હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતાં, 12 શ્રમિકનાં મોત

Other
Other

હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતાં દટાઈ ગયેલા 12 શ્રમિકનાં મોત નીપજ્યાં છે, જ્યારે 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તંત્ર દ્વારા જેસીબીની મદદથી દીવાલના કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ, હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતાં અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ જતાં તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં 12 શ્રમિકનાં મોત નીપજ્યાની વિગતો સામે આવી છે. હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દીવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય તેને કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ મીઠાના કારખાનામાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. હાલ વેકેશનનો સમયગાળો હોવાથી આ ઘટનામાં માસૂમ બાળકો પણ ભોગ બન્યાં હોવાની આશંકા સેવાઇ રહી છે. આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.