મહિલા દ્રારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
પાટણ શહેરનાં સિધ્ધપુર ચાર રસ્તા રોડ પરનાં હંગામી બસસ્ટેન્ડમાં થોડા સમય પહેલાં એક મહિલાનાં ગળામાંથી દોઢ લાખના સોનાના દોરાની ચિલઝડપ થઇ હતી. અને તેનાં આરોપીઓને ઝડપી લેવાયા બાદ પણ હજુ આ બસસ્ટેન્ડમાં ચિલઝડપબાજો અને તસ્કરોનો ત્રાસ ઓછો થયો નથી. કારણ કે, અજાણ્યા તસ્કરોએ ગતરોજ વધુ એક મહિલા મુસાફરની બેગ સિફતપૂર્વક ચોરી લઇને રૂ. ૬,૮૩,૧૬૦ની કિંમતનાં સોના ચાંદીનાં દાગીના લઈ રફુચકકર થઇ ગયો હોવાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની વિગતો એવી છે કે, પાટણ શહેરનાં માતરવાડી ગામે ગોકુલધામ સોસાયટીમાં રહેતા રીંકલબેન વસાભાઈ ભરવાડ (ઉ.વ.૨૩) અને તેમની દિકરી તા. ૨૫ નવેમ્બરે સવારે સાડાદશ વાગ્યે પોતાની સાસરી રાધનપુર જવા માટે નિકળ્યા હતા. તેમને તેમનાં પિતા તેમને બાઇક પર પાટણનાં બસસ્ટેન્ડ પર મૂકી ગયા હતા. તેઓ બપોરે બસની રાહ જોતા હતા ત્યારે અંજાર વાળી એક બસ આવતાં તેમાં ચઢવા ગયા ત્યારે બસમાં ચઢનારા મુસાફરોની ભારે ભીડ હતી. અને મુસાફરો ધકકામુકકી કરીને બસમાં ચઢી રહ્યા હતા. તેમાં આ રિંકલબેન પણ બસમાં ચઢી ગયા બાદ તેમણે તેમની પાસેનાં લેડીઝ પર્સ તરફ નજર જતાં તેની ચેઇન ખુલ્લી હોવાથી તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેઓ બસમાંથી નીચે ઉતરી ગયા હતા. કારણ કે, તેમનાં પર્સમાં મુકેલું દાગીનાનું બોકસ ગાયબ હતું.
તેમણે આ દાગીનાનાં બોકસની તપાસ આજુબાજુમાં કરી હતી. પરંતુ તેની પત્તો લાગ્યો નહોતો. તેમણે તેમનાં ભાઈ જયરામભાઈને જાણ કરતાં તેઓએ પણ ધટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી. પણ કોઇ ભાળ ન મળતાં તેમણે પોલીસને જાણ કરી હતી. આ મહિલાનાં પર્સમાં મુકેલા બોક્સમાં સોનાનો સાડા ત્રણ તોલાનો એક સેટ, દોઢ તોલાની એક બુટ્ટી, દોઢ તોલાનું એક મંગળસૂત્ર સોનાનું એમ કુલે સાડા છ તોલાના દાગીના કિંમત રૂ.૬,૮૩, ૧૬૦ ની કિંમતના કોઈ અજાણ્યા શખ્સો લઈ રફુચકકર થઈ ગયા હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ ના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

