અમને પૂછ્યા વગર જમીન કેમ વેચે છે? તેમ કહી તકરાર કરનાર ઇસમ સામે ગુનો દાખલ; પાલનપુરમાં પોલીટેકનિક સામે આવેલ ખેતરમાં રાત્રીના સમયે આવેલ એક ઈસમે અમને પૂછ્યા વગર જમીન કેમ વેચે છે? તેમ કહી બોલાચાલી કરી તેની પાસે રહેલા બંદૂક જેવુ હથિયાર હવામાં તાકી અમને પૂછ્યા વગર જમીન વેચીસ તો જીવતો નહિ છોડવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પાલનપુરમાં સરકારી પોલીટેકનિક સામે ખેતર ધરાવતા માલણ ગામના નસરતખાન ફતેખાન ધાસુરા મંગળવારની રાત્રે ખેતરમાં હતા. તે દરમિયાન પાલનપુરમાં માલણ દરવાજા વિસ્તારમાં આવેલ ઝમઝમ સોસાયટીમાં રહેતા જાફરખાન અબ્દુલભાઈ સાંચોરા આવીને ખેતર માલિક સાથે અમને પૂછ્યા વગર જમીન કેમ વેચે છે? તેમ કહી તકરાર કરી ભૂંડી ગાળો બોલી હતી અને તેની પાસે રહેલ બંદૂક જેવું હથિયાર હવામાં તાકી જમીનનો કબજો કોઈને આપ્યો છે. તો જીવતો નહિ છોડુંની ધમકી આપતાં ખેતર માલિક અને તેનો પુત્ર ડરના માર્યા નાસી ગયા હતા અને બનાવ અંગે નસરતખાન ધાસુરાએ પૂર્વ પોલીસ મથકે તેમની સાથે તકરાર કરી ધમકી આપનાર જાફરખાન સાંચોરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.