પાલનપુર નગરપાલિકાને ક્લોરીનેશનની કામગીરી માટે કરાઈ તાકીદ
નાની બજાર-ત્રણ બત્તી વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસોને લઈને પાલિકાને સતર્ક રહેવા નિર્દેશ
પાણીજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ; ઉનાળાની ઋતુમાં સંભવિત રોગચાળાને લઈને બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર નગરપાલિકાને લેખિત માં પીવાના પાણીમાં ક્લોરીનેશન કરવા સહિતની જરૂરી તાકીદ કરાઈ છે.
ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો થવાની સંભાવના રહેલી છે. કોલેરા, ટાઈફોડ, ઝાડા -ઉલટી જેવા રોગો થવાની શકયતા રહેલી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર રોગચાળો ફેલાય નહિ તે માટે સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી ક્લોરીનેશન કરવાની તાકીદ કરાઈ છે. આ ઉપરાંત પાણીની ટાંકીઓ ની સફાઈ, લીકેજ દૂર કરવા અને ગટરોની સફાઈ કરી સ્વચ્છતા રાખવા પર ભાર મુકાયો હોવાનું એપેડોમયોલોજીસ્ટ ડો.ભારમલ પટેલે જણાવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હિટ વેવને સંબંધિત બીમારીઓ થી બચવા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગેની લોક જાગૃતિ કેળવવા માટે પણ આરોગ્ય તંત્ર કાર્યરત હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
પાલનપુર પાલિકાને કરાઈ તાકીદ; ઉનાળા દરમિયાન પાલનપુરમાં પાણીજન્ય રોગચાળાની દહેશત વચ્ચે આરોગ્ય તંત્રએ તકેદારીના ભાગરૂપે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે. જેમાં હાલમાં શહેરના નાની બજાર-ત્રણ બત્તી વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો હોઈ દરેક સમ્પમાં નિયમિત ક્લોરીનેશન કરવાની તાકીદ કરાઈ છે. ઉનાળા માં પાણીજન્ય રોગચાળાની સંભાવનાને પગલે પાલિકાને ઉભરાતી ગટરો દુરસ્ત કરાવવા, પાણીના તમામ સ્ત્રોતની સફાઈ કરી સ્વચ્છતા પર ભાર મુકવા જણાવ્યું છે. પીવાના પાણીની મેઈન ટાંકીની નિયમિત સફાઈ કરવા, શાળા-કોલેજોની-સંસ્થા ઓની ટાંકીની નિયમિત સફાઈ સાથે પાણીના તમામ સ્ત્રોતમાં નિયમિત ક્લોરીનેશન કરવાની તાકીદ કરાઈ છે.