ગધેડાના મોતને લઈને મોટો હોબાળો, એક બે નહીં પણ 65 લોકો સામે નોંધી પોલીસે ફરિયાદ
બિહારના બક્સર જિલ્લામાં એક ગધેડાના મોતને લઈને એટલો બધો હંગામો થયો કે પોલીસે 65 લોકો વિરુદ્ધ FIR નોંધવી પડી. અહેવાલો અનુસાર, વીજ કરંટથી કથિત રીતે એક ગધેડાના મૃત્યુને લઈને અને વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાવાને લઈને હંગામો કરવા બદલ જિલ્લાના કેસાથ બ્લોકમાં 65 ગ્રામવાસીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે ગ્રામજનોએ હંગામો મચાવ્યો હતો અને લગભગ 3 કલાક સુધી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
શુક્રવારે આ મામલાની માહિતી આપતા બક્સરના પોલીસ અધિક્ષક શુભમ આર્યએ જણાવ્યું હતું કે, ‘ઘટના પછી તરત જ મોટી સંખ્યામાં ગામલોકો વિસ્તારના ચકોડા પાવર ગ્રીડ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને વળતરની માંગ કરવા લાગ્યા હતા. કેટલાક ગ્રામજનોએ પાવર ગ્રીડ ઓફિસમાં ઘૂસીને વિસ્તારનો વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. તેણે જણાવ્યું કે આ ઘટના 11 સપ્ટેમ્બરે બની હતી. બાદમાં, રાજ્યના વીજળી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ગ્રામજનો સામે વીજ પુરવઠો ખોરવવા અને સરકારી કર્મચારીઓના કામમાં અડચણ ઉભી કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગ્રામજનોએ 13 સપ્ટેમ્બરે પણ ફરિયાદ કરી હતી
એસપીએ જણાવ્યું કે રાજ્યના વિદ્યુત વિભાગના સંબંધિત એસડીઓની ફરિયાદના આધારે પોલીસે 3 કલાક સુધી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવવા બદલ 65 ગ્રામવાસીઓ વિરુદ્ધ FIR નોંધી છે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વિભાગના વરિષ્ઠ અધિકારીઓની દરમિયાનગીરી બાદ 3 કલાકથી ખોરવાઈ ગયેલો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી શકાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ મુદ્દે ગ્રામજનોએ 13 સપ્ટેમ્બરે વિજળી વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.