યુવક પર તલવાર વડે હુમલા બનાવમાં મહિલા સહિત છ આરોપીને પાંચ વર્ષ સખત કેદની સજા..!
પાલનપુરના જનતાનગરમાં વર્ષ 2021 માં ઘર આગળ ઝગડા નહિ કરવાનું કહેવા જતા છ વ્યક્તિઓ દ્વારા યુવક પર તલવાર અને ધોકા વડે હુમલો કરાયો હતો. જેમાં યુવક ગંભીર ઘાયલ થયો હતો. જે અંગે છ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. જે કેસ પાલનપુરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે છ આરોપીને પાંચ પાંચ વર્ષ સખ્ત કેદની સજા અને પાંચ પાંચ હજાર દંડ ફટકાર્યો છે.
પાલનપુરના જનતા નગરમાં ગત તા.મે 2021 ના રોજ પ્રવિણભાઇ શાંતિભાઇ પટણી નામના યુવકે તેમના ઘર આગળ હોબાળો અને ઝગડા નહિ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા સમીર ઉર્ફે પારલે રફીકખાન નાગોરી, શરીફાબેન ગુલાબખાન નાગોરી, મોઈન નવાબખાન પઠાણ,આસિફ ઉર્ફે બાદશાહ એહસાન વાઘેલા, ફૈસલ ઉર્ફે ખોરી બિસ્મિલ્લાખાન પઠાણ અને અરબાઝ અયુબભાઇ સિંધીએ પ્રવીણભાઇ પટણી પર તલવાર અને ધોકાઓ વડે હુમલો કરી માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે આરોપીઓ સામે પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ પાલનપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ શુભદા કૃષ્ણકાંત બક્ષીએ આધાર પુરાવાને ધ્યાને લઇ આરોપીઓને તકસીરવાર ઠેરવી ઉપરોક્ત તમામ છ આરોપીઓને પાંચ પાંચ વર્ષ સખ્ત કેદની સજા અને પાંચ પાંચ હજારનો દંડ કરતો ચુકાદો આપ્યો છે.

