દબાણો અંગે સમજૂતી કરવા વ્યવસ્થાપકો સાથે ચર્ચા કરાઇ
સ્થળ તપાસ કર્યા બાદ દબાણો રેગ્યુલર કરવા કે દૂર કરવા તે અંગે રિપોર્ટ કરાશે; સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાલનપુરમાં 33 મંદિરો દબાણમાં હોવાનું સામે આવતા તમામને નોટિસ આપવામાં આવી છે. નોટીસમાં દૂર કરવા, રીલોકેટ કરવા કે નિયમિત કરવા કહેવામાં આવ્યું છે. જેને લઈ પાલિકામાં મંદિરો ના વ્યવસ્થાપકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમજૂતી અંગે ચર્ચા કરાઇ હતી.
પાલનપુર શહેરમાં જાહેર માર્ગોને અડીને આવેલા 33 મંદિરોના ધાર્મિક દબાણમાં હોવાનું નગરપાલિકાના અગાઉ કરાયેલા સર્વેમાં સામે આવતા આ તમામ ધાર્મિક દબાણો મામલે નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં જેતે મંદિર વહીવટકર્તાઓને ધાર્મિક દબાણ દૂર કરવા, અન્યત્ર ખસેડવા કે નિયમિત કરવા જણાવાયું હતું. જોકે પાલિકા દ્વારા માત્ર તમામ મંદિરોને જ નોટિસ પાઠવતા વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનોમાં આક્રોશ ફેલાયો હતો. જેને લઇ પાલિકા દ્વારા તમામ ધાર્મિક દબાણોના વ્યવસ્થાપકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જે તે મંદિરનું વર્ણન, વ્યવસ્થાપક નું નામ, મંદિરનું દબાણ દૂર કરવા માંગો છો કે અન્યત્ર ખસેડવા માંગો છો કે નિયમિત કરાવવા માંગો છો તે અંગે ચર્ચા કરાઇ હતી. જે બાદ ધાર્મિક દબાણો અંગે રિપોર્ટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ક્યા ક્યા વિસ્તારના મંદિરોને નોટિસો અપાઈ હતી; પાલનપુર શહેરના ઢુંઢિયાવાડી, રેલ્વે ક્વાટર, ગુરુનાનક ચોક, નવા લક્ષ્મી નગર, ટેલિફોન એક્સચેન્જ,મહિલા મંડળ, વડલીવાળો પરુ, મીરા દરવાજા,ગઠામણ દરવાજા,ગોબરી રોડ, વીરબાઈ ગેટ, ગણેશપુરા, સલેમપુરા દરવાજા, લક્ષ્મીપુરા રોડ, ગાયત્રીનગર સહિતના જુદા જુદા 33 મંદિરોને નોટિસો અપાઇ હતી.