બાંધકામની ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા રૂ.3 લાખની માંગી હતી લાંચ; બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત જિલ્લા સેવા સદન-2 માં કાર્યરત સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રમાં ફરજ બજાવતા મહિલા નાયબ કલેકટર અને કચેરી અધિક્ષક રૂ.3 લાખની લાંચ લેતા ગાંધીનગર એસીબી ના છટકામાં સપડાઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યુ હતું. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનુ ચલણ ઝડપથી આપવા સારૂ એક મકાનના રૂ.1,50,000/- લેખે બે મકાનના રૂ.3,00,000/- લાંચની માંગણી કરાઈ હતી. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોઇ તેઓએ ગાંધીનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.
જેથી ગાંધીનગર એસીબી એ આજરોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ત્યારે છટકા દરમ્યાન આરોપી નં.1 ઇમરાન ખાન બિસ્મીલ્લાખાન નાગોરી, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-3, (ચાર્જ-કચેરી અધિક્ષક), નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, મુલ્યાંકન તંત્રની કચેરી, જીલ્લા સેવા સદન-2, પાલનપુર, બનાસકાંઠાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી લાંચના નાણાં રૂ.3 લાખ સ્વિકારી તે નાણાં આરોપી નં.2 અંકીતાબેન બાબુલાલ ઓઝા, ઉ.વ.36, નાયબ કલેક્ટર, વર્ગ-1, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની કચેરી, જીલ્લા સેવા સદન- 2, પાલનપુર, બનાસકાંઠાનાઓને તેમના ચેમ્બરમાં આપી, બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી સ્થળ ઉપર પકડાઇ જઇ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કરતા પકડાઈ ગયા હતા. એસીબી ગાંધીનગરે મહિલા નાયબ કલેકટર અને ઇ.ચા. કચેરી અધિક્ષકને ઝડપી લઈ લાંચની રૂ.3 લાખની રકમ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આખરે સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર એસીબી ના સંકજામાં; પાલનપુરમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના મહિલા નાયબ કલેકટર એસીબીના સંકજામાં આવી જતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટી ના વ્યવહારને લઈને નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં હોવાની બુમરાણ મચી હતી. ત્યારે સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ઇમરાન નાગોરીને એસીબીએ રૂ.ત્રણ લાખની લાંચ લેતા ઝડપાઇ જતા ભ્રષ્ટ સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દરમિયાન, એસીબી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળો એ સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ સાંપડયા છે.