પાલનપુર સિવિલ સર્જનની જર્જરીત ઓફિસ: દુર્ઘટનાની ભિતી અગાઉ ઓફિસ નો જર્જરીત સ્લેબ તૂટીને નીચે પડ્યો હતો
પાલનપુર સિવિલમાં અસંખ્ય દર્દીઓ સારવાર માટે આવે છે: પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સર્જનની ઓફિસ સહિતની ઓફિસો જર્જરિત અવસ્થામાં ઉભી છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ ઓફિસનું રીનોવેશન કામ કરવામાં આવે અથવા ઉતારી નવી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા તાજેતરમાં જર્જરિત ઇમારતોને નોટિસ આપી તેની સામે લાલ આંખ કરવામાં આવી હતી. ત્યારે પાલનપુર શહેરના સીમલા ગેટ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ આવેલી છે. આ સિવિલ હોસ્પિટલને ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લીધા બાદ તે પરિસરમા નવીન બિલ્ડીંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ હજુ પણ જૂનું બિલ્ડીંગ તેમજ સિવિલ સર્જનની ઓફિસ ઉભેલી છે તે પણ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે.
તાજેતરમાં સિવિલ હોસ્પિટલના સર્જનની ઓફિસ ના બીજા માળેથી જર્જરીત સ્લેબ નીચે પડ્યો હતો. જોકે સદનસીબે નીચે કોઈ હાજર ન હોવાના કારણે તેમજ રાત્રી નો સમય હોવાના કારણે દુર્ઘટના ટળી હતી.
તો બીજી બાજુ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન અસંખ્ય દર્દીઓ તેમજ તેમના સગાઓ સિવિલ હોસ્પિટલમાં આવે છે. તો આ જર્જરીત ઇમારત નીચે પડે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલની સરકારી ઇમારતને રીનોવેશન અથવા નીચે ઉતારવાની કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.