે રાજકારણીના ગંદવાડથી તેઓ દૂર રહ્યા છે. તેમના ઉદારવાદી અને ‘સત્યવાદી વલણને કારણે જ કદાચ તેઓ સફળ રાજકારણી થઈ શક્યા નથી. પરંતુ સાહિત્ય સર્જનમાં તેમની આંચતિક નવલકથાઓ ‘મશારી’ અને ‘વીરવાડા’ કાબિલેદાદ છે. તો વળી આ પુસ્તક પ્રગટ થયા પછી લખાયેલી છપાયેલી અને ખુબ વખણાયેંલી નવલકથા ‘ અરવલ્લી’ તો ગુજરાતના સીમાડા બહાર હિન્દીમાં અનુવાદ પામી છે. એ જ રીતે જાપાનીઝ કાવ્ય પ્રકાર હાકુ અને તાન્કાનો સમન્વય સાધીને એક વૈશ્વિક કાવ્ય પ્રકારમાં ‘હાઈન્કા’ નામે નવતર પ્રયોગ કરી કાવ્યક્ષેત્રે એક નવું જ પરિણામ રચી આપ્યું છે. તેવા કિશોરસિંહ સોલંકી નિવૃત્તિ પછી પણ સતત પ્રવૃત્તિઓમાં રહી શબ્દને વધારે ને વધારે ઉર્ધ્વગામી, ઉન્નત કરતા રહ્યા છે અને શબ્દની પરમ કે ચરમ સર્જનાત્મક ક્રિયા-પ્રકિયાને આવકારવાને અવતારવા સતત આતુર છે ત્યારે એમની પાસે અનાગતમાં વધારે સત્વશીલ સર્જકો પ્રાપ્ત થતાં રહે તેવી શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું.
કિશોરસિંહ સોલંકી શબ્દ અને સર્જક
સંપાદકો – નરેશ શુકલ – નિસર્ગ આહિર
પ્રકાશક – પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ