વિપક્ષ નેતાના પતિ પાસે પૈસા ભરાવીને પણ માહિતી આપતા ન હોવાની રાવ
સફાઈની કામગીરીને લગતી માહિતી છુપાવવામાં કોને રસ?
વિપક્ષી નેતા સહિત કોંગ્રેસી નગરસેવકો અવાજ ઉઠાવશે ખરા; ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં સફાઈની કામગીરીમાં ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદ ખુદ ભાજપના જ પૂર્વ પાલિકા પ્રમુખે કરી છે. ત્યારે વિપક્ષે પણ સફાઈના કથિત કૌભાંડ મામલે માંગેલી માહિતી અધિકાર તળે માંગેલી માહિતી પૈસા ભરવા છતાં ન આપતા સફાઈ કૌભાંડમાં કંઈક રંધાયું હોવાની આશંકા પ્રબળ બની છે.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં ચીફ ઓફિસર ની “જીગર” હવે વધારે ખુલી ગઇ છે. તેઓ નગરપાલિકાના વિપક્ષ ના નેતાના પતિ પાસે માહિતી અધિકાર હેઠળ આપવાની જરૂરી માહિતીના પૈસા ભરપાઈ કરાવીને પણ તેમને માહિતી આપવા માટે ટટળાવી રહ્યા છે. ત્યારે અરજદારે જાહેર માહિતી અધિકારીને પત્ર લખી જો તેમને માહિતી નહીં મળે તો પ્રથમ અપીલ સત્તાધિકારીને અપીલ કરવાની ચીમકી આપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અરજદાર રમેશભાઈ સોલંકીએ પાલનપુર નગરપાલિકાના જાહેર માહિતી અધિકારી અને મુખ્ય અધિકારી પાસે જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ સેનિટેશન વિભાગની ડોર ટુ ડોર કચરા કલેક્શન અને રાત્રી સફાઈ અંગે ની કેટલીક જરૂરી માહિતી મેળવવા માટે નિયત અરજી કરી હતી. જેના જવાબમાં જાહેર માહિતી અધિકારીએ તેમને તા. ૧૫/૦૨/૨૦૨૫ ના રોજ માહિતી ના ખર્ચના રૂ. ૧૨૨૬/- કચેરીએ જમા કરાવવાનું જણાવેલ હતું. જેથી તેમણે તા.૦૧/૦૪/૨૦૨૫ ના રોજ કચેરીએ રૂા. ૧૨૨૬/- જમા કરાવેલ છે. ત્યારબાદ અરજદારે માહિતી મેળવવા માટે અવારનવાર મૌખિક રજૂઆત કરવા છતાં તેમને આજ દિન સુધી માહિતી મળી નથી. તેમણે જાહેર માહિતી અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, “આમ કરીને તમે માહિતી અધિકારનું ઉલ્લંઘન કરેલ છે. તદ્ઉપરાંત માહિતી સબંધિત શાખાને પદાધિકારી દ્વારા માહિતી ના આપવાનું જાહેર સૂચન કરવામાં આવેલ છે. જે પદાધિકારી દ્વારા ખુલ્લેઆમ માહિતી અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવેલ છે” તેવું જણાવી અંતે એવું જણાવ્યું છે કે, “તમામ માહિતી આપવાનું રાખશો અન્યથા નાછૂટકે અમારે પ્રથમ અપીલ સત્તાધિકારી સમક્ષ અપીલ કરવાનું કારણ ઉપસ્થિત થશે.”
ત્યારે મુદ્દાની વાત એ છે કે, વિપક્ષના નેતાના પતિએ માહિતી અધિકાર હેઠળ જરૂરી ફીના રૂપિયા ભર્યા છતાં એમને પણ નગરપાલિકા નકલો આપતી નથી ત્યારે એવા સવાલો ઉઠ્યા છે કે, પાલિકામાં વિપક્ષના નેતાના પતિ ને પણ જો પાલિકાના શાસકો ગાંઠતા ન હોય ત્યારે સામાન્ય અરજદારોની ફરિયાદોનો કેવો ઉકેલ આવતો હશે તે સમજી શકાય તેવી વાત છે. જોકે, પોતા ના પતિને માહિતી ન મળવા છતાં વિપક્ષના મહિલા નેતા સહિત કોંગ્રેસી નગરસેવકોનું ભેદી મૌન જોતા વિપક્ષ પ્રજા માટે તો ક્યાંથી અવાજ ઉઠાવશે? તે સવાલ નગરજનોને સતાવી રહ્યો છે. તો વળી સફાઈના કથિત કૌભાંડ મામલે માહિતી છુપાવવા નો પાલિકાના શાસકોનો પ્રયાસ જ તેઓની સામે શંકાની સોય તાકી રહ્યો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.