પાલનપુર શહેર પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા અઢી મહિનામાં થયેલી 6 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 6,19,979નો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અંતર્ગત પાલનપુર શહેર પૂર્વ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. 1 જૂન 2023ના રોજ એક ઘરમાંથી રૂ. 1.23 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી.
પોલીસે PI પૂર્વ શહેર પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન હેઠળ 200થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા. બાતમીના આધારે પોલીસે પ્લસર મોટરસાઇકલ (GJ-08-DQ-0497) પર સવાર બે શખ્સોને પકડ્યા હતા. મુખ્ય આરોપી રમેશભાઇ છત્રાભાઇ રાજુજી ઠાકોર (રહે. નવા લક્ષ્મીપુરા, પાલનપુર) અને એક કિશોર પાસેથી રૂ. 4,21,979ના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પૂછપરછમાં તેમણે પાલનપુર શહેર પૂર્વ અને પશ્ચિમ પોલીસ વિસ્તારમાં 6 ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, 3 મોબાઇલ ફોન અને મોટરસાઇકલ સહિત કુલ રૂ. 6,19,979નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે પાલનપુર શહેર પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.