ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે કરી વાત, જાણો ક્યા મુદ્દાઓ પર થઇ ચર્ચા
અરબી સમુદ્રમાં તણાવ અને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા લોહિયાળ સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાત કરી છે. બંને નેતાઓએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. વિકાસ ઉપરાંત પીએમ મોદી અને મોહમ્મદ બિન સલમાન વચ્ચે દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીના ભવિષ્ય પર ચર્ચા થઈ હતી.
બંને નેતાઓએ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ આતંકવાદ, હિંસા અને નાગરિકોના મોત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદી અને મોહમ્મદ બિન સલમાન પણ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.
સાઉદી પ્રિન્સ- પીએમ મોદી સાથે સારી વાતચીત થઈ
ક્રાઉન પ્રિન્સ સાથે વાત કર્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું અમે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું અને આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવનના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી. આ સાથે પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા પર સહમતિ બની હતી.
વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાને વર્લ્ડ એક્સ્પો 2030 અને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2034ના યજમાન તરીકે પસંદ થવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. તમને જણાવી દઈએ કે ગાઝામાં અઢી મહિનાથી વધુ સમયથી લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. આમ છતાં ગાઝામાં ઈઝરાયેલના હુમલા ચાલુ છે. ઈઝરાયેલનું કહેવું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી ગાઝામાં યુદ્ધવિરામ નહીં થાય.