કોંગ્રેસના કાર્યકરોએ સુતેલા પાલિકા તંત્રને જગાડવા ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન યોજ્યું
અકસ્માતોને રોકવા માટે ખાડાઓ પર ચૂનો લગાવીને નિશાનીઓ કરાઇ; પાલનપુર શહેર જાહેર રોડ રસ્તાઓ પર છેલ્લા ત્રણ ત્રણ મહિના થી મોટા ખાડાઓ પડ્યા છે અને આ ખાડાઓ પુરવા માતબર રકમની ફાળવણી કરવામાં આવી હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા ખાડા પુરવામાં ન આવતા કોંગ્રેસના મહિલા નગરસેવક કાર્યકરો સાથે રસ્તા પર ઉતરી આવી અકસ્માતોને રોકવા ખાડાઓને ફરતે ચૂનાના નિશાન લગાવી તેમજ ઢોલ વગાડીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો
બનાસકાંઠા જિલ્લાનું વડા મથક પાલનપુર શહેરની વર્તમાન સમય ખડાનગર બની જવા પામ્યું છે પાલિકા દ્વારા વર્ષે લાખો કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બનાવવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરો તકલાદી કામ કરતા હોય આ રોડ સામાન્ય વરસાદમાં તૂટી રહ્યા છે જેમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં શહેરમાં આવેલાં મોટા ભાગના જાહેર રોડ રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે જેના સમારકામ માટે એક કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા ખાડા પુરવામાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેમાં દાંતા, અંબાજી,માલણ જેવા ગામોને જોડતા શહેરના કંથેરિયા હનુમાન રોડ પર ડગલે ને પગલે અડધા અડધા ફૂટના ખાડા પડી ગયા છે જેનું સમારકામ કરવામાં ન આવતા અહી પસાર થતા વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
પાલિકાની લાપરવાહીના કારણે તાજેતરમાં ભાદરવી પૂનમના લાખો પદયાત્રીઓ ને આ ખાડાઓમાંથી પસાર થવાની ફરજ પડી હતી તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા કોંગ્રેસના મહિલા નગરસેવિકા આશાબેન રાવલ સાથી કાર્યકરો સાથે રસ્તા પર ઉતરી આવી ઢોલ વગાડી ઉંઘતા પાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને ખાડાઓ ને લઇ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ખાડાઓને ફરતે ચૂનો લગાવી નિશાલ કરવામાં આવ્યા હતા.

