બનાસકાંઠામાં ઇ-કેવાયસી વગરના ૨૮.૨૧ લાખ ગરીબો અનાજના જથ્થાથી વંચિત રહેશે તેવા સમાચાર સત્યથી વેગળા
બનાસકાંઠા જિલ્લો ૮૭.૭૩ ટકા રેશનકાર્ડ ઇ-કેવાયસી થકી રાજ્યમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે; તા.૧૮/૦૫/૨૦૨૫ના ગુજરાત સમાચાર, દૈનિક વર્તમાનપત્રમાં ”બનાસકાંઠામાં ઇ-કેવાયસી વગરના ૨૮.૨૧ લાખ ગરીબો અનાજના જથ્થાથી વંચિત રહેશે” તેવા છાપવામાં આવેલ સમાચાર સત્યથી વેગળા છે.
બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી કે.કે.ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના કુલ ૪,૪૬,૩૮૫ એન.એફ.એસ.એ. રેશનકાર્ડના કુલ ૨૨,૯૯,૪૩૭ લાભાર્થીઓ પૈકી ૪,૫૮,૫૮૮ રેશનકાર્ડના ૨૦,૧૭,૩૨૭ લાભાર્થીઓનું ઇ-કેવાયસી પૂર્ણ કરાયું છે તથા ૫,૭૯૭ એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધરાવતા કુલ ૨,૮૨,૧૧૦ લાભાર્થીઓનું ઇ-કેવાયસી બાકી છે. તેઓ માટે સરકાર દ્વારા વ્યાજબી ભાવની દુકાને સ્પોટ ઇ-કેવાયસીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લો ૮૭.૭૩ ટકા રેશનકાર્ડ ઇ-કેવાયસી થકી રાજ્યમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે.
હાલમાં સરકાર દ્વારા માહે. મે-જુન/૨૦૨૫ના બંને માસનો જથ્થો એક સાથે આપવાનો નિર્ણય કરેલ છે. જેથી કોઇપણ લાભાર્થી વ્યાજબી ભાવની દુકાન પર ઇ-કેવાયસી કરાવીને જથ્થો મેળવી શકે છે. વધુમાં, રેશનકાર્ડમાં જેટલા સભ્યોનું ઇ-કેવાયસી થયેલ છે, તેટલા સભ્યોને તેમને મળવાપાત્ર જથ્થો મળતો રહેશે.
આ ઉપરાંત, ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ., સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી, મામલતદાર કચેરી ખાતે તથા સેલ્ફ ઇ-કેવાયસી (My Ration App) થકી પણ સરકાર દ્વારા ઇ-કેવાયસીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી ઇ-કેવાયસી બાકી હોય તેવા એન.એફ.એસ.એ. લાભાર્થીઓ પોતાનું ઇ-કેવાયસી કરાવી, પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો સરળતાથી મેળવી શકે છે.
આમ, ઉકત દૈનિક વર્તમાનપત્રમાં છપાયેલ “બનાસકાંઠામાં ઇ-કેવાયસી વગરના ૨૮.૨૧ લાખ ગરીબો અનાજના જથ્થાથી વંચિત રહેશે” સમાચાર સત્યથી વેગળા હોવાનું એક અખબારી યાદીમાં જણાવ્યું છે.