અંગ્રેજો સમયનો કાયદો 3 એમ રદ કરી આઠમા પગાર પંચનો અમલ કરવાની ઉગ્ર માંગ
પાલનપુર ખાતે હેડપોસ્ટ ઓફિસ સામે ગ્રામીણ ડાક વિભાગના કર્મચારીઓએ વેતન સહિતની વિવિધ માંગણીઓને લઈ ધરણાં અને સૂત્રોચ્ચાર સાથે જોરદાર દેખાવો કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પોસ્ટ વિભાગમાં એબીપીએમ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવી પોતાની વેદના વ્યક્ત કરી હતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમને કેન્દ્ર સરકારના કર્મચારી તરીકે ઓળખ આપવામાં આવે છે, છતાં કેન્દ્રિય કર્મચારીઓને મળતા પૂરતા લાભોથી તેઓ વંચિત છે.
ડાક કર્મચારીઓના જણાવ્યા અનુસાર તેઓ રોજ સાતથી આઠ કલાક કામગીરી કરે છે, છતાં તેમની નોકરી માત્ર ત્રણ કલાકની ગણવામાં આવી વેતન ચૂકવવામાં આવે છે, જે ગંભીર અન્યાય છે. કામગીરી દરમિયાન તેમને ટાર્ગેટ આધારિત કામ સોંપવામાં આવે છે, પરંતુ તે પ્રમાણે વેતન કે ભથ્થાં મળતા નથી. ધોરણ 10 પાસ ઉમેદવારોને એબીપીએમ તરીકે ભરતી કરી ગ્રામ્ય સ્તરે ભારત સરકારની વિવિધ સેવાઓ જનતા સુધી પહોંચાડવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે છે.
કર્મચારીઓએ અંગ્રેજો સમયના કાયદા 3 એમને રદ કરી આઠમા પગાર પંચનો લાભ આપવા માગ કરી છે. જો તેમની માંગણીઓ સ્થાનિક સ્તરે સ્વીકારવામાં નહીં આવે તો દિલ્હીમાં જઈને આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. આ ધરણાંને કારણે પોસ્ટ વિભાગના કર્મચારીઓની સમસ્યાઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે.


