દક્ષિણ ગુજરાત : છેલ્લા ૨૪ કલાકમાં કપરાડામાં ૨, ઉમરપાડામાં ૧.૫ ઈંચ વરસાદ, એકનું વીજળી પડતા મોત
દક્ષિણ ગુજરાતમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં નોંધાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં પણ ૧.૫ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે તાપી જિલ્લાના નવું નેવાળા ગામની સીમમાં વીજળી પડતા પશુપાલકે જીવ ગુમાવ્યો છે.
નિસર્ગ વાવાઝોડાની અસર બાદથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. જેમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મોન્સૂનને લઇ હવામાન વિભાગે એડવાઇઝરી જાહેર કરી હતી. જેમાં દેશના મોટાભાગના હિસ્સાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડવાની આગાહી વ્યકત કરી હતી. નિસર્ગ વાવાઝોડા પછી સુરતમાં વરસાદી માહોલ જામ્યો હતો. પ્રિ-મોન્સૂન એકટીવિટીમાં જ ૪ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી ગુજરાતના તાપી જિલ્લામા ઘેટા બકરાને ચરાવા માટે આવ્યા હતા, જેઓ ઘેટા બકરા અને પરિવાર સાથે નવું નેવાડા ગામની સિમમા ખુલ્લા ખેતરોમાં પડાવ નાખી રહેતા હતા. ગત રોજ સાંજે ૭ઃ૩૦ કલાકે આચાનક વાતાવરણમા પલટો થતા ગાજવીજ સાથે વરસાદ અને પવન ફુકયો હતો, જેમાં નવું નેવાડા ગામથી પડાવ પાસે જતા તે સમયે આકાશ વીજળી પડતા રામાભાઈ કાળુભાઈ થેલારીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.