ટ્રાફિક ડાયવર્ઝન માટે અગાઉ મુજબનું જાહેરનામું પુનઃ બહાર પાડવાની પૂર્વ પ્રમુખની માંગ
પાલનપુરનું એરોમાં સર્કલની ટ્રાફિકની સમસ્યા જીવલેણ બનતી જાય છે. એક જ સપ્તાહ માં બે નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ ગઈ છે. છતાં તંત્ર ઠોસ કદમ ઉઠાવતું નથી. ત્યારે પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે. જેમાં અગાઉ મુજબ ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પુનઃ બહાર પાડવાની માંગ કરાઈ છે.પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોષી દ્વારા કલેક્ટર મિહિર પટેલને રજૂઆત કરાઇ છે. જેમાં જણાવ્યા મુજબ, પાલનપુર શહેરના એરોમા સર્કલ તેમજ હનુમાન ટેકરી વિસ્તારમાં ભારે ટ્રાફિક રહેવાને કારણે પ્રજાજનો ખૂબ જ હેરાન પરેશાન થતા હતા. આ ટ્રાફિકના પ્રશ્નના ઉકેલ માટે કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડેલ તેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ હળવો થઈ ગયેલ હતો. આ જાહેરનામું લોકો માટે ખૂબ જ આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું હતું. જેના કારણે પ્રજાજનો ખૂબ જ ખુશ હતા અને વહીવટી તંત્ર તેમજ સરકારનો ખુબજ આભાર વ્યક્ત કરી રહ્યા હતા.
જોકે, આ જાહેરનામાની મુદ્દત પૂર્ણ થતા હનુમાન ટેકરી, એરોમા સર્કલ ઉપર તેમજ ગઠામણ સર્કલ ઉપર ભારે ટ્રાફિક ચાલુ થઇ ગયેલ છે. થોડા સમય પહેલા એરોમા સર્કલની નજીક ભારે અકસ્માત થવાને કારણે એક નિવૃત કર્મચારી ચૌહાણ રાજા ભાઈ ધર્માભાઈનું અવસાન થયું હતું. જ્યારે ગઈ કાલે ગઠામણ સર્કલ પાસે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટમાં ફરજ બજાવતા વર્ક આસિસ્ટન્ટ જીનેશભાઈ જોષી, ઉ.વ. ૨૬, યુવાનવયે અકસ્માત થતા તેમનું અવસાન થયેલ છે. આમ, ટ્રાફિક સમસ્યા પ્રાણઘાતક બની રહી છે. ત્યારે આ જાહેરનામાની મુદ્દત લંબાવવા તેમજ ફરીથી તા. ૨૦-૦૨-૨૦૨૫ મુજબનું ટ્રાફિક ડાયવર્ઝન માટેનું જાહેરનામું બહાર પાડવા તેમજ આ પ્રશ્નનો ઉકેલ લાવવા વિનંતી કરાઈ છે.
કલેકટરને અંગત રસ દાખવવા અપીલ
જિલ્લા કલેકટરને અંગત રસ લઈ જુદા જુદા વિભાગના લાગતા વળગતા મુખ્ય અધિકારીઓ સાથે સંકલન કરી તાત્કાલિક અરજન્ટ મીટીંગ બોલાવી ભારે વાહનો અન્ય રસ્તાઓ ઉપર ડાયવર્ટ કરવા માટેનું જાહેરનામું ઝડપથી બહાર પાડવા વિનંતી કરાઈ છે. જરૂર જણાય તો મુખ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આરમ પટેલિયાનો સંપર્ક કરી તેમની મદદ લઈ આ પાલનપુર શહેરને ભારે ટ્રાફિકથી મુક્ત કરવા અને માનવ જિંદગી બચાવવામાં મદદરૂપ થવા પાલનપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોષીએ જિલ્લા કલેકટરને અપીલ કરી છે.

