PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન, જાણો કેમ છે આ એવોર્ડ ખાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાંસના પ્રવાસે છે, જ્યાં ગુરુવારે તેમને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીને આ સન્માન આપ્યું, તેઓ ફ્રાન્સ તરફથી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. આવો અમે તમને જણાવીએ કે આ સન્માન શા માટે ખાસ છે… ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર ફ્રાન્સની સર્વોચ્ચ સન્માન છે, જે નોંધપાત્ર યોગદાન માટે આપવામાં આવે છે. છેલ્લી બે સદીઓમાં, તે અત્યાર સુધીમાં ઘણા મોટા નામોને આપવામાં આવ્યું છે.
આ સન્માન 1802માં નેપોલિયન બોનાપાર્ટે શરૂ કર્યું હતું. આ સન્માન નાઈટ, ઓફિસર, કમાન્ડર, ગ્રાન્ડ ઓફિસર અને ગ્રાન્ડ ક્રોસ સહિત પાંચ સન્માનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીને તેમાંથી સર્વોચ્ચ ગ્રાન્ડ ક્રોસ એવોર્ડ મળ્યો છે. આ સન્માન ફ્રેન્ચ નાગરિકો માટે બનાવવામાં આવ્યું છે, અથવા જેમણે ફ્રાન્સમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અત્યાર સુધીમાં 300 થી વધુ વિદેશી નાગરિકોએ આ સન્માન મેળવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા નેલ્સન મંડેલા, કિંગ ચાર્લ્સ, એન્જેલા મર્કેલ, વ્લાદિમીર પુતિન સહિત કેટલાક અન્ય મોટા નામોને આ સન્માન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે પેરિસ પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી અહીં ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત સ્ટેટ ડિનરમાં હાજરી આપશે, ઉપરાંત ફ્રાન્સની બેસ્ટિલ ડે પરેડમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. ઘણા દેશોએ પીએમ મોદીને અત્યાર સુધી તેમના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે, તાજેતરમાં ઇજિપ્ત, પાપુઆ ન્યુ ગિની, ફિજી, પલાઉ જેવા દેશોએ પણ તેમને તેમનો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો છે.
પીએમ મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારત અહીં 26 રાફેલ-એમ ફાઈટર જેટ ખરીદવા માટે ફ્રાન્સ સાથે ડીલ કરવા જઈ રહ્યું છે. આ સિવાય ત્રણ સબમરીન ખરીદવાની પણ યોજના છે. પીએમ મોદીએ અગાઉ ફ્રાંસની તેમની એક મુલાકાત વખતે રાફેલનો સોદો કર્યો હતો, જે વિમાન ભારતીય વાયુસેનાને મળ્યું છે.