વર્ષો જૂની સમસ્યા બરકરાર: લોકોમાં ઉગ્ર રોષ, આંદોલનની ચીમકી
ભારે વરસાદની આગાહી ને પગલે પાલનપુરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જેમાં ગત રાત્રિથી આજે વહેલી સવાર સુધીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે પાલનપુરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેમાં શહેરનાં મફતપુરા અને જનતા નગર વિસ્તાર તો બેટમાં ફેરવાયો હતો.
પાલનપુરમાં રાત્રિના 2 વાગ્યાથી મેઘરાજાની પધરામણી થઈ હતી. પાલનપુરમાં ભારે વરસાદને પગલે 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં શહેરના વોર્ડ નં.4 માં આવેલ મફતપુરા અને જનતા નગર વિસ્તાર તો બેટમાં ફેરવાયો હતો. લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળતા સગા-સબંધીઓના ત્યાં આશરો લેવાની ફરજ પડી હતી.
વરસાદી પાણીના નિકાલના અભાવે મફતપુરા અને જનતા નગર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના પગલે લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની ઘર વખરીને ભારે નુકસાન થયું હતું. જોકે, વર્ષો જૂની સમસ્યાનો નિકાલ થતો ન હોઈ દર ચોમાસે વરસાદ તારાજી સર્જી રહ્યો છે. ત્યારે અકળાયેલા લોકોએ ના- છૂટકે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હોવાનું સ્થાનિક અગ્રણી સાજીદ મકરાણીએ જણાવ્યું હતું.
દર ચોમાસે હાલ બેહાલ; મફતપુરા અને જનતા નગરમાં 700 થી વધુ શ્રમજીવી લોકો રહે છે. જેઓ દર વર્ષે ચોમાસામાં ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. પરંતુ તંત્રના પેટનું પાણી એ હલતું નથી. ત્યારે રોષે ભરાયેલા લોકોએ તંત્ર સામે ફિટકારની લાગણી વરસાવી હતી.