પાટણ શહેરના કોલેજ રોડ પર છેલ્લા ત્રણ વર્ષથી નિર્માણાધીન ટી આકારના રેલવે ઓવરબ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. રૂ.38 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજને ચોમાસા પહેલા જનતા માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.હાલમાં બ્રિજ પર ડામર રોડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ડામર રોડ પર હજુ બી.એમ. અને સિલકોટનું સ્તર લગાવવામાં આવશે. આ ઉપરાંત બ્રિજ પર સ્ટ્રીટ લાઈટ્સ મૂકવાની કામગીરી પણ બાકી છે. બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ વેઇટ લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે. બ્રિજની બંને તરફ હાલમાં ઉબડખાબડ સર્વિસ રોડ આવેલો છે. આ સર્વિસ રોડનું નિર્માણ પણ ટેન્ડર પ્રક્રિયામાં સામેલ છે અને બ્રિજ ખુલ્લો મૂકાય તે પહેલા તેનું નિર્માણ કરવામાં આવશે.બ્રિજનું નિર્માણ કરી રહેલા કન્સ્ટ્રક્શન કંપનીના સુત્રોએ જણાવ્યા મુજબ, હાલમાં બ્રિજનું ફિનિશિંગ,કલરકામ અને ડામર રોડનું કામ ચાલી રહ્યું છે. બ્રિજને શરૂ કરવા માટે હજુ એક મહિના જેટલો સમય લાગશે.
ઉલ્લેખનીય છે કે આ બ્રિજનું નામકરણ પણ ‘શેઠ કિલાચંદ” ઓવરબ્રિજ રાખવા માટે નો ઠરાવ પણ પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યો છે ત્યારે આ ઓવર બ્રીજ શરૂ થતાં આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી બનશે તેવો આશાવાદ શહેરીજનોએ વ્યક્ત કર્યો છે.