વરસાદી પાણી અને ગટરનું પાણી સોસાયટીમાં જ ભરાઈ રહેતું હોઈ રહીશો ત્રાહિમામ
પાલનપુરમાં ભારે વરસાદથી સમગ્ર શહેરમાં જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. ત્યારે પાલનપુરના જુના લક્ષ્મીપુરામાં આવેલ રામદેવ નગરમાં આજદિન સુધી વરસાદી પાણીના નિકાલની કે ગટરની કોઈ વ્યવસ્થા ન હોઈ સ્થાનિક રહીશો અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે.પાલનપુરના જુના લક્ષ્મીપુરામાં આવેલ રામદેવ નગરમાં 105 મકાન અને પ્લોટ આવેલ છે. અહીંના રહીશો પાલનપુર નગરપાલિકાના તમામ વેરા ભરે છે. છતાં આજદિન સુધી આ સોસાયટીમાં ગટર વ્યવસ્થા કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે. સ્થાનિકો ના જણાવ્યા મુજબ, વરસાદી પાણી ના નિકાલ માટે પાઇપ લાઇન નાખવામાં આવી નથી. ગટર વ્યવસ્થા પણ નથી. જેથી સોસાયટીનું ગટરનું ગંદુ પાણી અને વરસાદી પાણી સોસાયટીના કોમન પ્લોટમાં ભરાઈ રહે છે. જેને લીધે પાણી ઓસરતું ન હોઈ માખી મચ્છરોના ઉપદ્રવ વચ્ચે રોગચાળાની દહેશત સેવાઈ રહી છે.
વરસાદી પાણી ભરાઈ જવાથી શાળા એ જતા બાળકો સહિત અબાલ વૃદ્ધ સૌ કોઈ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સોસાયટીમાં સ્કુલ વાન સહિતના વાહનો પણ ફસાઈ જતા હોઈ અંદર આવતા નથી. ત્યારે સાજા માંદા કે ઇમરજન્સી ટાણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે 2023 થી આજદિન સુધી પાલિકાથી લઈને સ્થાનિક નગરસેવકો, ધારાસભ્ય, સંસદ સભ્ય, કલેકટર અને સી.એમ. સુધી રજુઆત કરવા છતાં પરિણામ આવ્યું નથી. ત્યારે રામદેવ નગરના રહીશો આંદોલન નો માર્ગ અપનાવે તે પૂર્વે જવાબદાર તંત્ર તેઓને સમસ્યામાંથી છુટકારો અપાવે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.
દબાણોના પાપે સોસાયટી રહીશો પરેશાન
રામદેવ નગરના રહીશોનું માનીએ તો, સોસાયટીના લે-આઉટ પ્લેનમાં વરસાદી પાણીના નિકાલ માટે જગ્યા (ગલી) છોડવામાં આવી હતી. જોકે, આ ગલીમાં લોકોએ પાકું બાંધકામ અને પુરાણ કરી દબાણો કર્યા છે. જેનો ભોગ રામદેવ નગરના રહીશો બની રહ્યા હોઇ જવાબદાર તંત્ર સ્થળ નિરીક્ષણ કરી આ દબાણો તોડાવી રામદેવ નગરને સમસ્યા મુક્ત કરે તેવી માંગ ઉઠી છે.