અડધા કિલો મીટરના અંતરમાં સાત જેટલા મોટા ખાડાને લઇ દુર્ઘટના સર્જાવાની ભીતિ
પાલનપુરના કોલેજ રોડ પર આવેલ સર્વિસ રોડ પર ઠેક ઠેકાણે મોટા ભુવા પડી ગયા છે.જેને લઇ આ માર્ગે પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ કોલેજ પાસે ભૂવાને લઇ વીજ પોલને પણ નુકશાન થઇ શકે તેમ હોઇ આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતા દાખવવાની જરૂર છે.
પાલનપુરમાં વરસાદને લઇ ઠેર ઠેર રોડ રસ્તા પર ભુવા તેમજ ખાડા પડી જતા બિસ્માર માર્ગોને લઇ લોકોને તેમજ વાહન ચાલકોને અવર-જવર કરવામાં ભારે હાલકી વેઠવી પડી રહી છે. તેમ છતાં આ ડિસ્કો રોડનું સમારકામ કરવામાં આવતું નથી. જે વચ્ચે કોલેજ રોડ પર પશુ દવાખાના સામે પણ અડધા કિલો મીટરના અંતરમાં સાત જેટલા ભુવા પડ્યા છે જેમાં એક વીજ પોલ પાસે ભૂવો પડયો છે. જેને લઇ વીજ પોલને નુકશાન થવાની સાથે દુર્ઘટના સર્જવાની લોકોમાં ભીતિ સેવાઈ રહી છે. જેને લઈ જવાબદાર તંત્ર દ્વારા આ ભુવાઓનું યુધ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.