PMના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડતાં હડકંપ, SPGથી લઈને દિલ્હી પોલીસ એલર્ટ
સોમવારે સવારે વડાપ્રધાનના આવાસ પર ડ્રોન જોવા મળ્યાના સમાચાર છે. પીએમ મોદીનું આવાસ નો ફ્લાઈંગ ઝોન અને નો ડ્રોન ઝોન હેઠળ આવે છે. આવી સ્થિતિમાં અહીં ડ્રોન જોવા મળ્યાની માહિતીને પગલે ખળભળાટ મચી ગયો છે. ઘટના સવારે સાડા પાંચ વાગ્યાની જણાવવામાં આવી રહી છે. પીએમ મોદીની સુરક્ષામાં લાગેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)એ તરત જ આ મામલે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને ડ્રોનની તપાસ શરૂ કરી હતી.
પોલીસની તપાસ સતત ચાલી રહી છે, પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ પોલીસને હજુ સુધી કંઈ મળ્યું નથી. આ અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસે કહ્યું કે, તેમને PMના આવાસની ઉપર નો-ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડવાની માહિતી મળી હતી. SPGએ સવારે 5.30 વાગ્યે પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે NDD કંટ્રોલ રૂમને ડ્રોન વિશે જાણ કરવામાં આવી હતી. પીએમના નિવાસસ્થાનની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ એવું કંઈ મળ્યું ન હતું. આ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલ રૂમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ કંઈ મળ્યું ન હતું.
વડાપ્રધાનની સુરક્ષા કેવી છે?
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાનની સુરક્ષા ખૂબ જ ચુસ્ત છે. એટલી ચુસ્ત કે તેમના ઘરે પહોંચવા માટે પણ તેમને અનેક સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે, પછી તે તેના પરિવારનો કોઈ સભ્ય હોય કે અધિકારી. PMનું નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર 12 એકર જમીનમાં ફેલાયેલું છે. અહીં માત્ર એક જ પ્રવેશદ્વાર છે અને કડક SPG પેરા પણ છે.
સીએમ કેજરીવાલના આવાસ ઉપર પણ ડ્રોન જોવા મળ્યું હતું
મહત્વનું છે કે આ પહેલા એપ્રિલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પર ડ્રોન જોવાના સમાચાર આવ્યા હતા, ત્યારબાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.