પાલનપુર નગરપાલિકાએ આખરે પાઇપો બદલવી પડી..!

પાલનપુર નગરપાલિકાએ આખરે પાઇપો બદલવી પડી..!

પાઇપો બદલાતા હલકી ગુણવત્તાની પાઇપો નંખાઈ હોવાનું પુરવાર

પાલિકાને ચુનો ચોપડી નગરજનોને હલકી પાઇપો પધરાવનારાઓ સામે પગલાં ભરાશે ખરા; ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં બેચરપુરામાં હલકી ગુણવત્તાની પાણીની પાઇપ લાઇન નાખવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેને લઈને તો ભાજપમાં ઘમાસાણ મચ્યું હતું. ત્યારે બેચરપુરામાં નાખેલી હલકી પાઇપો બદલીને હવે નવી ગુણવત્તા યુક્ત પાઇપો નાખવામાં આવતા ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદ સાચી ઠરતા મામલો ફરી ગરમાયો છે.

પાલનપુર નગરપાલિકામાં બેચરપુરા વિસ્તારમાં પાણી પુરવઠા શાખા દ્વારા પીવાના પાણીની પાઇપ લાઈનનું કામ ચાલતું હતું. જેમાં હલકી ગુણવત્તાની પાઇપો નાંખવા મામલે કારોબારી ચેરમેન અને પાણી પુરવઠા ચેરમેન આમને-સામને આવી ગયા હતા. જેને પગલે પાલિકાનો આંતરિક કલેહ બનાસ કમલમ સુધી પહોંચ્યો હતો. જોકે, અસમંજસમાં રહેલું ભાજપ મોવડી મંડળ હજી સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યું નથી.

દરમિયાન, પાલિકા દ્વારા બેચરપુરામાં નાખવામાં આવેલી પાઇપો બદલવાની ફરજ પડી છે. અગાઉ અંદાજે રૂ.510 ના ભાવની હલકી ગુણવત્તાની પાઇપો નંખાઈ હતી. જે બદલીને હવે રૂ.1100 ના ભાવની આઈએસઆઈ માર્કાનીરિંગ ફિટ પાઇપો ટેન્ડર મુજબની નાખવામાં આવતા મામલો ફરી એકવાર ગરમાયો છે. પાઇપો બદલાતા અગાઉ હલકી ગુણવત્તાની પાઇપો નંખાતા ગેરરીતિ આચરાઈ હોવાનું પુરવાર થતા ફરી એકવાર મામલો ભાજપ હાઈ કમાન્ડ સુધી પહોંચશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

જ્યા નંખાઈ ગઈ તેનું શું; પાલનપુર નગરપાલિકામાં શહેરમાં ઠેરઠેર પીવાના પાણીની પાઇપો બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી. જ્યાં અગાઉ વોર્ડ નં.3 માં હલકી ગુણવત્તાની પાઇપો નાખતા પકડાઈ હતી અને હોબાળો થયો હતો. બાદમાં વોર્ડ નં.9 માં હલકી ગુણવત્તાવાળી પાઇપો પકડાઈ હતી. જેમાં ટેન્ડર મુજબની અંદાજે 1100 ની કિંમતની રિંગ ફિટ આઈએસઆઈ માર્કાની પાઇપો નાખવાને બદલે રૂ.510ની કિંમતની હલકી ગુણવત્તાની પાઇપો નાખવામાં આવી હોવાની રાવ ઉઠી હતી. જે અંગે હોબાળો થતાં પાઇપો બદલવી પડી છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જે-તે વોર્ડમાં આવી હલકી ગુણવત્તાની પાઇપો નંખાઈ ગઈ છે તેનું શું??? પાલિકાને ચુનો ચોપડી નગરજનોને હલકી પાઇપો પધરાવનારા કોન્ટ્રાક્ટર સહિતના જવાબદારો સામે પગલાં ભરાશે ખરા? કે પછી પગલાં ભરનારાઓ પણ વહેતી ગંગામાં હાથ ધોઈ લેશે? તેવા સવાલો ચર્ચાની એરણે ચડ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *