પાટણ યુનિવર્સિટી દ્વારા 365 વિદ્યાર્થીઓની કોપી કેસ સુનાવણી પૂર્ણ : બોર્ડ ઓફ મેનેજમેન્ટ અંતિમ નિર્ણય લેશે

પાટણ યુનિવર્સિટી દ્વારા 365 વિદ્યાર્થીઓની કોપી કેસ સુનાવણી પૂર્ણ : બોર્ડ ઓફ મેનેજમેન્ટ અંતિમ નિર્ણય લેશે

નવા કોમન એક્ટ હેઠળ કડક કાર્યવાહીના સંકેત, BOM અંતિમ નિર્ણય લેશે…

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બર 2025માં લેવાયેલી સ્નાતક અને અનુસ્નાતક સેમ 1ની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા 365 વિદ્યાર્થીઓની શુક્રવારે યુનિવર્સિટી દ્વારા સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. યુનિવર્સિટીના MBA ભવન ખાતે માલ પ્રેક્ટિસ કમિટી સમક્ષ આ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નવા કોમન એક્ટની જોગવાઈઓ હેઠળ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહીના સંકેત છે.યુનિવર્સિટીની ઓબ્ઝર્વેશન સ્ક્વોડ દ્વારા સેમ 1ની પરીક્ષાઓ દરમિયાન કુલ 365 વિદ્યાર્થીઓને ગેરરીતિ કરતા પકડવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં ચબરખી,મોબાઈલ અથવા અન્ય પ્રતિબંધિત સાહિત્ય સાથે ઝડપાયા હતા. સુનાવણી માટે તેમને વાલીઓ સાથે યુનિવર્સિટીના MBA ભવન ખાતે બોલાવવામાં આવ્યા હતા. બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) ના સભ્યો દિલીપભાઈ ચૌધરી, કોકીલાબેન પરમાર અને પરીક્ષા નિયામક મિતુલ દેલીયાની કમિટીએ દરેક વિદ્યાર્થીનો પક્ષ સાંભળ્યો હતો. કમિટીએ જપ્ત કરાયેલા દસ્તાવેજો અને પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરી હતી.નવા અમલી બનેલા કોમન એક્ટ હેઠળ પરીક્ષાની શુદ્ધતા જાળવવા માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે. અગાઉના નિયમોમાં સાહિત્ય જપ્ત કરીને વિદ્યાર્થીને છોડી દેવામાં આવતો હતો, પરંતુ નવા કાયદા મુજબ પરીક્ષા ખંડમાં કોઈપણ પ્રતિબંધિત ડિજિટલગેજેટ (જેમ કે મોબાઈલ, સ્માર્ટ વોચ) અથવા ચબરખી રાખવી એ પણ સજાપાત્ર ગુનો છે.વિદ્યાર્થીએ તે સાહિત્યમાંથી ચોરી કરી હોય કે ન કરી હોય, માત્ર તેની હાજરી જ સજા માટે પૂરતી ગણવામાં આવશે.

પરીક્ષા નિયામકે સ્પષ્ટ કર્યું હતું કે, વિદ્યાર્થીઓમાં હજુ આ નવા કાયદાની ગંભીરતા અંગે પૂરતી જાગૃતિ નથી.માલ પ્રેક્ટિસ કમિટીએ સુનાવણી અને તપાસની કામગીરી પૂર્ણ કરી લીધી છે. કમિટી દ્વારા તૈયાર કરાયેલો અહેવાલ હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) સમક્ષ રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કયા પ્રકારની સજા કરવી  અથવા કયા શિક્ષાત્મક પગલાં ભરવા તે અંગેનો અંતિમ નિર્ણય આગામી સમયમાં BOM ની બેઠકમાં લેવામાં આવશે. આ સુનાવણીને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની મોટી ભીડ જોવા મળી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *