પાલિકાના ઉપપ્રમુખ સોમવારે પ્રમુખપદનો ચાર્જ સંભાળશે; ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં શાસક પક્ષના આંતરિક કલહ વચ્ચે પાલિકા પ્રમુખ રજા ઉપર ઉતરી જતા ઉપ પ્રમુખને પાલિકા પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. ત્યારે ઉપ પ્રમુખ સોમવારે પાલિકા પ્રમુખનો પદભાર સંભાળશે.
પાલનપુર નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના નગરસેવકોમાં આંતરિક કલહ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. સફાઈ કૌભાંડ બાદ પાણી પુરવઠાનું કૌભાંડ ઉજાગર થતા વિવાદ વધ્યો હતો. ત્યારે જવાબદાર ચેરમેનો સામે પગલાં ભરવાની માંગ ખુદ શાસક પક્ષના નગરસેવકોએ કરી હતી. દરમિયાન, આજે ખુદ પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી રજા પર ઉતરી ગયા હતા. જેથી પ્રમુખ પદ હવે ઉપપ્રમુખના શિરે આવ્યું છે. ત્યારે પાલિકાના ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ સોમવારે 12:39 વાગે પોતાના શુભેચ્છકો ની ઉપસ્થિતિમાં પ્રમુખપદનો પદભાર સંભાળશે. જોકે, નવ યુવાન અને કઈક કરી બતાવવાની તમન્ના ધરાવતા નાગજીભાઈ દેસાઈ પોતાના કાર્યકાળ દરમિયાન પાલિકાના વહીવટને વધુ લોકાભિમુખ બનાવશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
ભાજપની ડેમેજ કંટ્રોલ કવાયત; જોકે, પાલિકામાં શાસક પક્ષના નગર સેવકોની આપસી જુથબંધી માં પાલિકા પ્રમુખનો ભોગ લેવાયો છે. ત્યારે પાલિકા પ્રમુખનો ભોગ લઈ ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરનાર ભાજપ મોવડી મંડળ અન્ય વિવાદિત પદાધિકારીઓ સામે પણ પગલાં ભરશે ખરા? તે સવાલ ચર્ચાની એરણે ચડ્યો છે.

