થરાદની નર્મદા નહેરમાં ખાબકેલી નિલગાયને બચાવીને નવજીવન બક્ષ્યું
સ્થાનિક યુવાનોએ જીવના જોખમે બહાર નીકાળીને જંગલ વિસ્તારમાં છોડી
થરાદના જમડા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં નીલગાય પડતાં ગામના યુવાનોએ જીવના જોખમે મુખ્ય કેનાલમાં નીલગાયને જીવિત બહાર નીકળી જંગલ વિસ્તારમાં છોડી દિધી હતી. નોધનીય છેકે સરહદી પંથકમાં નહેરમાં માણસ કે પશુ કોઇને પણ પડતું જોઇ જવાય તો તેને જીવના જોખમે બચાવવાના ભરપુર પ્રયાસો કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સ્થાનિક પ્રજા દ્વારા પાડવામાં આવતું હોય છે.
પ્રાપ્ય માહિતી મુજબ થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં જમડા નજીક એક નીલગાય કેનાલમાં ખાબકી હતી. મુખ્ય કેનાલ પરથી પસાર થતાં રાહદારીઓ દેખી જતાં જમડા ગામના યુવાનોને જાણ કરતાં જીવદયા પ્રેમી યુવાનો તાત્કાલિક કેનાલ પર પહોંચી જીવના જોખમે નીલગાયને બહાર નીકળી હતી.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, જમડા પુલ નજીક એક નીલગાય કેનાલમાં પડી હોવાની માહિતી રાહદારી દ્વારા અમને મળતાં અમે યુવાનો સાથે મળી દોરડાં વડે લાગ કરી કેનાલના પાણીમાંથી ભારે જહેમત બાદ નીલગાયને બહાર નીકાળી હતી અને ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. મુખ્ય કેનાલ અવારનવર નીલગાયો પાણી પીવા જતાં કેનાલમાં પડી જતી હોય છે અને અમને જાણ થાય તો અમે લોકો બહાર નીકાળી દઇએ છીએ.યુવકોની જીવદયાપ્રેમની સરાહના થવા પામી હતી.