જાન્યુઆરીમાં પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. બંને ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આવી સ્થિતિમાં આ ટેસ્ટ શ્રેણી માત્ર એક ઔપચારિકતા છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ટેસ્ટ શ્રેણી માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ પહેલા પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી, જ્યાં તેને 0-2થી શ્રેણી ગુમાવવી પડી હતી. આ કારણોસર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટીમમાં 7 ફેરફાર કરવામાં આવ્યા છે.
ઈમામ ઉલ હક પાછો ફર્યો : સાજિદ ખાન અને અબરાર અહેમદ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે સ્પિન વિભાગને મજબૂત કરવા પરત ફર્યા છે. આ બંને ખેલાડીઓએ ઈંગ્લેન્ડ સામે ઘરની ધરતી પર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એકલા હાથે પાકિસ્તાની ટીમને ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળતા અપાવી હતી. ઓપનર બેટ્સમેન ઈમામલ ઉલ હકની વાપસી થઈ છે. તેણે વર્ષ 2023માં પાકિસ્તાની ટીમ માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. લાંબા સમય બાદ તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવે તેવી શક્યતા છે. તેણે પાકિસ્તાની ટીમ માટે 24 ટેસ્ટ મેચમાં 1568 રન બનાવ્યા છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે પાકિસ્તાની ટીમઃ શાન મસૂદ (કેપ્ટન), સઈદ શકીલ (વાઈસ-કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ઈમામ-ઉલ-હક, કામરાન ગુલામ, કાશિફ અલી, ખુર્રમ શહઝાદ, મોહમ્મદ અલી, મોહમ્મદ હુરૈરા, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર/બેટ્સમેન), નોમાન અલી, રોહેલ નઝીર (વિકેટકીપર/બેટ્સમેન), સાજીદ ખાન અને સલમાન અલી આગા.