પાટણઃ આજે વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાતા, સંક્રવણ બન્યુ બેફામ
આજે પાટણ શહેરમાં કોરોનાના વધુ ૩ કેસ તેમજ પાટણ તાલુકાનાં ચડાસણા ગામમાં ૧ કેસ સામે આવ્યો છે. શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાયરસ ચેપનો મહારોગ ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યો છે. આવી વિકટ પરિસ્થિતિમાં અપાયેલી છૂટછાટ બાબતે લોકોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હોવાનું જોરશોરથી ચર્ચાઈ રહ્યુ છે. જિલ્લામાં કોરોના કેસનો કુલ આક ૧૨૫ થયો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૧ લોકોનાં મોત થયા છે.
પાટણ શહેરમાં વધુ ૩ કોરોના કેસ તેમજ ચડાસણામાં ૧ કેસ બહાર આવતા આરોગ્યતંત્ર દોડતુ થયું છે. પાટણનાં ઉપવન બંગલોઝમાં રહેતી ૨૭ વર્ષિય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયો છે. ઉપરાંત શહેરનાં આનંદનગર સોસાયટી (ખાન સરોવર પાસે)રહેતી ૬૫ વર્ષિય વૃધ્ધ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયો છે. તેમજ શહેરનાં યશ વિહાર (અંબાજી નેળીયુ)માં રહેતા ૩૨ વર્ષિય યુવકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયો છે. પાટણ તાલુકાનાં ચડાસણા ગામનાં રબારીવાસમાં રહેતા ૪૫ વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આથી ગ્રામ્ય કક્ષાનું આરોગ્યતંત્ર પણ સતર્ક બન્યુ છે.